લંડનઃ ટ્રમ્પના ટેરિફ તાંડવની સામે બાથ ભીડવા યુકે અને ભારત મુક્ત વેપાર કરારને ઝડપથી અમલી બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામનની યુકે મુલાકાતમાં જણાવવામાં આવ્યું હતું કે, વેપાર કરાર પર 90 ટકા સહમતિ સધાઇ ચૂકી છે. હવે તેને પરિપૂર્ણ કરવા યુકેના બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ સોમવારથી ભારતની મુલાકાતે પહોંચી રહ્યાં છે.
જોનાથાન રેનોલ્ડ્સ ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ સાથે વેપાર કરાર મુદ્દે મહત્વની મંત્રણા હાથ ધરશે. 2022થી અત્યાર સુધીમાં બંને દેશ વચ્ચે વેપાર કરાર પર 14 કરતાં વધુ રાઉન્ડ મંત્રણાના યોજાઇ ચૂક્યાં છે.
રેનોલ્ડ્સે જણાવ્યું છે કે ભારત સાથેનો વેપાર કરાર લેબર સરકાર માટે ટોચની પ્રાથમિકતા છે. તેથી હું આપણી ટોચની મંત્રણાકાર ટીમ સાથે નવી દિલ્હી જઇ રહ્યો છું. ભારત સાથેની વેપાર મંત્રણામાં વિકાસ માર્ગદર્શક સિદ્ધાંત બની રહેશે.