લેબર પાર્ટીનો વિક્રમસર્જક વિજય યુકે અને ભારત વચ્ચેના સંબંધોની દિશા અંગે અપેક્ષાઓને જન્મ આપશે અને સવાલો પણ સર્જશે. તાજેતરના મહિનાઓમાં વડાપ્રધાન કેર સ્ટાર્મરે સાચી દિશા પકડી છે. ગયા વર્ષે ઇન્ડિયા ગ્લોબલ ફોરમના મંચ પરથી સંબોધન કરતાં તેમણે તેની શરૂઆત કરી હતી. લેબર પાર્ટીના નેતા બન્યા બાદ ભારત પરનું આ તેમનું સૌપ્રથમ મોટું સંબોધન હતુ. બ્રિટિશ ભારતીયોનો વિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવાના તેમના પ્રયાસોમાં આ એક અદ્દભૂત ક્ષણ રહી હતી.
ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી અને બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ સહિતના તેમની કેબિનેટના વરિષ્ઠ સહયોગીઓ પણ સ્ટાર્મરની આ દિશાને અનુસરી રહ્યાં છે. ઇન્ડિયા ગ્લોબલ ફોરમ ખાતે જૂન મહિનામાં આપેલા ભાષણમં લેમીએ જણાવ્યું હતું કે, હું થોડા જ સપ્તાહોમાં ભારતની મુલાકાત લઇશ. તેમણે ભારત સાથેના સંબંધોની પ્રાથમિકતા સ્પષ્ટ કરી દીધી હતી. જો કે હજુ ઘણા કામ કરવાના છે અને તેના આડે કેટલાક અવરોધો પણ છે.
બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરારને ઝડપી અમલી બનાવવો લેબરની પ્રતિબદ્ધતાનો લિટમસ ટેસ્ટ બની રહેશે અને બંને દેશ સરકારોની ક્ષમતા અને સહજતા સંબંધોને મજબૂત બનાવશે. સર કેર સ્ટાર્મર કેવી રીતે આ મહત્વની ભાગીદારી આગળ ધપાવે છે તેના પર યુકેમાં રોજગાર, આર્થિક વૃદ્ધિ અને ભવિષ્યની સમૃદ્ધિનો આધાર રહેશે.
વડાપ્રધાન સ્ટાર્મર માટે સૌથી મોટો પડકાર તેમની સરકારને ભારતીય ઉપખંડમાંથી રાજનીતિને આયાત કરતા એક્ટિવિસ્ટ સંગઠનો સામે રક્ષણ આપવાનો રહેશે. તેમણે વ્યાપક રાષ્ટ્રીય વ્યૂહાત્મક હિતો સામે લેબર વિદેશ નીતિનો પ્રભાવ પણ ઊભો કરવો પડશે. ખાસ કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સૌથી ઝડપથી વિકસી રહેલા અર્થતંત્ર એવા ભારત સાથેના સંબંધો મજબૂત બનાવવા પડશે.