લંડન: ભારતીય ઉપખંડમાં દાયકાઓથી પ્રવર્તી રહેલો કોમવાદ હવે સરહદો વટાવીને વિદેશી ધરતી પર પહોંચી ગયો છે? લેસ્ટર અને બર્મિંગહામમાં બનેલી ઘટનાઓ વિનાશક કોમવાદ તરફ આંગળી ચીંધી રહી છે. 28મી ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે અવારનવાર અથડામણ થઇ ચૂકી છે. આ તણાવના પ્રારંભ માટે બંને પક્ષ દ્વારા એકબીજા પર દોષારોપણ થઇ રહયું છે પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે હવે કોમવાદનો આ ભોરિંગ લેસ્ટરમાંથી બહાર નીકળીને બર્મિંગહામ સુધી પહોંચી ગયો છે. બર્મિંગહામના સ્મેથવિક ખાતે 200 જેટલાં મુસ્લિમોના ટોળાએ દુર્ગા ભવન હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. શું આ ખરેખર ક્રિકેટ મેચ બાદ સર્જાયેલો તણાવ હતો કે દબાયેલો ચરૂ ફાટી નીકળ્યો હતો? ગુજરાતથી આવીને લેસ્ટરમાં વસેલા મુહમ્મદ સંધિ કહે છે કે આ તણાવ ક્રિકેટ મેચના કારણે સર્જાયો નથી. લેસ્ટરમાં રહેતા શિખ સમુદાયના સૌંદસિંહ કહે છે કે આ તણાવને ક્રિકેટ સાથે કોઇ લેવાદેવા નથી.
લેસ્ટરમાં અત્યાર સુધી વિવિધ ધર્મ, સમુદાય, વર્ગના લોકો દાયકાઓથી એકબીજાની સાથે ભાઇચારાથી રહેતા હતા પરંતુ શહેરમાં કેટલાક ઘેટ્ટો પણ આ સમયગાળામાં તૈયાર થયાં છે જયાં ફક્ત એક જ સમુદાયના, એક જ સંસ્કૃતિના કે એક જ ભાષા બોલનારા લોકો વસવાટ કરી રહ્યાં છે. તેઓ સરખી રીતે અંગ્રેજી પણ બોલી શક્તાં નથી તેથી ભાગ્યે જ તેઓનો અન્ય સમુદાય, વર્ગ કે ધર્મના લોકો સાથે સંપર્ક થાય છે. તેના કારણે હિન્દુ-મુસ્લિમ, ભારતીય-પાકિસ્તાની વચ્ચે અસંતોષ અને વર્ગવિગ્રહના બીજ વવાઇ રહ્યાં છે. બંને સમુદાયો વચ્ચે પ્રવર્તી રહેલા વર્ગવિગ્રહમાં તાજેતરની ઘટનાઓ અને સોશિયલ મીડિયા પર ફરતા કરાતા ઉશ્કેરણીજનક મેસેજ તથા ફેક ન્યૂઝે આગમાં ઘી હોમવાનું કામ કરી વધારો કર્યો છે. બંને સમુદાયના કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોએ વર્ગવિગ્રહની ખાઇને વધુ વિકરાળ બનાવી દીધી છે.
મુસ્લિમ સંગઠનો આરોપ મૂકી રહ્યાં છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ હિન્દુ યુવાનોએ સડકો પર ઉતરીને પાકિસ્તાન અને મુસ્લિમો વિરોધી નારાબાજી કરી હતી અને એક મુસ્લિમને માર પણ માર્યો હતો. હિન્દુ સંગઠનોનો આરોપ છે કે મુસ્લિમો સમગ્ર લેસ્ટરમાં હિન્દુઓને લક્ષ્યાંક બનાવી રહ્યાં છે.
પરંતુ અહીં એક સવાલ એ પણ સામે આવી રહ્યો છે કે, શું ભારતમાં પ્રવર્તી રહેલો ધાર્મિક રાષ્ટ્રવાદ વિદેશી ધરતી પર વકરી રહેલા કોમવાદને પોષી રહ્યો છે? ભારતમાં કટ્ટર વિચારધારા ધરાવતા સંગઠનો દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની હિમાયત કરી રહ્યાં છે જેમાં બહુમતી સમુદાયને પ્રાથમિકતાની વિચારધારાને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. આ વિચારધારાની અસર તળે વિદેશોમાં વસવાટ કરી રહેલો ભારતીય સમુદાય પણ આવી રહ્યો છે. આ વિચારધારા ભારતીય સમુદાયમાં સામેલ હિન્દુ, મુસ્લિમ, શિખ, ખ્રિસ્તીઓમાં એકબીજા પ્રત્યે અવિશ્વાસનું વાવેતર કરી રહી છે. આ અવિશ્વાસ સામાજિક વિભાજન તરફ દોરી રહ્યો છે.
