લંડનઃ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના પ્રમુખ નૌશાદ ફોર્બસ અને કો-ચેરમેન ફોર્બસ માર્શલના વડપણ હેઠળ હાઈપ્રોફાઈલ સીઈઓ ડેલિગેશન ૫થી ૭ જુલાઈ દરમિયાન યુકેની મુલાકાતે આવ્યું હતું. બ્રેક્ઝિટ પછી ભારત યુકે આર્થિક વાતચીતો અને નવી દ્વિપક્ષીય બિઝનેસ તકોને મજબૂત બનાવવાનો હેતુ આ ડેલિગેશનમાં ૨૨ ઉચ્ચ ભારતીયો સીઈઓ સામેલ થયા હતા. ઈયુ છોડવાના રેફરન્ડમ પછી બંને દેશો વચ્ચે આ પ્રકારની પ્રથમ વેપારી વાતચીત હતી.
યુકે-ઇન્ડિયા દ્વિપક્ષીય આર્થિક સંબંધો માટે આ ગતિશીલ સમય છે. વડા પ્રધાન મોદીએ નવેમ્બર ૨૦૧૫માં યુકેની સત્તાવાર મુલાકાત લીધા પછી બિઝનેસ સંબંધોમાં ચેતનાનો સંચાર થયો છે. યુકે કંપનીઓ દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રતિસાદ આપતાં ૯ બિલિયન પાઉન્ડથી વધુના વેપારી સોદાઓ જાહેર થયાં હતાં. બીજી તરફ ભારતીય કંપનીઓ પણ યુકેમાં તેમના બિઝનેસ પગ પેસારાને આગળ વધાર્યો હતો.
બાકીના ઈયુ દેશોના સંયુક્ત રોકાણ કરતાં પણ યુકેમાં ભારતીય કંપનીઓનું રોકાણ વધુ છે અને યુકેની ઇકોનોમીમાં ભારત ત્રીજા ક્રમનો સૌથી મોટો રોકાણકાર રહ્યો છે. આ જ રીતે યુકે ભારતમાં ત્રીજા ક્રમના સૌથી મોટા રોકાણકારનું માન ધરાવે છે. આ બે દેશોએ ભારતના હાઈપ્રોફાઈલ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર્સ, મહત્ત્વાકાંક્ષી રીન્યુએબલ એનર્જી પ્રોગ્રામ તથા સાયન્સ અને ટેકનોલોજીમાં યુકેની ભાગીદારી સાથે સહકારની વિવિધ પદ્ધતિઓ સ્થાપિત કરી છે.
લંડનની તાજ હોટલમાં નૌશાદ ફોર્બસે બિઝનેશ અને મિડિયા સહિત આમંત્રિતો સમક્ષ કહ્યું હતું કે આ વર્ષે ભારતનો વિકાસદર ૮ ટકાનો પ્રોજેક્ટ કરાયો છે અને જો ચોમાસું નોર્મલ રહેશે તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ દર ૧૦ જેટલો પણ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે ભારત અને યુકે ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર રહ્યાં છે પરંતુ તેઓ સમાન વેપારી પાર્ટનર રહ્યાં નથી. બ્રેક્ઝિટ સાથે યુકે અને ભારતના વેપારી સંબંધો મજબૂત બનવાની આશા તેમણે દર્શાવી હતી.
યુકે મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર યુનિવર્સિટી એન્ડ સાયન્સ જો જ્હોનસને ખાતરી આપી હતી કે બ્રિટન કિનારે બેસી નહી રહે કે માત્ર પોતાના તરફ ધ્યાન નહીં આપે. ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો આટલા વિલંબમાં પડ્યા છે તે નિરાશાજનક છે. યુકેમાં વિશાળ ભારતીય ડાયસ્પોરાના કારણે લોકોથી લોકોના વચ્ચેના સંબંધો મજબૂત અને સફળ છે. અમે આ સંબંધોને આવકારીએ છીએ. વડાપ્રધાન મોદીની યુકે મુલાકાત અને પાર્લામેન્ટ સ્ક્વેરમાં ગાંધી પ્રતિમાની સ્થાપના મહાન ક્ષણો હતી.
તેમણે યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓને આવકારતાં કહ્યું હતું કે અહીં અભ્યાસ માટે આવતાં અથવા કોર્સ પૂર્ણ કર્યા પછી રહેતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે કોઈ મર્યાદા નથી. શરત એ છે કે ગ્રેજ્યુએટ સ્કીમ હેઠળ તેઓ નોકરી મેળવી શકે.
યુકે સ્થિત ભારતીય હાઈ કમિશનર નવતેજ સરનાએ કહ્યું હતું કે યુકે સાથે ભારતના વેપારી અને રોકાણ સંબંધો ઘણા મજબૂત છે. યુકેમાં ૮૦૦ ભારતીય કંપનીઓ છે. આ વર્ષ ટેકનોલોજી અને એજ્યુકેશનનું છે તો આવતું વર્ષ સંસ્કૃતિનું હશે. ભારત યુવાન દેશ છે અને ભવિષ્યમાં સાક્ષરતા દર ૯૯ ટકા સુધી પહોંચશે.
ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એસ્ક્વિથે કહ્યું હતું કે યુકે-ઇન્ડિયા ભાગીદારીનું મહાન ભવિષ્ય છે.