લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને ભારત સાથે વધેલા વેપારનો ઉપયોગ યુરોપિયન યુનિયનમાં રહેવા માટે મત આપવા જનતાને અનુરોધ કરવામાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બ્રિટન ભારત સાથે વધુ વેપાર કરી શકે છે, પરંતુ ઈયુના મુખ્ય બજારથી અળગાં થવાનું ‘આર્થિક ગાંડપણ’ બની રહેશે.
રવિવારે રાત્રે સ્પેશિયલ બીબીસી ‘ક્વેશ્ચન ટાઈમ’ શોમાં કેમરને કહ્યું હતું કે,‘ભારત અને ચીન જેવાં ઉભરતાં મોટા અર્થતંત્રો સાથે આપણે વેપાર વધારવાની જરૂર છે, પરંતુ આપણે ૧૯૭૨માં ઈયુ સાથે જોડાયા પછી યુરોપિયન વેપાર અને યુરોપિયન અર્થતંત્રોએ પણ ભારે વૃદ્ધિ સાધી છે. બ્રિટન ભારત સાથે વધુ કરી શકે છે, પરંતુ પોતાને ઈયુથી અળગા કરવાના જોખમે નહિ. બ્રિટનની ઈકોનોમીના ૮૦ ટકા ઈન્સ્યુરન્સ, બેન્કિંગ, આર્કિટેક્ચર, વેચાણ અને એડવર્ટાઈઝિંગ સહિતની સેવાઓ પર નિર્ભર છે. સમગ્ર ભારતની સરખામણીએ લક્ઝમબર્ગને આપણે વધુ સેવાઓ વેચીએ છીએ. આપણે ભારત સાથે વધુ વેપારની જરૂર છે, ભારત સાથે વધુ વેપારી સોદાઓ કરવાની જરૂર છે, પરંતુ આપણે મુખ્ય બજાર સાથે જોડાણ કાપી નાખીએ તેવો વિચાર મને આર્થિક ગાંડપણ લાગે છે. આપણે મુખ્ય માર્કેટમાં વધુ સફળતા મેળવ્યા પછી અન્ય બજારો સાથે સંબંધો વધારવા જોઈએ.’
બ્રિટનની નિકાસોનો ૪૫ ટકા હિસ્સો ઈયુમાં જાય છે અને ૨૦૧૪માં યુરોપિયન બ્લોક સાથે તેની નિકાસો ૨૨૭ બિલિયન પાઉન્ડ અને આયાત ૨૮૮ બિલિયન પાઉન્ડની હતી.