લંડનઃ કુખ્યાત ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) શસ્ત્રો માટે જરૂરી માલસામાન તુર્કી, ભારત અને યુએસ સહિત વિશ્વના અંદાજે ૨૦ જેટલા દેશોની ૫૧ કંપનીઓ પાસેથી સ્મગલિંગથી મેળવે છે, જેમાં તુર્કીની સૌથી વધુ ૧૩ અને ભારતની સાત કંપની છે. યુરોપિયન યુનિયનના રિપોર્ટ અનુસાર વિવિધ કંપનીઓના હથિયારના પાર્ટ ISIS સુધી સ્મગલિંગ કરવામાં આવે છે.
યુરોપિયન યુનિયન સાથે સંકળાયેલા કોનફિલક્ટ આર્મામેન્ટ રિસર્ચે (સીએઆર) સંશોધન માટે ઈરાકના રાબિયા, કિર્ક્રૂક, મોસુલ, ટિક્રિટ અને સીરિયા કેટલીક પ્રોડક્ટ મેળવી, તથા લશ્કરી કાર્યવાહી બાદ આતંકીઓ પાસેથી મળેલા વિસ્ફોટકો પણ પ્રાપ્ત કર્યા હતા.
રિપોર્ટ મુજબ આતંકીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મોટાભાગના ડેટોનેટર્સ, ડેટોનેર્ટિંગ કોર્ડ, સેફ્ટી ફ્યૂઝ વગેરે ભારતીય કંપનીઓની પ્રોડક્ટ છે. આ ઉત્પાદનો ભારતથી લેબેનોન અને તુર્કીમાં કાયદેસર નિકાસ કરાયા પછી આતંકવાદીઓ ખરીદે છે.
યુરોપિયન યુનિયનના રિપોર્ટમાં વિશ્વની ૫૧ કંપનીઓના શસ્ત્રોના ઉત્પાદન માટે આવશ્યક કેબલ, કેમિકલ અને અન્ય સાધનોનું સ્મગલિંગ ISISને થતું હોવાનો આરોપ લગાવાયો છે. આતંકીઓએ વિસ્ફોટક સાધનો બનાવવા માટે સૌથી વધુ તુર્કી, બ્રાઝિલ, રશિયા, રોમાનિયા, ચીન, સ્વિત્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા અને અમેરિકાની કંપનીઓ પાસેથી ૭૦૦થી વધુ પાર્ટ્સ મેળવ્યા છે.