લંડનઃ લેબર સરકાર દ્વારા નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ લદાય તે પહેલાં જાણે કે મકાન માલિકોમાં ભાડૂઆતો પાસે મકાન ખાલી કરાવવાની જાણે કે હોડ જામી છે. બેલિફ દ્વારા મકાન ખાલી કરાવવાના સરકારી આંકડામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એન્જેલા રેયનર અને સર કેર સ્ટાર્મરે નો ફોલ્ટ ઇવિક્શનની કાયદાકીય કલમ 21ને નાબૂદ કરવાનું વચન આપ્યું છે અને આગામી ઉનાળાથી તેનો અમલ થાય તેવી સંભાવના છે.
જસ્ટિસ મિનિસ્ટ્રીના આંકડા દર્શાવે છે કે જુલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે ઇંગ્લેન્ડમાં 8425 ભાડૂઆતોને સેક્શન 21 અંતર્ગત નો ફોલ્ટ ઇવિક્શન નોટિસ પાઠવવામાં આવી છે જે છેલ્લા 8 વર્ષનો સૌથી ઊંચો આંકડો છે. 2023માં આજ સમયગાળામાં બેલિફ દ્વારા 2830 ભાડૂઆતને મકાન ખાલી કરાવાયા હતા આમ 2024માં આ આંકડામાં 23 ટકાનો વધારો થયો છે.
એપ્રિલ 2019માં તત્કાલિન વડાં પ્રધાન થેરેસા મેએ સેક્શન 21 નાબૂદ કરવાનું વચન આપ્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં 1,10,000 ભાડૂઆતને આ કલમ હેઠળ મકાન ખાલી કરાવાઇ ચૂક્યાં છે. હાઉસિંગ ચેરિટીઓ રેન્ટર્સ રાઇટ્સ બિલ ઝડપથી પસાર કરવાની અપીલ કરી રહી છે.
ચેરિટી ક્રાઇસિસે જણાવ્યું હતું કે, હજુ પણ ભાડૂઆતો પાસે મકાન ખાલી કરાવવામાં આવી રહ્યાં છે જેના કારણે તેમને હાઉસિંગ અસુરક્ષા અને બેઘર થવાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.