લેસ્ટરમાં જે કાંઇ થયું તે એકપક્ષીય તો નહોતું જ. મુસ્લિમોએ હિન્દુ ધાર્મિક પ્રતિકોની તોડફોડ કરી અને કેટલાકે સોશિયલ મીડિયા પર ભડકાવનારી પોસ્ટ મૂકી. સામે પક્ષે હિન્દુ સમુદાયના લોકો પણ સડકો પર ઉતર્યાં અને સામાજિક વિભાજન વધુ વિકરાળ બન્યું. બંને સમુદાયના કટ્ટર વિચારધારાને આધિન લોકો દ્વારા ઉશ્કેરણીજનક અફવાઓ ફેલાવવામાં આવી. આ સમગ્ર મામલો દર્શાવે છે કે સોશિયલ મીડિયા અને ગેરમાર્ગે દોરતી માહિતી કેવી રીતે કોમવાદને ભડકાવી શકે છે. હિન્દુ અને મુસ્લિમ જૂથો પર સમર્થન હાંસલ કરવા માટે આ તણાવનો ઉપયોગ કરતા હોવાના આરોપો મૂકાઇ રહ્યાં છે.
એવો આરોપ મૂકાઇ રહ્યો છે કે બર્મિંગહામમાં જે મંદિરનો મુસ્લિમ ટોળાએ ઘેરાવ કર્યો ત્યાં ભારતના હિન્દુ નેતા સાધ્વી ઋતંભરાના વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. મંદિરને ઘેરનાર મુસ્લિમોએ સાધ્વીનો કાર્યક્રમ રદ કરવા અને તેમને બ્રિટનમાં આમંત્રણ આપવા સામે ચેતવણી આપી હતી. સાધ્વી ઋતંભરા બ્રિટનમાં પાંચ સ્થળની મુલાકાત લેવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમના તમામ કાર્યક્રમ રદ કરી દેવાયાં હતાં. ઇલફોર્ડ સાઉથના લેબર સાંસદ સેમ ટેરીએ હોમ ઓફિસને આ મામલામાં હસ્તક્ષેપ કરી સાધ્વીની મુલાકાત અટકાવવા માગ કરી હોવાનું કહેવાય છે. હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, સાધ્વી ઋતંભરા સમાજમાં વિભાજન કરાવનાર વ્યક્તિ છે. તેઓ ભારતમાં ઉશ્કેરણીજનક ભાષણો આપવા માટે કુખ્યાત છે. બ્રિટનમાં આ પ્રકારની નફરતને કોઇ સ્થાન નથી તેથી તેમની મુલાકાત અટકાવવામાં આવે. હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા પણ સાધ્વીની અમેરિકા મુલાકાતનો વિરોધ કરાયો હતો.
ભારતીય ઉપખંડમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચેનો તણાવ સેંકડો વર્ષોથી ચાલ્યો આવે છે. 1947માં ભારતનું વિભાજન થયું ત્યારે આ તણાવ ચરમસીમા પર પહોંચ્ય હતો અને તેમાં લાખો લોકો માર્યા ગયા હતા. આઝાદ ભારતમાં પણ હિન્દુ અને મુસ્લિમો વચ્ચેના કોમી રમખાણોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. તેમ છતાં વિદેશની ધરતી પર બંને સમુદાય વચ્ચે ક્યારેય તણાવ સર્જાયો નથી. લેસ્ટરને અત્યાર સુધી વિવિધ સમુદાયો અને સંસ્કૃતિ વચ્ચેના ભાઇચારાનું પ્રતિક માનવામાં આવતું હતું. લેસ્ટરમાં 14 ધર્મોના લોકો વસવાટ કરે છે અને 70 કરતાં વધુ ભાષા બોલાય છે તેમ છતાં આ શહેરને કોમવાદ ક્યારેય સ્પર્શ્યો નહોતો. આજે શહેરને કોમવાદનું ગ્રહણ લાગી ગયું છે. આ કેવી રીતે થયું તેના જવાબ તો સમાજ જ આપી શકશે. પરંતુ ભય એ વાતનો છે કે કોમવાદનો આ ભોરિંગ બ્રિટનના અન્ય વિસ્તારોમાં ન પ્રસરે. ઘણા ધાર્મિક આગેવાનો ચેતવણી ઉચ્ચારી રહયાં છે કે લેસ્ટરનો તણાવ બ્રિટનના અન્ય વિસ્તારોમાં પણ ફૂંફાડો મારી શકે છે. હવે આપણે જ વિચારવાનું રહ્યું કે, માદરેવતનના તણાવને બ્રિટનમાં વકરાવવો છે કે ફરી એકવાર ભાઇચારાના બંધનમાં બંધાવું છે?
