લંડનઃ ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ લંડનની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેના મજબૂત સંબંધના મૂળ સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને લોકશાહી માટે પરસ્પરની પ્રતિબદ્ધતામાં રહેલાં છે. તેમણે બંને દેશ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરી હતી.
હાઉસ ઓફ કોમન્સના સ્પીકર લિન્ડસે હોયલે સાથેની મુલાકાતમાં ઓમ બિરલાએ સંસદીય પ્રક્રિયામાં સહકાર વધારવા અને સાંસદોની ક્ષમતાનું નિર્માણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેના સંબંધો ઘણા ગાઢ છે. બંને દેશ લોકશાહી અને લોકતાંત્રિક મૂલ્યોના તાંતણે બંધાયેલા છે. બંને નેતા વચ્ચે સંસદીય પ્રણાલીઓમાં સુધારો લાવવા અંગે પણ ચર્ચા થઇ હતી.
ચર્ચા દરમિયાન બિરલાએ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું આયોજન કરવાના ભારતના ચૂંટણી પંચની સિદ્ધીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ભારત અને યુકે વચ્ચે સંસદીય સહકારની જરૂરીયાત વર્ણવતા બંને દેશના યુવા અને મહિલા સાંસદો વચ્ચે અવારનવાર વિચારગોષ્ઠીના આયોજનની પણ તરફેણ કરી હતી.
લિન્ડસે હોયલેએ બિરલાના માનમાં પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે લન્ચનું આયોજન કર્યું હતું. ઓમ બિરલાએ તેમના સ્વાગત માટે લિન્ડસેનો આભાર વ્યક્ત કર્યો હતો. બિરલાએ યુકેના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક સાથે મુલાકાત કરીને વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.
યુકેમાં બ્રિટિશ ભારતીયોના યોગદાનને ઓમ બિરલાએ બિરદાવ્યું
લંડનની મુલાકાત દરમિયાન ઇન્ડિયા હાઉસ ખાતે ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરતાં ઓમ બિરલાએ યુકેમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોની આકરી મહેનત અને કાર્યક્ષમતાના પરિણામે વિશ્વનો ભારતમાં વિશ્વાસ વધ્યો છે. ભારતીયોની સેવાની સંસ્કૃતિ, નૈતિકતા અને યોગદાને ભારતની વૈશ્વિક ઇમેજને આકાર આપ્યો છે. તમામ દેશના નેતા આજે સ્વીકારે છે કે 21મી સદી ભારતની છે. તેઓ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરે છે.