ભારતના ચૂંટણી પરિણામઃ બ્રિટિશ ભારતીયોમાં “કહીં ખુશી કહીં ગમ”

ભાજપ સમર્થક બ્રિટિશ ભારતીયોને વિજયમાં પણ હાર અને કોંગ્રેસ સમર્થકોને પરાજયમાં પણ વિજય દેખાઇ રહ્યો છે

Tuesday 11th June 2024 12:25 EDT
 
 

લંડનઃ ભારતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો પર બ્રિટનમાં વસતા ભારતીય મૂળના લોકો અને ભારતીયોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. કેટલાંકના મતે આ પરિણામો ભારતની ભવિષ્યની દિશામાં બદલાવનો સંકેત છે. ચૂંટણી પરિણામોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બનવા તો જઇ રહ્યા છે પરંતુ તેમની સત્તાધારી પાર્ટી એકલે હાથે જરૂરી બહુમતી હાંસલ કરવામાં નિષ્ફળ રહેતાં ઘણા બ્રિટિશ ભારતીયો માની રહ્યાં છે કે આ પરિણામો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.

હિન્દુ કાઉન્સિલ યુકેના અધ્યક્ષ ઉમેશ શર્માએ જણાવ્યું હતું કે, પરિણામોથી મને કોઇ આશ્ચર્ય થયું નથી પરંતુ આ પરિણામોએ રાજકીય પંડિતોને જરૂર ખોટા પાડ્યા છે. મને ખુશી એ વાતની છે કે ચૂંટણીમાં 66 ટકા જેવું ભારે મતદાન જોવા મળ્યું હતું. ભારતમાં ચૂંટણીઓનું અનોખું મહત્વ છે કારણ કે ભારતીયો દેશમાં સ્થિરતા ઇચ્છે છે. મૂક્ત અને ન્યાયી ચૂંટણીઓમાં મતદારો સાચી રીતે ભાગ લે ત્યારે જ દેશમાં સ્થિરતા આવી શકે છે. મને આશા છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બની રહેલી ગઠબંધન સરકાર સારી રીતે કામ કરશે. જ્યારે કોઇ પાર્ટીને ભારે બહુમતી મળે છે ત્યારે તે આપખુદ બને છે અને તે કેટલીકવાર ભયજનક સાબિત થાય છે.

બર્મિંગહામમાં રહેતા બ્રિટિશ ભારતીય અને અલ જઝીરાનમા પૂર્વ પ્લાનિંગ એડિટર હસન સલીમ પટેલ કહે છે કે અમે ભાજપના ભવ્ય વિજયની આશા રાખી હતી પરંતુ ચૂંટણીમાં અપાઇ રહેલા નિવેદનો ચિંતાજનક હતા. પરિણામોએ દર્શાવી દીધું છે કે ભારતીય મતદારોએ મોદી અને ભાજપની બેફામ નિવેદનબાજીને નકારી કાઢી છે. મતદારોએ દર્શાવી દીધું છે કે ભારતમાં કટ્ટરવાદ અને નફરતને કોઇ સ્થાન નથી.

શિખ ફેડરેશનના પ્રિન્સિપલ એડવાઇઝર દબિન્દરજિત સિંહે જણાવ્યું હતું કે, પંજાબમાં આવેલા પરિણામો શિખ સમુદાયમાં ચર્ચાનો વિષય બન્યાં છે. નરેન્દ્ર મોદી ફરીવાર સત્તા પર આવ્યા છે. જો તેઓ છેલ્લા એક દાયકાની જ નીતિઓને અનુસરતા રહેશે તો સ્થિતિ પડકારજનક બની રહેશે.

નોર્થ વેસ્ટ લંડનના હેરોમાં રહેતા અમન કહે છે કે પરિણામો અંગે બ્રિટિશ ભારતીયોમાં અલગ અલગ મંતવ્ય જોવા મળશે. હિન્દુ સમુદાયમાં પણ અલગ અલગ મંતવ્યો છે. યુકેમાં ગુજરાતી, પંજાબી, તેલુગુ, તામિલ સહિતના ઘણા ભારતીય સમુદાયો વસવાટ કરે છે જેમના રાજકીય મંતવ્યો અલગ અલગ છે. ભારત એક વૈવિધ્યતાપૂર્ણ દેશ છે તેથી મંતવ્યો પણ વૈવિધ્યતાપૂર્ણ જ રહેવાના છે. ભાજપના ઘણા સમર્થકોને વિજયમાં પણ હાર દેખાય છે જ્યારે કોંગ્રેસના સમર્થકોને પરાજયમાં પણ વિજય દેખાઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter