લંડનઃ કેનેડામાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો મધ્યે વિશ્વભરના અને ખાસ કરીને કેનેડાસ્થિત ભારતીય ડાયસ્પોરાએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે ખાસ વાતચીતમાં આ વિવાદના સોહાર્દપૂર્ણ ઉકેલ માટે અનુરોધ કર્યો છે.
કેનેડા અને વિશ્વમાં ભારતીય કોમ્યુનિટી બે દેશ વચ્ચે તંગ સંબંધોથી ચિંતિત છે. આ તણાવના કારણે સામાન્ય લોકો માટે કેનેડા અને ભારત વચ્ચે પ્રવાસને મુશ્કેલ બનાવ્યો છે તેમજ તેમના જીવન અને નોકરીઓ પર અસર પડી છે. ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો અને બીનશીખ બીનવસાહતી ભારતીયોએ ચિંતા વ્યક્ત કરી વાટાઘાટો દ્વારા સમસ્યાને ઉકેલવા હાકલ કરી છે. કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ખાતર સંબંધોમાં સુધારાની આશા વ્યક્ત કરવા સાથે આશા વ્યક્ત કરી છે કે ભારત દ્વારા કેનેડા સામે મૂકાયેલા વિઝા નિયંત્રણોની અસર નિર્દોષ લોકો પર નહિ પડે.
આ વિવાદ વચ્ચે કેનેડિયન આર્મીના વાઈસ ચીફ મેજર જનરલ પીટર સ્કોટે સ્પષ્ટ કર્યું છે કે,‘આપણા બે આર્મી વચ્ચે આની અસર થઈ રહી નથી. મેં તમારા આર્મી કમાન્ડર (ભારતીય લશ્કરી વડા જનરલ મનોજ પાંડે) સાથે ગઈ કાલ રાત્રે જ વાત કરી છે. આ રાજકીય મુદ્દો છે અને તેનાથી આપણા મિલિટરી સંબંધો પર અસર થવી ન જોઈએ તે બાબતે અમે સહમત છીએ.
કેનેડામાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે ગાઢ સંપર્ક ધરાવતા સૂત્રે જણાવ્યું હતું કે ‘કેનેડામાં માહોલ તંગ છે. બારતીય મૂળના હિન્દુ કેનેડિયન્સને દેશ છોડી જવાની ધમકી અપાઈ છે પરંતુ, સરકાર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. કેનેડામાં આશરે 800,000 શીખ છે અને તેમાંથી 60 ટકા ખાલિસ્તાનતરફી છે.’
દરમિયાન, કેનેડામાં અભ્યાસનું આયોજન કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ આ રાજકીય તણાવથી અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે તેમજ કેનેડા અને ભારતમાં શીખ કોમ્યુનિટી પર તેની વ્યાપક અસરો પડી શકે છે. અમદાવાદસ્થિત એક કન્સલ્ટન્સી ફર્મના જણાવ્યા મુજબ આગામી સ્પ્રિંગ શૈક્ષણિક સત્ર જાન્યુઆરીમાં શરૂ થઈ રહ્યું છે પરંતુ, સંભવિત ડામાડોળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ ઓગસ્ટ 2024થી અભ્યાસ શરૂ કરવાનો ફેરફાર કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને કેનેડામાં પોતાના ભવિષ્ય બાબતે ચિંતા થવાથી પ્લાન્સ મુલતવી રાખેલ છે. પેરન્ટ્સને પણ કેનેડા વળતાં પગલાં ભરે તેનો ભય છે.આના પરિણામે, અભ્યાસ માટે કેનેડાને પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કેનેડામાં ભારતીયોમાં પ્રવર્તતી અસલામતી
બ્રિટિશ લેબર પાર્ટીના સાંસદ તનમનજિત ધેસીએ કેનેડાથી મળતા અહેવાલો બાબતે ચિંતા દર્શાવતા કહ્યું છે કે ઘણા ચિંતાતુર શીખોએ તેમને સંપર્ક કર્યો છે. દરમિયાન, તાજેતરમાં જ ઓટાવા પહોંચેલા જયરાજ શાંત રહેવા અને સરકાર દ્વારા અપાયેલી માર્ગદર્શિકાને અનુસરવા પ્રયાસ કરી રહ્યા છે. લાંબા સમયથી કેનેડામાં રહેતા મોહિત (નામ બદલેલ છે) તાજેતરની ઘટનાઓથી સર્જાયેલી નવી અસલામતી બદલ ચૂંટણીઓ અગાઉ કેનેડાના વડા પ્રધાનની રાજકીય મહેચ્છાઓને જવાબદાર ગણાવે છે. મોહિત માને છે કે વડા પ્રધાન ભારતવિરોધી કાર્યોમાં સંકળાયેલા જગમીત સિંહને સાચવી રહ્યા છે.
બીજી તરફ, પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લાન્ક અને મિનિસ્ટર અનિતા આનંદે શાંતિ જાળવવા અપીલ કરી કહ્યું છે કે હિન્દુ કેનેડિયનોએ ધમકીભર્યા વીડિયોઝથી ડરવાની જરૂર નથી. આમ છતાં, પરિસ્થિતિ અશાંત છે અને હિન્દુ કેનેડિયન્સમાં ભય પ્રવર્તી રહ્યો છે.
ભારતના વિભાજનકાળમાં હિન્દુઓ અને મુસ્લિમોને એક કરવાના પ્રયાસમાં મોતને ભેટેલા પિતાના પુત્ર અને જામીતા શીખ નેતા લોર્ડ રેમી રેન્જર એ જણાવ્યું હતું કે,‘કોઈ પણ દેશે તેમના દેશમાં વિભાજનવાદી જૂથોને સપોર્ટ કરવો ન જોઈએ. ભારતનું બંધારણ જાતિ, ધર્મ અને લિંગને ધ્યાનમાં લીધા વિના દરેક નાગરિકને સમાનતા બક્ષે છે. કોઈ વિભાજનવાદી જૂથે મૈત્રીપૂર્ણ દેશમાં ભારતવિરોધી પ્રવૃત્તિમાં સંકળાવું જોઈએ નહિ.’ બીજી તરફ, શીખ પ્રેસ એસોસિયેશને કહ્યું હતું કે યુકેના ઘણા શીખ ભારતમાં હવાઈયાત્રાએ જવા વિશે ડર અનુભવે છે. શીખ ફેડરેશન (યુકે)ના પ્રિન્સિપાલ એડવાઈઝર દબીન્દરજિત સિંહ OBE એ યુકે સહિત શીખોની સલામતી વિશે ચિંતા વ્યક્ત કરી હતી.