ભારતથી આવતા ફોનકોલ્સ દ્વારા માઈક્રોસોફ્ટના નામે છેતરપિંડી

Monday 12th September 2016 09:40 EDT
 
 

લંડનઃ આધુનિક ટેકનોલોજીના યુગમાં સાઈબર ક્રાઈમ વધતો જાય છે. આવા સંજોગોમાં ભારતથી આવતા કેટલાક ટેલિફોન કોલ્સ થકી માઈક્રોસોફ્ટના નામે વૃદ્ધો પાસેથી નાણા પડાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ‘ગુજરાત સમાચાર’ના નિયમિત ગ્રાહક અને વાચક સુભાષભાઈ મદલાણીએ અન્ય લોકો આવી છેતરપિંડીનો શિકાર બને નહિ તે માટે પોતાનો અનુભવ જણાવ્યો છે. કૌભાંડીઓ દ્વારા વ્યક્તિઓ અને તેમના કોમ્પ્યુટરની વિગતો મેળવવા પ્રયાસ કરવામાં આવે છે. હકીકત એ છે કે માઈક્રોસોફ્ટ કંપની દ્વારા ગ્રાહકોને સામેથી કોઈ કોલ કરવામાં આવતાં નથી.

સુભાષભાઈએ જણાવ્યા અનુસાર તેમના પર 001239483584 ટેલિફોન નંબરથી કોલ આવ્યો હતો. સામેની વ્યક્તિએ તે માઈક્રોસોફ્ટ, કેલિફોર્નિયાથી બોલતો હોવાનું અને તેમના કોમ્પ્યુટરમાં કોઈ ખરાબી હોવાનું જણાવ્યું હતું. જોકે, સુભાષભાઈએ તેમની પાસે કોઈ જ કોમ્પ્યુટર ન હોવાનું જણાવ્યું હતું. આમ છતાં, સામેની વ્યક્તિએ સુભાષભાઈના કોમ્પ્યુટરના કારણે માઈક્રોસોફ્ટ સર્વરોમાં મુશ્કેલી સર્જાતી હોવાની વાત પકડી રાખી હતી. જ્યારે, તેમની પાસે આઈપેડ હોવાની વાત કરતા જ કૌભાંડીએ ફોન બંધ કરી દીધો હતો.

સુભાષભાઈએ ગૂગલ સર્ચ એન્જિન પર વધુ તપાસ કરતા આ સંબંધે અનેક ટીપ્પણીઓ જોવા મળી હતી, જેમાં ભારતથી આ નંબરથી જ ફોન આવ્યાનું જણાવાયું હતું. આ કૌભાંડનો શિકાર બે વૃદ્ધ વ્યક્તિએ હજારો પાઉન્ડ ગુમાવ્યા હતા.

કૌભાંડીઓ દ્વારા રિમોટ એક્સેસ સોફ્ટવેર ડાઉનલોડ કરવા જણાવી તેમની વેબસાઈટો પર લઈ જવાય છે અને તમારા કોમ્પ્યુટરની ખામીઓ દર્શાવાય છે. તમારી ક્રેડિટ કાર્ડ માહિતી પણ લખાવાય છે. આવી સંવેદનશીલ અંગત માહિતી આપવી ન જોઈએ અને ફોન તત્કાળ મૂકી જ દેવો જોઈએ તેમાં જ તમારું હિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter