લંડનઃ ભારતીય અર્થતંત્રમાં બ્રિટિશ ઉદ્યોગો મહત્વનું યોગદાન આપી રહ્યાં છે. ભારતમાં બ્રિટિશ માલિકીની 667 કંપની રૂપિયા પાંચ ટ્રિલિયનનું ઉપાર્જન કરી 5,23,000 લોકોને રોજગાર આપી રહી છે. એક રિપોર્ટમાં ભારતમાં બ્રિટિશ કંપનીઓની પ્રગતિની પ્રશંસા કરાઇ છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બ્રિટનની 162 કંપનીઓની વાર્ષિક આવક રૂપિયા 50 કરોડને પાર કરી ગઇ છે. તેઓ દર વર્ષે 10 ટકાનો વૃદ્ધિદર હાંસલ કરી રહી છે. આ કંપનીઓ એજ્યુકેશન, ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના સેક્ટરમાં કાર્યરત છે. બ્રિટિશ કંપનીઓ ભારતના લાંબા ગાળાના આર્થિક વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરી રહી છે. ભારત અને યુકેવવચ્ચેનો વેપાર 17.5 બિલિયન ડોલરથી વધીને 20.36 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે.
સીઆઇઆઇના રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર યુકેની કંપનીઓ માટે મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. ભારતમાં કાર્યરત 36 ટકા બ્રિટિશ કંપની મહારાષ્ટ્રમાં છે. ત્યાર પછીના ક્રમે દિલ્હી, કર્ણાટક અને તામિલનાડુ આવે છે. ભારતમાં કાર્યરત 63 ટકા બ્રિટિશ કંપની લઘુ અને મધ્યમ ઉદ્યોગની કેટેગરીમાં આવે છે. તેઓ બિઝનેસ સર્વિસિઝ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ, મીડિયા, ટેલિકોમ અને ટેકનોલોજી સેક્ટરમાં કાર્યરત છે.