લંડનઃ બ્રાઝિલ ખાતે યોજાઇ રહેલા જી-20 શિખર સંમેલન દરમિયાન 18 નવેમ્બર સોમવારની રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન સર કેર સ્ટાર્મર વચ્ચે પ્રથમવાર દ્વિપક્ષીય મુલાકાત યોજાઇ હતી. જુલાઇમાં યુકેની સંસદની ચૂંટણીમાં વિજેતા બનેલા સર કેર સ્ટાર્મરની નરેન્દ્ર મોદી સાથેની આ પહેલી મુલાકાત હતી. બંને નેતા વચ્ચે ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર, ટેકનોલોજી, ગ્રીન એનર્જી, સિક્યુરિટી અને ઇનોવેશન સહિત યુકેમાં વસતા ભારતના આર્થિક અપરાધીઓના પ્રત્યર્પણ પર ચર્ચા થઇ હતી.
મુલાકાત બાદ બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મારી સરકાર ભારત સાથે વેપાર કરાર પરની મંત્રણાનો પુનઃપ્રારંભ કરશે. બ્રિટનના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે વિદેશ સાથેના વેપારને વેગ આપવો અત્યંત જરૂરી છે. યુકે વેપાર કરાર અને સિક્યુરિટી, એજ્યુકેશન, ટેકનોલોજી અને ક્લાઇમેટ ચેન્જ સહિતના સેક્ટરમાં ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારીનું સર્જન કરશે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ભારત સાથેનો નવો વેપાર કરાર યુકેમાં નોકરીઓનું સર્જન કરશે અને સમૃદ્ધિ વધારશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, રિયો ડી જાનેરો ખાતે બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર સાથેની મુલાકાત અત્યંત ફળદાયી રહી હતી. ભારત માટે યુકે સાથેની વ્યૂહાત્મક ભાગીદારી ટોચની પ્રાથમિકતા છે. આગામી વર્ષોમાં અમે ટેકનોલોજી, ગ્રીન એનર્જી, સિક્યુરિટી અને ઇનોવેશનના સેક્ટરમાં પણ સાથે મળીને કામ કરવા ઉત્સુક છીએ. નરેન્દ્ર મોદીએ કેર સ્ટાર્મરને જુલાઇની ચૂંટણીમાં પ્રચંડ જનમત હાંસલ કરવા માટે પણ અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન મોદીની કચેરી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને નેતા મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓ જેમ બને તેમ ઝડપથી શરૂ કરવા ઇચ્છે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુક્ત વેપાર કરાર પરની બંને દેશ વચ્ચેની મંત્રણા 14 રાઉન્ડ બાદ યુકે અને ભારતમાં સંસદની ચૂંટણીના પગલે મે મહિનાથી સ્થગિત થઇ ગઇ હતી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેર સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય બેઠકમાં બ્રિટનમાં આશ્રય લઇ રહેલા વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારી સહિતના ભારતના આર્થિક અપરાધીઓનું પ્રત્યર્પણ કરવા અપીલ કરી હતી. મોદીએ ભારતના આર્થિક અપરાધીઓના મુદ્દાના મહત્વને રજૂ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ યુકેમાં વસતા ભારતીય સમુદાયની સુવિધા માટે બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં બે નવા ભારતીય કોન્સ્યુલેટ જનરલ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
જી-20 સમિટની સાથેસાથે વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી બ્રિટન અને ચીન વચ્ચે મજબૂત સંબંધની હિમાયત કરી હતી. 2018 પછી કોઇ બ્રિટિશ વડાપ્રધાનની ચીની રાષ્ટ્રપતિ સાથેની આ પ્રથમ મુલાકાત હતી. સ્ટાર્મરે જિનપિંગને જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે આપણા સંબંધો સાતત્યપૂર્ણ, લાંબાગાળાના અને સન્માનનીય રહે. શિ જિનપિંગે વડાપ્રધાન સ્ટાર્મરને જણાવ્યું હતું કે, બંને દેશે પરસ્પરના સન્માન અને પારદર્શકતા માટે પ્રતિબદ્ધ બનવું જોઇએ. ચીન અને યુકે વચ્ચે વેપાર, મૂડીરોકાણ, ક્લીન એનર્જી, ફાઇનાન્સિયલ સર્વિસ, હેલ્થ કેર સેક્ટરોમાં સહકારની વ્યાપક સંભાવનાઓ છે.