લંડન, નવી દિલ્હીઃ ભારતની ત્રણ દિવસ-૨૮થી ૩૦ ઓગસ્ટે-ની મુલાકાતે આવેલા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ ડો. લિઆમ ફોક્સે જણાવ્યું હતું કે ભારતની મદદ સાથે યુકે હજુ ઈન્વેસ્ટમેન્ટ માટે યુરોપનું સૌથી આકર્ષક સ્થળ છે. બ્રિટન અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી છે. ડો. ફોક્સે નાણાપ્રધાન અરુણ જેટલી, વાણિજ્યપ્રધાન નિર્મલા સીતારામન સહિત નેતાઓની મુલાકાત લઈ ભારત-યુકે વાણિજ્ય સંબંધોની ચર્ચા કરી હતી.
ભારત યુકેમાં બીજા ક્રમના સૌથી મોટું આંતરરાષ્ટ્રીય રોજગાર સર્જક અને સમગ્રતયા ત્રીજા ક્રમનું ઈન્વેસ્ટર છે. ભારતે નવી ૭,૧૦૫ નોકરીનું સર્જન કર્યું છે. ગયા વર્ષે ભારતીય રોકાણમાં ૬૫ ટકાનો વધારો થયો હતો, જેનાથી ૭,૭૩૦ નોકરીનું સર્જન થયું હતું અને ૨૦૧૪-૧૫ની ૧,૬૨૦ નોકરીનું રક્ષણ થયું હતું. ભારતે ૨૦૧૫-૧૬માં નવા ૧૪૦ પ્રોજેક્ટ્સ સાથે યુકેમાં હજારો નોકરીઓના સર્જન અને નિભાવમાં ઉચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. હોંગ કોંગ સહિતનું ચીન ૧૫૬ પ્રોજેક્ટ સાથે બીજા અને ૫૭૦ પ્રોજેક્ટ સાથે યુએસ પ્રથમ સ્થાને છે. કુલ ૨,૨૧૩ પ્રોજેક્ટ રેકોર્ડ થયા છે, જે ગત વર્ષની સરખામણીએ ૧૧ ટકા વધુ છે.
બન્ને દેશ વચ્ચે પારસ્પરિક સંબંધો ઘણા મજબૂત છે. યુકે ભારતમાં સૌથી મોટુ જી-૨૦ ઈન્વેસ્ટર રહેવા સાથે સૌથી મોટું ઉત્પાદક છે. ઓર્ગેનાઈઝ્ડ પ્રાઈવેટ સેક્ટરમાં બ્રિટિશ કંપનીઓ દ્વારા ૨૦ ભારતીય નોકરીમાં એક માટે સ્થાન અપાય છે. યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડના ટેક્સ વર્ષ ૨૦૧૫-૧૬ના આંકડા અનુસાર આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ઈન્વર્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટસથી સર્વોચ્ચ બીજા ક્રમની નોકરીઓનું સર્જન થયું છે.
ડો. ફોક્સે જણાવ્યું હતું કે યુકે પ્રતિ આ સતત વિશ્વાસની ભાવનાથી સમગ્ર યુકેમાં વિદેશી રોકાણ આકર્ષવામાં મદદ મળશે જે લોકો માટે નોકરી, સલામતી અને તકોનું સર્જન કરશે. આગામી ૭-૯ નવેમ્બરના ઈન્ડિયા યુકે ટેક સમિટ દરમિયાન બિઝનેસ, ઈનોવેશન, રિસર્ચ, એજ્યુકેશન, ડિઝાઈન, બૌદ્ધિક સંપદા અને એન્ટ્રેપ્રીન્યોરશિપમાં ભારત-યુકે પાર્ટનરશિપના ઊંડાણની ઉજવણી કરાશે. ટેક સમિટમાં યુકેમાં ભારતીય ઈન્વેસ્ટમેન્ટ અને એન્ટ્રેપ્રીન્યોરશિપ પર ભાર મૂકાશે તેમજ ટેક રોકેટશિપ એવોર્ડ્ઝના ૧૦ વિજેતાની જાહેરાત પણ કરવામાં આવશે.