લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ નવેમ્બરે યુકેમાં આગમન પછી લંડનમાં બિઝનેસ મીટિંગને સંબોધન કર્યું હતું. આ બેઠકમાં બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરન, લંડનના લોર્ડ મેયર એલન યારો પણ ઉપસ્થિત હતા. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત સરકારે ‘મેઈક ઈન ઈન્ડિયા’ પહેલનો આરંભ કર્યો છે. ભારતમાં વેપાર કરવો સરળ બને તે માટે ઈન્ડસ્ટ્રી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મંજૂરીઓ અને ક્લીઅરન્સ ઝડપી બનાવી ભારતને ઉત્પાદનનું વિશ્વ કેન્દ્ર બનાવવા તમામ મોરચે કામ હાથ ધરાયું છે. ૧૫ સેક્ટરોમાં વિદેશી રોકાણોનો પ્રવાહ વધારવા નિયમો ઉદાર બનાવી રેલવેમાં ૧૦૦ ટકા તેમ જ ડિફેન્સ અને ઈન્સ્યુરન્સમાં મર્યાદા ૪૯ ટકા વધારાઈ છે.
વડા પ્રધાન મોદીએ ભારતના સ્વપ્નાને વાસ્તવિકતામાં બદલવા બ્રિટિશ બિઝનેસીસ અને ઈન્ડસ્ટ્રીનો સક્રિય સહયોગ માગ્યો હતો. બ્રિટિશરોને ૧૦૦ સ્માર્ટ સિટીની સ્થાપનામાં ૫૦ મિલિયન મકાનના બાંધકામ, રેલવે નેટવર્કના આધુનિકીકરણ, સ્ટેશનોના પુનર્વિકાસ અને નવા રેલવે કોરિડોર્સ, નેશનલ હાઈવેઝ અને પૂલથી માંડી મેટ્રો રેલ નેટવર્ક્સ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તક રાહ જોઈ રહી છે.
વડા પ્રધાન મોદીએ ડિજિટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા સહિતના અભિયાનોની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આજની પળે ભારતમાં હોવું શાણપણ છે, ભારતમાં રોકાણ કરવું વધુ સહેલું છે, અમે ‘મેઈક ઈન ઈન્ડિયા’ને વધુ બહેતર બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે ભારતને સારી અને સરળ રીતે બિઝનેસ કરી શકાય તેવું સ્થળ બનાવવા આક્રમકતા સાથે કાર્ય કરી રહ્યા છીએ.
ભારતના મુખ્ય વેપાર ભાગીદારોમાં યુકેનો સમાવેશ
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે,‘યુકે અને ભારત સદીઓથી એકબીજાને બરાબર ઓળખે છે અને અમારી વહીવટી પદ્ધતિ પણ મુખ્યત્વે વેસ્ટમિન્સ્ટર મોડેલ પર આધારિત છે. આપણી સંસ્થાઓ એકબીજા સાથે કામ કરવાનું જાણે છે, આપણા લોકો એકબીજા સાથે કામ કરવાનું જાણે છે અને આપણા બિઝનેસીસ પણ એકબીજા સાથે વૃદ્ધિ કરવાનું જાણે છે. આ જ કારણથી ભારતના મુખ્ય વેપાર ભાગીદારોમાં યુકેનો સમાવેશ થાય છે. યુકે ભારતમાં સૌથી મોટા ત્રીજા વિદેશી રોકાણકાર પણ છે અને આ એકપક્ષી નથી. ભારત પણ યુકે માટે વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)નો સૌથી મોટો ત્રીજો સ્રોત છે. આ બધા સાથે ભારત અને યુકે તેમના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવી શકે તેવી વિપૂલ શક્યતા રહી છે.’
