લંડનઃ લંડનમાં સંસદ ભવન નજીક ઇન્ડિયા ઓલ પાર્લામેન્ટરી ગ્રુપ અને ભારતીય હાઇ કમિશન દ્વારા દિવાળી સમારોહનું આયોજન કરાયું હતું. આ ઇવેન્ટના આયોજનમાં બ્રિટિશ ઇન્ડિયન થિન્ક ટેન્ક 1928 ઇન્સ્ટિટ્યુટનો પણ સહયોગ રહ્યો હતો. સમારોહમાં ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પરના વિવિધ પાસાઓની છણાવટ કરાઇ હતી.
મિનિસ્ટર ફોર ઇન્ડો-પેસિફિક કેથેરાઇન વેસ્ટે જણાવ્યું હતું કે, આપણે આતુરતાથી ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારની રાહ જોઇ રહ્યાં છીએ. લેબર પાર્ટીની સરકાર દ્વારા બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરારને ઝડપથી નિર્ણાયક સ્વરૂપ અપાશે. અત્યાર સુધીમાં વેપાર કરાર પર 14 રાઉન્ડ મંત્રણા પુરી થઇ છે.
ઇન્ડિયા એપીપીજીના સહાધ્યક્ષ અને લેબર સાંસદ જીવન સંધેરે જણાવ્યું હતું કે, ઇન્ડિયા એપીપીજી યુકે અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા કામ કરી રહ્યું છે. હું મુક્તપણે માનુ છુ કે બંને દેશ વચ્ચેના સંબંધ મજબૂત બનવા જોઇએ. નવા સાંસદો ચૂંટાઇ આવ્યા બાદ મારે ઘણું શીખવાનું છે. આજે વિશ્વ ભયજનક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે બંને દેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરવાનું છે.
તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓમાં આપણે જે કર્યું તે ફક્ત બે દેશોની સમૃદ્ધિ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વની સમૃદ્ધિ માટે હતું. અત્યારે તો એપીપીજીએ બંને દેશ વચ્ચેનો વેપાર કરાર મૂર્તિમંત થાય તેના માટે કામ કરવાનું છે.