નવી દિલ્હીઃ ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2025ના કેન્દ્રીય બજેટમાં સ્ટુડન્ટ્સ અને યંગ પ્રોફેશનલ્સ સહિતના નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ (એનઆરઆઇ) માટે ટેક્સના નિયમો વધુ આકરાં બનાવ્યાં છે. હવે ભારત સરકાર વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને અન્ય એનઆરઆઇની વિદેશમાં થતી આવકની ચકાસણી વધારવા મહત્વના બદલાવ કરી રહી છે. સરકારે ટેક્સેશન માટે રેસિડેન્સી ડેફિનેશનને વધુ વ્યાપક બનાવી છે. અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કામ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ટેક્સ જવાબદારીઓ માટે વધુ માહિતી આપવી પડશે. ડબલ ટેક્સેશન અને પેનલ્ટી ન લાગે તે માટે એનઆરઆઇએ વધુ કાળજીપુર્વક આયોજનો કરવા પડશે.
ભારત સરકાર કર ચોરી પર લગામ કસવાની કવાયતના ભાગરૂપે વિદેશોમાં થતી આવકની આકરી ચકાસણી કરવા જઇ રહી છે અને તે માટે વધુ માહિતી પણ માગવામાં આવશે. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી વર્ક પરમિટ, પરમેનેન્ટ રેસિડેન્સી અથવા સિટિઝનશિપ દ્વારા વિદેશમાં જ રહેવાનું આયોજન કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ નવા બદલાવ પડકારો ઊભા કરશે.
અત્યાર સુધી ભારતનું ટેક્સ માળખું ઐતિહાસિક રીતે વિદેશ જતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલો સાથે હળવાશથી કામ લેતું હતું પરંતુ વર્ષ 2025ના બજેટે સ્થિતિ બદલી નાખી છે.
એનઆરઆઇ માટે આવી રહેલા ટેક્સ બદલાવો
- 1. વિદેશમાં થતી આવકની આકરી ચકાસણી કરાશે
ભારત સરકાર હવે વિદેશો સાથે ડેટા શેરિંગ વધારશે. વિશેષ કરીને ભારત સાથે ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રિમેન્ટ કરનારા દેશો તેમાં સામેલ કરાશે. તેનો અર્થ એ થયો કે વિદેશમાં નોકરી કરનારા ભારતીય વિદ્યાર્થીઓએ ભારતમાં તેમની કોઇ સક્રિય આવક ન હોય તો પણ તેમની વિદેશી આવક ઘોષિત કરવી પડશે.
- 2. ટેક્સેશન માટે રેસિડેન્સીની વ્યાખ્યાનું વિસ્તરણ
અગાઉ એનઆરઆઇ ભારતમાં પ્રતિ નાણાકીય વર્ષ 182 કરતાં વધુ દિવસ ગુજારે તો જ તેને ભારતમાં થતી આવક પર ટેક્સ ભરવો પડતો હતો પરંતુ 2020ના બજેટમાં ઊંચી આવક ધરાવનારા એનઆરઆઇ માટે આ સમયગાળો 120 દિવસ કરાયો હતો. 2025ના બજેટમાં સંકેત અપાયો છે કે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને જો તેમના ભારતમાં આર્થિક હિતો હશે તો તેમનું એનઆરઆઇ સ્ટેટસ જાળવી રાખવું મુશ્કેલ બનશે.
- 3. ટેક્સ સંધિથી મળતા લાભો પરની અસરો
ભારત યુકે, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશો સાથે ડીટીએએ સંધિ ધરાવે છે. સરકાર આ સંધિઓની પુનઃસમીક્ષા કરી કર ચૂકવણીમાં રહેલા છીંડા દૂર કરવા માગે છે. તેનો અર્થ એ થયો કે ફોરેન રેમિટન્સ પરના ટેક્સ રેટમાં વધારો થઇ શકે છે અને ડીટીએએ અંતર્ગત ટેક્સ રાહતના દાવા કરનારના દસ્તાવેજોની આકરી ચકાસણી થઇ શકે છે.
વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થી અને પ્રોફેશનલ્સ પર શું અસર
યુકે, યુએસ, કેનેડા અથવા ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વર્ક વિઝા પર કામ કરનારા પ્રોફેશનલ્સ માટેની સુધારેલી જોગવાઇઓનો અર્થ એ છે કે જો તેઓ તેમના ફાઇનાન્સનું કાળજીપુર્વક આયોજન નહીં કરે તો તેમના પર ડબલ ટેક્સેશનનું જોખમ આવી જશે.
- રિપોર્ટિંગ રિક્વાયરમેન્ટ્સમાં વધારો
ભારતના કર સત્તાવાળાઓ વિદેશમાં થતી આવક અને મૂડીરોકાણો અને બેન્ક ખાતાની વ્યાપક માહિતીની માગ કરી શકે છે. આ માહિતી આપવામાં નિષ્ફળતાનું પરિણામ પેનલ્ટી અથવા એન્ટી ટેક્સ ઇવેઝન લો અંતર્ગત કાયદાકીય પગલાંને નોતરી શકે છે.
- ફાઇનાન્સિયલ ટ્રાન્સફરમાં જટિલતા
જો ભારતીય વિદ્યાર્થી અથવા તો પ્રોફેશનલ પરિવારને સહાય, ઇન્વેસ્ટમેન્ટ અથવા સેવિંગ્સ માટે ભારતમાં નાણા મોકલવાનું ચાલુ રાખે તો તેમને આકરી ચકાસણીનો સામનો કરવો પડશે. એલઆરએસ સ્કીમ દ્વારા થતા ટ્રાન્ઝેક્શનની ચકાસણીનો આદેશ આવી શકે છે.
- ભારત પરત આવવા ઇચ્છનાર એનઆરઆઇ પર મોટી કર જવાબદારી
ઘણા ભારતીય વિદ્યાર્થી થોડા વર્ષ વિદેશમાં વસવાટ બાદ સ્વદેશ પરત ફરવાનું વિચારે છે. જો તેમણે વિદેશી સંપત્તિની યોગ્ય ઘોષણા ન કરી હોય તો તેમને ભારત પરત ફર્યા બાદ કરવેરો ચૂકવવો પડી શકે છે. તેમના પર બ્લેક મની એક્ટ પણ લાગુ થઇ શકે છે.