લંડનઃ ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની ઉજવણીના સંદર્ભમાં દિલ્હી સ્થિત બ્રિટિશ હાઇ કમિશને 18થી 23 વર્ષની ભારતીય મહિલાઓને બ્રિટિશ હાઇ કમિશ્નર તરીકે ફરજ બજાવવાનું આમંત્રણ પાઠવ્યું છે. આ માટે તેમણ હાઇ કમિશ્નર ફોર એ ડે સ્પર્ધામાં ભાગ લેવો પડશે.
આ સ્પર્ધામાં ભાગ લેનારી મહિલાઓએ ભવિષ્યની પેઢીઓને લાભ થાય તેવી ટેકનોલોજીમાં ભારત અને યુકે કેવી રીતે સહકાર સાધી શકે તેવા સવાલના જવાબમાં એક મિનિટનો વીડિયો મોકલી આપવાનો રહેશે. તેઓ ‘#DayOfTheGirl’ નો ઉપયોગ કરીને તેમનો વીડિયો ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા લિન્ક્ડઇન પર શેયર કરી ‘@UKinIndia’ ને ટેગ કરવાનો રહેશે. વીડિયો શેયર કરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2024 રહેશે. એન્ટ્રી માટે અરજકર્તાએ ઓનલાઇન ફોર્મ ભરવાનું પણ રહેશે.
ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમેરોને જણાવ્યું હતું કે, યુકે અને ભારત વચ્ચેના ટેકનોલોજી સુરક્ષા સહકારે નવું વલણ સ્થાપિત કર્યુ છે. તેના દ્વારા આપણે આગામી દાયકાની ટેકનોલોજી પર સાથે મળીને કામ કરી શકીશું. દરેક સ્માર્ટફોનમાં વપરાતી સેમીકન્ડક્ટર ચીપની ડિઝાઇન અને ગ્રેફિનના સંશોધનમાં યુકેએ પાયાનું કામ કર્યું છે અને હવે તે એઆઇનો વિકાસ કરી રહ્યો છે. ભારતમાં થતાં સંશોધનો પણ વિશ્વમાં બદલાવ લાવી રહ્યાં છે. બંને દેશના તેજસ્વી લોકો સાથે મળીને કામ કરશે તો અદ્વિતિય આવિષ્કારો કરી શકાશે.