લંડનઃ ભારતમાં આવકવેરા રિટર્ન ભરવું એનઆરઆઇ સહિતના લોકો માટે નાણાકીય જવાબદારીનું મહત્વનું પાસુ છે. ભારતમાં આવકવેરા રિટર્ન ભરવામાં આવકની ઘોષણા, ચૂકવેલ કર અને રિફંડ જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એનઆરઆઇ માટે જટિલ ટેક્સ રેગ્યુલેશન્સ અને વિવિધ આવકના સ્ત્રોતના કારણે ભારતમાં આવકવેરા રિટર્ન ભરવું પડકારજનક સાબિત થાય છે. એનઆરઆઇને ડબલ ટેક્સેશન, વિદેશી આવક ધ્યાનમાં લેવાની જરૂરીયાત અને સ્પેશિયલ એકાઉન્ટના નિયમોનો સામનો કરવો પડે છે.
ભારતમાં જુલાઇના અંત સુધીમાં આવકવેરા રિટર્ન ભરી દેવું પડે છે. જુલાઇના અંત સુધીમાં બ્રિટન, અમેરિકા, કેનેડા સહિતના વિદેશોમાં વસતા 73 ટકા એનઆરઆઇ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યાં છે. 19 ટકા એનઆરઆઇએ તેમના રિટર્ન ફાઇલ કરી દીધાં છે જ્યારે 8 ટકાને આવકવેરા રિટર્ન ભરવામાં રસ નથી.
યુનાઇટેડ કિંગડમમાં 31 ટકા એનઆરઆઇ ડેડલાઇન પહેલાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યાં છે. પાંચ ટકાએ તેમના રિટર્ન ભરી દીધાં છે અને ફક્ત 4 ટકા રિટર્ન ફાઇલ કરવા ઇચ્છતા નથી.
એસબી એનઆરઆઇના સ્થાપક મુદિત વિજયવર્ગીય કહે છે કે આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં એનઆરઆઇને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે તેના પર વિચારણા થવી જોઇએ. એનઆરઆઇ તો રિટર્ન ફાઇલ કરવા ઉત્સુક હોય છે પરંતુ જટિલ નિયમો અને સહાયના અભાવે મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે.