નવી દિલ્હી, લંડનઃ થેરેસા મે બ્રિટનના વડા પ્રધાન બન્યાં પછી યુરોપ બહાર પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત માટે રવિવારે રાત્રે ભારત આવી પહોંચ્યા હતા. તેમણે સોમવાર, સાત નવેમ્બરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરી હતી. થેરેસા મેએ ભારતીય બિઝનેસ પ્રવાસીઓને વિઝામાં છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી. જોકે, ભારતીય વિદ્યાર્થીઓને વિઝામાં છૂટછાટ અંગે કોઈ વચન આપ્યું નહોતું. મુખ્યત્વે બિઝનેસીસ સહિત ૪૦ પ્રતિનિધિઓ સાથે ભારત આવેલા થેરેસાએ વિભિન્ન મુદ્દાઓ પર નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ભારત અને બ્રિટન વચ્ચે ૮૩ બિલિયન રૂપિયાનાં કરાર પણ થયાં હતાં. વડા પ્રધાન મોદીએ બ્રિટનની કંપનીઓને સંરક્ષણ ક્ષેત્રની બહાર અન્ય ક્ષેત્રોમાં પણ રોકાણ કરવાનું નિમંત્રણ આપ્યું હતું. ભારતે વિજય માલ્યા સહિત ૫૭ મોસ્ટ વોન્ટેડ અપરાધીઓના પ્રત્યાર્પણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બંને નેતાઓ હૈદ્રાબાદ હાઉસના વિશાળ ગાર્ડનમાં લટાર મારવા પણ નીકળ્યાં હતાં. થેરેસાએ બેગાલુરુની પણ મુલાકાત લીધી હતી.
થેરેસાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા સંદર્ભે કહ્યું હતું કે આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેની ભાગીદારીને એક ડગલું આગળ લઈ જવા તેઓ પ્રયાસ કરશે. વેપાર, રોકાણ, સંરક્ષણ અને સલામતી મુદ્દે વડા પ્રધાન મોદીમાં પ્રવર્તી રહેલા સમાન દૃષ્ટિકોણ સાથે બંને દેશની નેતાગીરી નક્કર પગલાં લેવા આગળ વધશે.
વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની વિશેષ ભાગીદારીને કારણે મેં સૌથી પહેલાં ભારત આવવાનું પસંદ કર્યું છે. મેએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં બ્રિટને ભારતની અવગણના કરી છે પરંતુ હું તેમ કરવા ઇચ્છતી નથી. હું આજની ભાગીદારીને મહત્ત્વ આપવા માગું છું. ભવિષ્યમાં બંને દેશો માટે અમર્યાદિત તકો ખૂલવાની છે. ભારતીય મૂળનાં ૧૫ લાખ લોકો બ્રિટનમાં વસવાટ કરે છે. બંને દેશો વચ્ચે કુદરતી ભાગીદારી છે. આપણે એકબીજાનું સંગીત સાંભળીએ છીએ, એકબીજાનાં ભોજન પસંદ કરીએ છીએ અને ક્રિકેટનાં મેદાન પર જુસ્સાથી લડીએ પણ છીએ. હું બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુજરાતમાં યોજાનારી મેચ માટે ઘણી આતુર છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને બ્રિટન નવી તકોનાં સર્જન માટે ટેક્નોલોજિકલ મહારથની આપ-લે કરી શકે છે. ઇન્ડિયા-યુકે ટેક સમિટ ખાતે બોલતાં મોદીએ સ્માર્ટ સિટી, સ્ટાર્ટઅપ અને ડિજિટલ ઇકોનોમીનાં ક્ષેત્રે તેમની સરકારે લીધેલાં પગલાંનું વર્ણન કરતાં બ્રિટનને ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ અને એરોસ્પેસ સેક્ટરમાં મૂડીરોકાણ કરવા આહ્વાન કર્યું હતું. મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, દ્વિપક્ષીય સંબંધોમાં મેક ઇન ઇન્ડિયા મહત્ત્વનું પરિબળ બની રહેશે.
