લંડનઃ ભારતીય કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનના યુકે પ્રવાસ અંતર્ગત 9 એપ્રિલ બુધવારના રોજ લંડનમાં 13મા ઇન્ડિયા-યુકે ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિયલ ડાયલોગનું આયોજન કરાયું હતું. સીતારામનના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ અને યુકેના ચાન્સેલર રેચલ રીવ્ઝના નેતૃત્વમાં બ્રિટિશ પ્રતિનિધિમંડળ વચ્ચે ઉચ્ચ સ્તરીય મંત્રણાઓ હાથ ધરાઇ હતી. મંત્રણામાં યુકેએ ભારત સાથે 400 મિલિયન પાઉન્ડના નિકાસ અને મૂડીરોકાણ સોદાઓની જાહેરાત કરી હતી.
યુકે સરકારની ઇકોનોમિક અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે અમે ભારત સાથે 400 મિલિયન પાઉન્ડના નિકાસ અને મૂડીરોકાણ સોદાઓની જાહેરાત કરી છે. તેના કારણે બ્રિટિશ ટેક અને ફાઇનાન્સિયલ સેક્ટરોને વેગ મળશે. આ સંધિઓથી વિકાસને વેગ મળશે.
બેઠક બાદ બંને દેશના ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેની આર્થિક ભાગીદારી વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કરી રહી છે. અમે આર્થિક સ્થિરતા, મૂડીરોકાણમાં વધારો કરવા અને બંને દેશની સમૃદ્ધિ તથા વિકાસને વેગ આપવા અર્થતંત્રોમાં સુધારાની મહત્વાકાંક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છીએ.
બ્રિટિશ ચાન્સેલર રેચલ રીવ્ઝે જણાવ્યું હતું કે, બદલાતા વિશ્વમાં આર્થિક વિકાસને વેગ આપવા ઝડપી પગલાં જરૂરી છે. ભારત સાથે આપણા સંબંધો લાંબાગાળાના અને વ્યાપક છે. અમે ભારત સહિત અન્ય દેશો સાથે વેપાર કરાર પર ચર્ચા કરી રહ્યાં છીએ.
મંત્રણામાં બંને દેશ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટર, ફિનટેક અને ડિજિટલ ઇકોનોમીમાં સહકાર જારી રાખવા સહમત થયાં હતાં. બંને પક્ષે ભારતમાં યુકેની યુનિવર્સિટીઓના કેમ્પસના પ્રારંભની જાહેરાતને પણ આવકારી હતી.
આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં ફાઇનાન્સ સેક્રેટરી, આઇએફએસસીએના ચેરમેન, સેબીના સભ્ય અને નાણા મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.