લંડનઃ બ્રિટનના મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીએ જણાવ્યું છે કે જો તેની સરકાર બનશે તો તે મુક્ત વેપાર કરાર સહિત ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરશે. ચૂંટણી ઢંઢેરામાં પાર્ટીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર સંરક્ષણ, શિક્ષણ, ટેકનોલોજી અને ક્લાઇમેટ ચેન્જ જેવા મામલાઓમાં ભારત સાથેનો સહકાર વધુ મજબૂત બનાવશે.
બ્રિટનની સંસદની ચૂંટણીમાં મજબૂત દાવેદાર ગણાતી લેબર પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં ભારત સાથેના મુક્ત વેપાર કરારને મહત્વનું સ્થાન આપ્યું છે. આમ તો વર્તમાન કન્ઝર્વેટિવ પાર્ટી પણ ભારત સાથે મુક્ત વેપાર કરાર કરવા ઘણી આતુર હતી. જાન્યુઆરી 2022થી બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર મંત્રણા ચાલી રહી છે અને અત્યાર સુધીમાં મંત્રણાના 13 રાઉન્ડ યોજાઇ ચૂક્યા છે જેમાં મોટાભાગના મુદ્દાઓ પર બંને દેશ વચ્ચે સમજૂતિ સધાઇ ચૂકી છે.