ભારત-બ્રિટન વચ્ચે રૂ. ૮૩ અબજના કરાર
બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે ભારતની ત્રણ દિવસની મુલાકાતના પહેલા દિવસે વિઝા મામલે ચર્ચા થઇ હતી. થેરેસાની આ મુલાકાત દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપાર સંબંધી આશરે ૧ બિલિયન પાઉન્ડ એટલે કે આશરે ૮૩ અબજ રૂપિયાના કરારો પર સહીસિક્કા કરાયા છે. મોદી સાથેની પહેલી બેઠકની સરાહના કરીને થેરેસાએ જણાવ્યું હતું કે બન્ને દેશના વડાઓ મળીને પોતાના દેશના નાગરિકોનું જીવન ધોરણ સુધારવા માટે નોકરીના સર્જન, કૌશલ્યના વિકાસ, રોકાણ માટેનું માળખુ અને ટેક્નોલોજી મામલે હાથ મિલાવીને કામ કરી રહ્યા છે.
આ બેઠકમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ મામલે પણ ચર્ચા થઇ હતી. થેરેસાએ જણાવ્યું હતું કે બન્ને દેશો હાલ કેટલાક નવા કરારો માટે પણ સહમત થયા છે. જેમાં શહેરી વિકાસને પણ આવરી લેવામાં આવશે. તેનાથી આગામી પાંચ વર્ષમાં બ્રિટિશ વ્યાપારીઓને ૨ બિલિયન પાઉંડ (૧૬૬ અબજ રૂપિયા)નો વ્યાપાર કરવાની પણ તક મળશે. બ્રિટનનું મુખ્ય ધ્યાન વારાણસી અને મધ્ય પ્રદેશના કેટલાક શહેરો પર રહેશે.
થેરેસાએ જણાવ્યું હતું કે પહેલા ચરણમાં જુલાઇમાં લંડનમાં ૯૦ કરોડ પાઉંડના બોન્ડ પણ જારી કરી દેવામાં આવ્યા છે. આગામી ત્રણ માસમાં ૬૦ કરોડ પાઉન્ડના ચાર અન્ય બોન્ડ પણ જારી કરવામાં આવશે. આ ઉપરાંત બ્રિટન ૧૨ કરોડ પાઉન્ડના સંયુક્ત ફંડનું પણ લંડન સિટી તરફથી ભારતના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવામાં આવશે. થેરેસાએ દાવો કર્યો હતો કે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપારની તકો અનેક ગણી રહેલી છે. સાથે બન્ને દેશો ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સના રક્ષણ મામલે પણ સહમત થયા છે. ભારતને વ્યાપાર કરવા માટેનું યોગ્ય ક્ષેત્ર બનાવવામાં પણ બ્રિટન મદદ કરશે તેવી ખાતરી થેરેસાએ આપી હતી.
ભારતીયોને વિઝા ક્વોટામાં વધારો નહિઃ ઉદ્યોગપતિઓને છૂટછાટ
બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે, બ્રિટને ભારત સાથે મજબૂત વેપારસંબંધો વિકસાવવા યુરોપિયન સંઘમાંથી વિદાયની રાહ જોવી જોઈએ નહિ. બ્રિટન ભારતીય બિઝનેસ પ્રવાસીઓને વિઝામાં છૂટછાટ આપશે. જોકે, મેએ ભારતીય વિદ્યાર્થીઓને વિઝામાં છૂટછાટ અંગે કોઈ વચન આપ્યું નહોતું.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને વિઝા માટે જે કડક નિયમો યુકેએ બનાવ્યા છે તેને હળવા કરવા વિનંતી કરી હતી. થેરેસાએ આ વિનંતી પર વિચારવા કહ્યું હતું, સાથે એ સ્પષ્ટ કરી દીધુ હતું કે બ્રિટન કોઇ પણ સંજોગોમાં હાલ ભારતીયોને અપાતા વિઝા ક્વોટામાં વધારો નહિ કરે. જોકે તેઓેએ ખાતરી આપી હતી કે જે લોકો વ્યાપાર માટે અવાર નવાર બ્રિટન આવતા હોય તેઓ માટે કેટલાક નિયમો હળવા કરવામાં આવશે.
થેરેસાએ ટેક સંમેલનમાં આ વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ભારત અને બ્રિટન વચ્ચે અનેક સંભાવનાઓ છે. અમે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ચીનને મળીને જેટલા વિઝા આપીએ છીએ તેનાથી વધુ ભારતીયોને આપીએ છીએ.
દરમિયાન વિઝા મામલે પ્રકાશ પાડતા તેઓેએ સ્પષ્ટતા કરી હતી કે હાલ બ્રિટનમાં એક યોજના છે જેને રજિસ્ટર્ડ ટ્રાવેલ યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના અંતર્ગત જે પણ ભારતીયો અવાર નવાર બ્રિટન આવતા હોય તેઓ માટે બ્રિટનની મુલાકાત સરળ રહેશે. તેઓએ વિઝાના કડક નિયમોનો સામનો નહિ કરવો પડે.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ થેરેસાની સામે માગણી કરી હતી કે જે ભારતીય યુવકો બ્રિટનમાં અભ્યાસ કરવા માગતા હોય તેઓને હાલના કડક નિયમો અવરોધક બની રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં બ્રિટન અભ્યાસ માટે જતા ભારતીય યુવકોની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. થેરેસાએ બાદમાં કેટલાક આંકડા જારી કરી જણાવ્યું હતું કે અમારી પાસે જે પણ ભારતીયો વિઝા માટે અરજી કરી છે તેને સ્વીકારી લઇએ છીએ. ૧૦માંથી નવ વિઝા અરજી અમે સ્વીકારી છે.
બ્રિટન ભારતીય વિદ્યાર્થીઓના વિઝા નિયમો હળવા કરેઃ મોદી
નવી દિલ્હી ખાતે બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધુ મજબુત કરવાની જરૂર છે. સાથે તેઓએ બ્રિટનને વિનંતી કરી હતી કે જે ભારતીય યુવકો બ્રિટનમાં જઇને અભ્યાસ કરવા માગતા હોય તેઓ માટે વિઝાના નિયમોને હળવા કરવા જોઇએ. આમ કરવાથી બન્ને દેશો વચ્ચે આવતા જતા યુવાઓને પ્રોત્સાહન પણ મળશે. ભારતીય યુવાઓ માટે શિક્ષણ અતિ મહત્વનું છે. મોદીએ સાથે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા પણ બ્રિટનને વિનંતી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે હું બ્રિટનને સંરક્ષણ ક્ષેત્રની બહાર પણ રોકાણ કરવા માટે આમંત્રિત કરુ છું.
મોદીએ જણાવ્યું હતું કે યુકેની કંપનીઓેએ પહેલાથી જ ૯ બિલિયન પાઉન્ડના સોદા કર્યા છે, પણ હું વધુ પ્રમાણમાં રોકાણ માટે બ્રિટનની કંપનીઓને આમંત્રિત કરું છું. બન્ને દેશોએ સાથે મળીને ટેક્નોલોજી ક્ષેત્રે પણ ઘણા કામ કરવાની જરૂર છે. વિજ્ઞાન, ટેક્નોલોજી વગેરે એવી બાબતો છે કે જે ક્ષેત્રે ભારત અને બ્રિટન વચ્ચે અનેક શક્યતાઓ છે. ભારત અને બ્રિટન વચ્ચે અનેક પ્રકારની તકો રહેલી છે.