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે,‘આપણે એકબીજા માટેની આપસી સમજનો વધુ અસરકારક ઉપયોગ કરવો જોઈએ. યુકે જે ક્ષેત્રોમાં શક્તિશાળી છે તે સેક્ટરોને અમે વિકસાવવા ઈચ્છીએ છીએ. આ માટે સાનુકૂળ સંજોગો સર્જવા અમે મહેનત કરી રહ્યા છીએ. અહીનો મજબૂત ભારતીય સમુદાય પણ યુકે સાથે વધુ સારા સંબંધો માટે અમને આગળ ધપાવી રહ્યો છે. મારી સરકારે શાસન સંભાળ્યું ત્યારથી અમે અર્થતંત્રને માર્ગ પર લાવવા અવિરત કાર્ય કરી રહ્યા છીએ. અમારી સખત મહેનતના પરિણામો હવે દેખાઈ રહ્યાં છે.’
વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું મજબૂત સ્થાન
ગયા વર્ષે ભારતનો વૃદ્ધિદર ૭.૩ ટકા હતો અને વિશ્વ બેન્કની આગાહી અનુસાર આ નાણાવર્ષમાં વૃદ્ધિદર ૭.૫ ટકા રહેશે અને આગામી વર્ષોમાં વધુ સારો બની રહેશે. અમારી સફર સાચી દિશામાં છે. વર્લ્ડ બેન્ક રિપોર્ટ ૨૦૧૬માં બિઝનેસ કરવાની સરળતા અંગે ભારતને એક સાથે ૧૨ ક્રમ ઊંચુ સ્થાન અપાયું છે. કોઈ પણ દેશે આવો મોટો સુધારો દર્શાવ્યો નથી. આ સુધારાઓને રાજ્ય, જિલ્લા અને શહેરના લેવલ સુધી પહોંચાડવા કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
‘મેઈક ઈન ઈન્ડિયા’ પહેલ
ભારત સામેના મુખ્ય પડકારોમાં યુવાનોને સક્રિય રોજગારી આપવાનો પણ સમાવેશ થાય છે. દાયકાઓથી ઉત્પાદનક્ષેત્ર જીડીપીના ૧૬ ટકાની આસપાસ સ્થિર રહ્યું છે. આ હિસ્સો ૨૫ ટકાનો થવો જરૂરી છે. કોલસા, સ્પેક્ટ્રમ, કાચુ લોખંડ જેવાં કુદરતી સ્રોતોની પારદર્શક હરાજી અને ફાળવણીને પ્રાધાન્ય આપવાના પગલાં લેવાયાં છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના મામલે ભારત સૌથી ખુલ્લાં દેશોની હરોળમાં આવી ગયું છે. ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્થાપી તેમાં વાર્ષિક ૩.૫ બિલિયન ડોલરના ભંડોળનું લક્ષ્યાંક રાખવા ઉપરાંત, રેલ, માર્ગ અને અન્ય સેક્ટરના પ્રોજેક્ટ્સ માટે ટેક્સ ફ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ મારફત નાણા ઉભા કરાશે. આ માટે બ્રિટિશ સરકાર, ઈન્ડસ્ટ્રી અને નાણાબજારોનો સહયોગ પણ લેવાંમાં આવશે.
૧૮ મહિનામાં ભારતની હરણફાળ
• ગયા વર્ષના સંબંધિત ગાળાની સરખામણીએ FDI આવકમાં ૪૦ ટકાનો વધારો • અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા ભારતને રોકાણના સૌથી વધુ આકર્ષક સ્થળ ગણાવાયું છે. • યુએસના ફોરેન પોલિસી મેગેઝિન દ્વારા ભારતને FDI ના પ્રથમ ક્રમનું સ્થળ ગણાવાયું છે. • ફ્રોસ્ટ એન્ડ સુલિવાન દ્વારા ગ્રોથ, ઈનોવેશન એન્ડ લીડરશિપ વિશે ૧૦૦ દેશના અભ્યાસમાં ભારતને પ્રથમ ક્રમ અપાયો છે. • રોકાણની આકર્ષકતાના UNCTAD ક્રમાંકોમાં ભારત ૧૫મા સ્થાનેથી ૯મા સ્થાને પહોંચ્યું છે.• વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મકતા આંકમાં ભારતે ૧૬ ક્રમ કુદાવ્યા છે. • મૂડીઝ દ્વારા પણ ભારતને પોઝિટિવ રેટિંગ અપાયું છે.