લંડનઃ ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિકોને સ્વદેશ પરત લાવવા યુકે દ્વારા પ્રથમ સાત ચાર્ટર ફ્લાઈટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ ફ્લાઈટ્સ ૮થી ૧૨ એપ્રિલ દરમિયાન ગોવા, મુંબઈ અને નવી દિલ્હીથી લંડન જવા રવાના કરાશે. ભારતમાં અન્ય સ્થળોએથી વધુ ફ્લાઈટ્સની વિગતો ટુંક સમયમાં જાહેર કરાશે.
પ્રથમ સાત ફ્લાઈટ્સ નીચે મુજબની છેઃ
ગોવા- ૮,૧૦ અને ૧૨ એપ્રિલ
મુંબઈ- ૯ અને ૧૧ એપ્રિલ
નવી દિલ્હી - ૯ અને ૧૧ એપ્રિલ
બ્રિટિશ પ્રવાસીઓએ સંબંધિત શહેરોમાંથી પોતાની બેઠકો રીઝર્વ કરાવવા બૂકિંગ પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.
ભારતસ્થિત કાર્યકારી બ્રિટિશ હાઈ કમિશનર જાન થોમ્પસને જણાવ્યું હતું કે,‘ ભારતમાં રહેલા બ્રિટિશ નાગરિકો માટે ગત થોડાં સપ્તાહ કેટલા ચિંતાજનક રહ્યા હશે તે અમે જાણીએ છીએ. મને આશા છે કે આ જાહેરાત તેમને અને ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને રાહત આપશે. મોટી સંખ્યામાં બ્રિટિશ નાગરિકો સંકળાયેલા હોવાથી આ કામગીરી પણ વ્યાપક બની રહેશે. યુકે સરકાર શક્ય તેટલી વધુ સંખ્યામાં લોકોને સ્વદેશ પહોંચાડવા સલામત પ્રવાસની ગોઠવણી કરી શકાય તે માટે નવી દિલ્હી અને લંડનમાં ભારતીય સમકક્ષો સાથે સતત સંપર્કમાં રહી કાર્ય કરી રહી છે.’
ફોરેન ઓફિસ મિનિસ્ટર ઓફ સ્ટેટ, લોર્ડ (તારિક) અહેમદ ઓફ વિમ્બલ્ડને જણાવ્યું હતું કે,‘ ભારત અને સમગ્ર વિશ્વમાંથી યુકે પાછા ફરવા ઈચ્છતા મોટી સંખ્યામાં બ્રિટિશ નાગરિકોને સહાય કરવા યુકે સતત કાર્રત છે. કોમર્શિયલ ફ્લાઈટ્સની ગેરહાજરીમાં ભારતમાંથી આ પ્રથમ ચાર્ટર ફ્લાઈટ્સ ઘેર પાછા ફરવા આતુર અને ખાસ કરીને સૌથી અસુરક્ષિત અને જરૂરિયાત સાથેના બ્રિટિશ નાગરિકોને રાહત આપનારી બની રહેશે’
બ્રિટિશ નાગરિકોની સલામતી અને કલ્યાણ યુકે સરકારની પ્રાથમિકતા છે. બ્રિટિશ હાઈ કમિશન ભારતમાં રહેતા અને મદદ ઈચ્છતા બ્રિટિશ નાગરિકોને કોન્સ્યુલર સપોર્ટ કરવા તત્પર રહેશે. અંદાજે ૩૫,૦૦૦ બ્રિટિશ નાગરિકો ભારતમાં રહે છે અને તેમાંથી ૨૦,૦૦૦થી વધુએ સવેળા યુકે પરત જવાની ઈચ્છા દર્શાવી છે.
• પોતાની ફ્લાઈટ્સ બૂક કરવા અને વિગતો નોંધાવવા બ્રિટિશ નાગરિકોએ નિશ્ચિત શહેરો, ગોવા, મુંબઈ અને નવી દિલ્હી એમ ચોક્કસ વેબપેજનો ઉપયોગ કરવાનો રહેશે.
• ભારતમાં હેરફેર નિયંત્રિત હોવાથી પ્રવાસીઓએ તેઓ હાલ જે રાજ્યમાં હોય ત્યાંથી જનારી ફ્લાઈટ્સ માટે જ બૂકિંગ કરાવાનું રહેશે.
• આ ફ્લાઈટ્સ સામાન્યપણે યુકેમાં રહેતા યુકે પ્રવાસીઓ અને તેમના પ્રત્યક્ષ આશ્રિતો માટે જ છે. લગેજ એલાવન્સ, ફ્લાઈટ કોસ્ટ અને કેરીઅર વિશેની વિગતો બૂકિંગ પોર્ટલ પર મળી રહેશે. નબળાં કે અશક્ત ગણાયેલા લોકો બેઠકો અનામત રખાશે અને તેઓનો સીધો સંપર્ક કરવામાં આવશે. સૌથી અશક્ત ૧૧૩ બ્રિટિશ નાગરિકોને ચોથી એપ્રિલે આઈરિશ ફ્લાઈટમાં ગોવાથી યુકે લઈ જવાયા છે.
• ભારતસ્થિત બ્રિટિશ નાગરિકોને ટ્રાવેલ એડવાઈઝરીનું પાલન કરવા જણાવાય છે અને તત્કાળ સહાય જરૂર લાગે ત્યારે મદદ માટે નવી દિલ્હીઃ +91 (11) 2419 2100 , ચેન્નાઈઃ +91 (44) 42192151અને મુંબઈઃ +91 (22) 6650 2222નો સંપર્ક કરવા વિનંતી છે.
વેબસાઈટઃ www.gov.uk/world/india અને હિન્દી માટે www.gov.uk/world/india.hi છે.