મોદીએ દિવાળીને યાદ કરતા જણાવ્યું કે માત્ર ભારતમાં નહિ, બ્રિટનમાં પણ દિવાળીની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી. પુરા ઉત્સાહ સાથે બ્રિટનવાસીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
હજારો ઓવરસ્ટેયર્સ પાછા લેવાય તો વિઝા સિસ્ટમ હળવી થાય
ભારત વિઝાની મુદત વીત્યા પછી પણ યુકેમાં રહેતા તેના હજારો ઓવરસ્ટેયર્સને પાછા બોલાવી લેશે તો વિઝા સિસ્ટમ હળવી બનાવવા થેરેસા મેએ સંકેત આપ્યો છે. વડા પ્રધાને બ્રેક્ઝિટ પછી સૌથી પુરાણા વેપારી સાથીઓમાંના એક ભારત સાથે સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનાવવા પોતાની નવી ‘વન ઈન વન આઉટ’ નીતિ જાહેર કરી હતી. મેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,‘અમારી વિશેષ વિઝા અને ઈમિગ્રેશન સર્વિસ-ગ્રેટ ક્લબમાં ટોપ બિઝનેસ એક્ઝિક્યુટિવ્ઝને નોમિનેટ કરવામાં વિશ્વમાં સૌપ્રથમ સરકાર બનવા અમે ભારત સરકારને આમંત્રણ આપ્યું છે. અમે વિઝા, રિટર્ન્સ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સંબંધિત હોમ એફેર્સ મુદ્દાઓ પરત્વે વ્યૂહાત્મક મંત્રણા સ્થાપિત કરવાની સહમતિ પણ સાધી છે. આના ભાગરૂપે, અમે યુકેમાં રહેવાનો અધિકાર ન ધરાવતા ભારતીયોને સ્વદેશ પરત મોકલવામાં ઝડપ લાવી શકીએ તો તેની સામે અમારી વિઝા ઓફરમાં વધુ સુધારા કરવાનું બ્રિટન વિચારશે.
વિઝા મડાગાંઠથી ભારત સાથે સંબંધોને અસરઃ હિન્દુજા
મૂળ ભારતીય અને બ્રિટનના સૌથી ધનાઢ્યોમાં સ્થાન ધરાવતા ગોપીચંદ હિન્દુજાએ ભારતીયોને વિઝા મુદ્દે તેરેસા મેના વલણની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે આનાથી વેપારી સંબંધો પર પ્રતિકૂળ અસર સર્જાશે.
છેક ૧૯૮૦થી લંડનમાં વસતા બ્રિટિશ નાગરિક હિન્દુજાએ કહ્યું હતું કે સલાહકારોએ ભારતની ગંભીર ચિંતાથી થેરેસાને માહિતગાર કર્યા હોય તેમ તેઓ માનતા નથી. કમનસીબે તેમના પ્રવાસ પર વિઝા સમસ્યાનો ઓછાયો રહ્યો છે. જ્યારે તમે કોઈ પણ દેશની સાથે સંબંધો ગાઢ બનાવવા મઈચ્છતા હો તો તેમની સમસ્યાઓ-ચિંતાઓ પણ ધ્યાનમાં લેવી પડે છે.’ તેમણે ગત સપ્તાહે સ્ટુડન્ટ વિઝાનિયમો વધુ કડક બનાવતી જાહેરાતની ટીકા કરતા કહ્યું હતું કે તે કવેળાની જાહેરાત હતી.
ભારત બ્રિટનનો સૌથી નજીકનો, મહત્ત્વનો મિત્ર : થેરેસા મે
બ્રિટનનાં વડા પ્રધાન થેરેસા મેએ ૬થી ૮ નવેમ્બર દરમિયાન ભારતની મુલાકાત લેવા લંડનથી પ્રસ્થાન કરતા પહેલાં કહ્યું હતું કે ભારત બ્રિટનનો સૌથી મહત્ત્વનો મિત્ર દેશ છે અને વિશ્વની અગ્રણી સત્તા પણ છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને સુદૃઢ કરવાનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે વધુને વધુ ભારતીય બિઝનેસમેન બ્રિટનમાં રોકાણ કરે.
