લંડનઃ ભારત અને યુકે વચ્ચેના સંબંધો ઉત્તરોતર મજબૂત બની રહ્યાં છે. તાજેતરમાં બ્રિટિશ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ભારત મુલાકાત બાદ હવે ભારતના વિદેશ સચિવ વિનય કવાત્રા યુકેની મુલાકાતે પહોંચ્યા હતા. 16 અને 17 મેના રોજ કવાત્રાએ યુકેના પરમેનેન્ટ અંડર સેક્રેટરી, ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ સર ફિલિપ બાર્ટન સાથે મુલાકાત કરી હતી.
વિનય કવાત્રાએ એમઓએસ ફોરેન ઓફિસ લોર્ડ તારિક એહમદ, એમઓએસ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ જેમ્સ કાર્ટલિજ, એનએસએ સર ટીમ બેરો, હોમ ઓફિસના પરમેનેન્ટ સેક્રેટરી મેથ્યૂ રાયક્રોફ્ટ, ચીફ ટ્રેડ નેગોશિએટર ક્રોફર્ડ ફાલ્કનર અને વિદેશી નીતિના સલાહકાર પ્રોફેસર જ્હોન બ્યૂ સાથે પણ મુલાકાત કરી હતી.
બંને દેશના અધિકારીઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા થઇ હતી. વિનય કવાત્રાએ બ્રિટિશ અધિકારીઓ સાથે બંને દેશ વચ્ચેના સંબંધ મજબૂત બનાવવા માટેના રોડમેપ 2030ની પણ સમીક્ષા કરી હતી.