લંડન,સોફિયાઃ સૌપ્રથમ મિસિસ ઈન્ડિયા યુકે ૨૦૧૭ પ્રિયંકા કાન્વિન્દેએ બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં આયોજિત અનેક દેશોની સુંદરીઓની સ્પર્ધામાં મિસિસ ક્લાસિક યુનિવર્સ I ૨૦૧૮નો સૌંદર્યતાજ હાંસલ કરી યુકે અને ભારત માટે ગૌરવપૂર્ણ વિજય મેળવ્યો છે. મૂળ ભારતીય પ્રિયંકા કાન્વિન્દેની આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આ પ્રથમ સ્પર્ધા જ હતી.
યુનાઈટેડ કિંગ્ડમમાં વસતી ભારતીય અને બ્રિટિશ ભારતીય પરિણીતાઓ માટે સૌપ્રથમ સપ્ટેમ્બર ૨૦૧૭માં મિસિસ ઈન્ડિયા યુકે સૌંદર્યસ્પર્ધાની કલ્પના અને આયોજન અદિતિ પાટણકર દ્વારા સ્થાપિત બ્રાન્ડવોક લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌંદર્યસ્પર્ધાની ૨૦૧૭ની સીઝનમાં પ્રિયંકા કાન્વિન્દેએ પોતાની પ્રતિભા અને સૌંદર્ય વડે લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તેણે આ સ્પર્ધામાં બિઝનેસ વુમનનો ખિતાબ પણ જીત્યો હતો. તેઓ ગત થોડા મહિનાથી મિસિસ યુનિવર્સ દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ પેજન્ટની મિસિસ ક્લાસિક યુનિવર્સ કેટેગરીમાં ભારત અને યુકેનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરી રહ્યાં હતાં.
મૂળભૂતપણે મહારાષ્ટ્રિયન પરિવારમાંથી આવતા અને ભારતના મુંબઈમાં જન્મેલાં અને ઉછરેલાં પ્રિયંકાનો પ્રણાલીગત પોશાક તેમના ભારતીય મૂળનું પ્રતિનિધિત્વ કરતો હતો. નવવારી સાડી તરીકે ઓળખાતો તેમનો આ પોશાક માંડલા તરીકે જાણીતા યુનિવર્સ ચક્ર સાથે પહેરવામાં આવે છે. જે તેમણે ગ્રાન્ડ ફિનાલેના એક રાઉન્ડમાં પહેર્યો હતો. આ માંડલા જીવન અને સફળતાના નિખારનું પ્રતીક છે, જેને કોઈ પણ ડાઈમેન્શન કે દિશામાંથી માપવામાં આવે તો સંપૂર્ણતા અને અખિલાઈનું દર્શન કરાવે છે.
પ્રિયંકા માટે આ ઘણો મોટો વિજય છે. તેઓ સ્ત્રી હોવાનાં સાચા તત્વ સમાન પ્રતિભા અને સૌંદર્યનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી અનેક સ્ત્રીઓને પ્રેરણા આપશે. પ્રિયંકા અને તેમના પ્રિય પતિ તૃપ્તેશ કાન્વિન્દે સંતાનમાં બે પુત્ર ધરાવે છે અને ગત થોડા વર્ષથી યુકેમાં નિવાસ કરે છે. કાન્વિન્દે દંપતી વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. પ્રિયંકા વ્યવસાયે ડોક્ટર હોવાં સાથે ઝુમ્બા ઈન્સ્ટ્રક્ટર છે અને નૃત્યમાં વિશેષ રસ ધરાવે છે.
પ્રિયંકા કાન્વિન્દેની ઝળહળતી સફળતા મિસિસ ઈન્ડિયા યુકે પ્લેટફોર્મમાં જોડાવાં ઈચ્છતી અનેક પ્રતિભાશાળી પરિણીત સ્ત્રીઓ માટે ગૌરવની પળ લાવે છે. આ વિજય માટે અમે તેમને અભિનંદન પાઠવીએ છીએ અને તેમની તમામ પ્રવૃત્તિઓમાં સફળતા ઈચ્છીએ છીએ. વધુ માહિતી પ્રાપ્ત કરવા https://www.facebook.com/mrsindiaunitedkingdom/ પર Mrs India UK પેજને લાઈક કરવા વિનંતી છે.