બ્રિટન બહાર સૌપ્રથમ દ્વિપક્ષીય વાટાઘાટો માટે પ્રસ્થાન કરતાં પહેલાં સન્ડે ટેલિગ્રાફમાં પ્રકાશિત થયેલા તેમના લેખમાં કહેવાયું છે કે નવી દિલ્હી અને બેંગલોર ખાતેના તેમના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ બ્રિટનને પ્રમોટ કરવા પ્રયાસ કરશે. થેરેસાએ કહ્યું હતું કે ભારત બ્રિટનનો મહત્ત્વનો મિત્ર દેશ છે કે જેની સાથે તેના ઐતિહાસિક સંબંધો છે. બંને દેશ સમાન ઇતિહાસ, સંસ્કૃતિ અને મૂલ્યો ધરાવે છે. ભારતના વડા પ્રધાન દીર્ઘદૃષ્ટિ સાથે સુધારાને આગળ વધારી રહ્યા છે. બંને દેશ વચ્ચેના સંબંધોને વધુ ઊંડા લઈ જવા પ્રયાસ થશે.
થેરેસા સાથે બ્રિટનના ટોચના બિઝનેસગૃહો તેમજ નાનાં અને લઘુ એકમોના પ્રતિનિધિઓ પણ ભારત આવી રહ્યા છે. બ્રેક્ઝિટ પછી ફ્રી ટ્રેડના ચેમ્પિયનના રૂપમાં સંદેશો પહોંચતો કરવા થેરેસા ભારત આવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી બંને પક્ષો માટે મહત્ત્વની અને લાભપ્રદ છે.
માલ્યા સહિતના ૫૭ વોન્ટેડના પ્રત્યાર્પણની માગ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે વચ્ચેના વાર્તાલાપમાં ભારતના વોન્ટેડ લિસ્ટમાં રહીને બ્રિટનમાં આશ્રય લઈ રહેલા વિજય માલ્યા અને અગસ્તા વેસ્ટલેન્ડના વચેટિયા માઈકલ સહિતના ૫૭ વોન્ટેડના પ્રત્યાર્પણનો મુદ્દો ચર્ચાયો હતો. ભારત-બ્રિટન વચ્ચે ૧૯૯૨માં બંને દેશોના આરોપીઓના પ્રત્યાર્પણની સંધિ થઈ હતી. તેમ છતાં ભારતના કેટલાક આરોપીઓ બ્રિટનમાં વર્ષોથી નિર્ભય થઈને રહે છે. ભારત-બ્રિટન વચ્ચે ભાગ્યે જ મહત્વના એક પણ આરોપીનું પ્રત્યાર્પણ શક્ય બન્યું છે. એ સ્થિતિમાં ભારત મોસ્ટ વોન્ટેડ આરોપીની સોંપણીનો મુદ્દો ઉપાડે એ સ્વાભાવિક છે.
ભારતની બેંકોનું લગભગ ૯ હજાર કરોડનું દેવુ કરીને બ્રિટન જતા રહેલા ઉદ્યોગ પતિ વિજય માલ્યા, અગસ્તા વેસ્ટલેન્ડના વચેટિયા અને લગભગ ૩૬૦૦ કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના આરોપી ક્રિસ્ટિયન માઈકલ, આઈપીએલના પૂર્વ ચેરમેન અને બીસીસીઆઈના ભ્રષ્ટાચારના આક્ષેપનો સામનો કરી રહેલા લલિત મોદી, ગુલશન કુમારની હત્યાના આરોપી સંગીતકાર નદીમ ૧૯૯૩માં બોમ્બ બ્લાસ્ટ થયા તેના આરોપી ટાઈગર હનિફથી લઈને ઈન્ડિયન નેવી વોર રૂમની માહિતી લિક કરવાનો આરોપ જેના પર છે, એ રવિ શંકરન ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે અને એ તમામ બ્રિટનમાં છે. થેરેસા મે અને વડા પ્રધાન મોદી વચ્ચેના પ્રતિનિધિમંડળના વાર્તાલાપમાં ભારતે બ્રિટન સમક્ષ કુલ ૫૭ વોન્ટેડના પ્રત્યાર્પણની ચર્ચા થઈ હતી.