કટ્ટરવાદી અને કોમવાદીઓ માટે સ્વર્ગ સમાન સોશિયલ મીડિયા
લેસ્ટર અને બર્મિંગહામમાં બે સમુદાયો વચ્ચે તણાવનો લાભ બંને સમુદાયના કટ્ટરવાદી તત્વો ઉઠાવી રહ્યાં છે. ઘણા લોકો ઉશ્કેરણીજનક અહેવાલોની પુષ્ટિ કર્યા વિના જ આવા મેસેજ ફોરવર્ડ કરીને બળતામાં ઘી હોમવાનું પણ કામ કરી રહ્યાં છે. લેસ્ટરમાં એક મુસ્લિમ કન્યાનું હિન્દુ યુવકો દ્વારા અપહરણ કરાયું હોવાના સોશિયલ મીડિયા પર ફરતા મેસેજે તણાવને ભડકાવ્યો હતો. લેસ્ટરની પોલીસે પણ આ અહેવાલ ખોટા હોવાનું જણાવ્યું હતું. આ પહેલાં વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરા સ્ટેશન પર અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકો દ્વારા એક મુસ્લિમ યુવતિને ટ્રેનમાં ખેંચી લેવાઇ હોવાની અફવાએ સમગ્ર ગુજરાતને ભડકે બાળ્યું હતું. અફવાઓ સામાજિક તાણાવાણાને નષ્ટ કરી દે છે અને તેને માની લેનારા કટ્ટરવાદી અને કોમવાદી તત્વોની જાણે-અજાણે મદદ કરે છે. સોશિયલ મીડિયા પર કોઇપણ મેસેજ ફોરવર્ડ કરતાં પહેલાં તેની સત્યતા ચકાસી લેવાથી ભાઇચારો વધારવામાં મદદ મળી રહેશે.
વિદેશોના રાજકારણની અસર બ્રિટનના શહેરો પર પડી શકે છે : નિષ્ણાતોની ચેતવણી
લેસ્ટરની યુનિવર્સિટીઓના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વિદેશોના રાજકારણમાં ચાલતી અફરાતફરીની અસર બ્રિટનના શહેરોમાં પણ પડી શકે છે. લેસ્ટર યુનિવર્સિટીના સેન્ટર ફોર હેટ સ્ટડીઝના ડિરેકટર નીલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, લેસ્ટરમાં આપણે જે જોઇ રહયાં છે તે ભારતમાં પ્રવર્તતા ધાર્મિક તણાવનું પરિણામ છે એ વાતમાં કોઇ શંકા નથી. આપણે એ સ્વીકારવું રહ્યું કે સરહદોની પાર હજારો માઇલ દૂર જે કાંઇ બની રહ્યું છે તેની અસરો અહીં પણ વર્તાઇ રહી છે. ગ્લોબલ ઇઝ લોકલ નાઉ એટલે કે દુનિયા હવે બહુ નાની બની ગઇ છે. વિશ્વના એક ખૂણામાં બનતી કોઇ ઘટના હવે અન્ય ભાગોમાં તાત્કાલિક અસરો ઉપજાવે છે. વૈશ્વિક ઘટનાઓ હવે સ્થાનિક સ્તરે તણાવ વધારી શકે છે. દ મોન્ટફોર્ટ યુનિવર્સિટીના ક્રિમિનલ જસ્ટિસ વિભાગના પ્રોફેસર કિમ સાદિક કહે છે કે લોકોએ વિશ્વના અન્ય ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષો હવે બ્રિટનમાં પગપેસારો કરી રહ્યાં છે.