પણજીઃ ભારતના ગોવા રાજ્યમાં વર્ષ 2017માં આઇરિશ-બ્રિટિશ મહિલા પર બળાત્કાર અને હત્યાના કેસમાં અદાલતે 31 વર્ષીય સ્થાનિક રહેવાસીને આજીવન કેદની સજા ફટકારી છે. 14 માર્ચ 2017ના રોજ સાઉથ ગોવાના કાનાકોના ગામ નજીકના જંગલમાંથી 28 વર્ષીય ડેનિએલે મેકલાફિનનો મૃતદેહ મળી આવ્યો હતો. તે ગોવામાં પ્રવાસન અર્થે આવી હતી.
અદાલતે વિકટ ભગત નામના આરોપીને ડેનિએલે પર બળાત્કાર ગુજારી હત્યા કરવાના આરોપસર દોષી ઠરાવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ક્ષમા જોષીએ ભગતને આજીવન કેદની સજા સાથે રૂપિયા 35,000નો દંડ પણ ફટકાર્યો હતો. ભગતને પુરાવાનો નાશ કરવા માટે વધુ બે વર્ષની કેદ પણ ફટકારવામાં આવી હતી.
સજાની સુનાવણી બાદ પીડિતાના પરિવારે જણાવ્યું હતું કે, ન્યાયની અમારી લડાઇમાં સાથ આપનાર તમામ લોકોના અમે આભારી છીએ. તેમણે અમારી દીકરીને પોતાની દીકરી ગણીને ન્યાય માટે અથાક પ્રયાસ કર્યાં હતાં.