લંડનઃ વર્ષ ૨૦૧૬માં યુકેમાં કાર્યરત ૮૦૦ જેટલી ભારતીય કંપનીઓએ યુકેના અર્થતંત્રને મજબૂત બનાવવા સંયુક્તપણે ૪૭.૫ બિલિયન પાઉન્ડની આવકના સર્જનનું અભૂતપૂર્વ પ્રદાન કર્યું છે. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ગ્રાન્ટ થોર્નટન યુકે LLP દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટ ‘India meets Britain Tracker 2017’માં ભારત અને યુકે વચ્ચેના આર્થિક સંબંધો જે રીતે વિકસી રહ્યા છે તેની સરાહના કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ કંપનીઓ યુકેમાં આશરે ૧૧૦,૦૦૦ લોકોને રોજગારી આપે છે અને ગયા વર્ષે તેમનો સંયુક્ત મૂડીખર્ચ ૪.૨૫ બિલિયન પાઉન્ડ હતો. આ ખર્ચ યુકેમાં તેમના પ્રાથમિક રોકાણોથી આગળ ફિક્સ્ડ એસેટ્સથી માંડી અન્ય રોકાણોમાં હતો, જે યુકેના અર્થતંત્રમાં તેમના લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભારતીય કંપનીઓ અને યુકેનું અર્થતંત્ર
ભારતમાંથી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ના અર્થમાં યુરોપમાં રોકાણોનાં યુકે પહેલાથી જ પસંદગીનું સ્થળ બન્યું છે. છેક ૨૦૦૩થી ૧૬ યુરોપીય દેશોમાં ભારતીય કંપનીઓના કુલ ૮૪૫ FDI પ્રોજેક્ટ્સમાંથી ૪૫ ટકાથી વધુ યુકેમાં છે. લંડન સિટી ૧૩૨ પ્રોજેક્ટ સાથે સર્વોચ્ચ સ્થાને છે.
ગ્રાન્ટ થોર્નટન્સ ઈન્ડિયા ટ્રેકર
યુકેમાં કાર્યરત અને વાર્ષિક ૧૦ ટકા કે વધુ આવકવૃદ્ધિ ધરાવતા ભારતીય બિઝનેસીસ પર દેખરેખ રાખતા રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી ઝડપી વૃદ્ધિ ધરાવતી ૫૫ કંપનીઓએ ૩૧ ટકાનો સરેરાશ વૃદ્ધિદર હાંસલ કર્યો છે. આ ૫૫ કંપનીમાંથી ૨૩ કંપની નવી છે જ્યારે ૩૨ કંપની ગયા વર્ષે પણ આ યાદીમાં હતી. આ વર્ષના ટ્રેકરમાં સામેલ ૫૦ ટકાથી થોડી જ ઓછી કંપનીએ ૨૫ ટકા કે તેથી વધુ વૃદ્ધિદર હાંસલ કર્યો છે. આ વર્ષની યાદીમાં ૧૦૩ ટકા વૃદ્ધિ સાથે ડેટામેટિક્સ ઈન્ફોટેક લિમિટેડ મોખરે રહી છે. ઈન્ડિયા ટ્રેકરમાં ટેકનોલોજી અને ટેલિકોમ્સ (૩૧ ટકા) તથા ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ (૨૪ ટકા) સેક્ટરની કંપનીઓ સ્થાન ધરાવે છે. આ બે સેક્ટરમાં નવા ક્ષેત્રોમાં ડાઈવર્સીફિકેશન સાથે બિઝનેસીસને વિકાસતકો વિપુલ પ્રમાણમાં મળે છે. બિઝનેસ સર્વિસ સેક્ટર ૧૧ ટકા સાથે પ્રથમ વખત ટોપ થ્રીમાં છે.
ગ્રાન્ટ થોર્નટન યુકે LLPમાં સાઉથ એશિયા ગ્રૂપના વડા અનુજ ચંદેએ જણાવ્યું હતું કે,‘યુકેમાં ૮૦૦ જેટલી ભારતીય કંપનીઓ કાર્યરત છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય રોકાણકારો માટે યુકે પસંદગીનું સ્થળ છે. મોદી સરકારના બિઝનેસતરફી એજન્ડાએ ભારતીય કંપનીઓ માટે ઘરઆંગણે અને વિદેશમાં વૃદ્ધ હાંસલ કરવાને યોગ્ય વાતાવરણ સર્જ્યું છે.’
CII UKના ડિરેક્ટર અને વડા શુચિતા સોનાલિકાએ જણાવ્યું હતું કે,‘ભારતીય કંપનીઓ યુકેમાં આર્થિક અસર મજબૂત બનાવી રહી છે. આઈટી અને ટેલિકોમ સેક્ટર મોખરે છે ત્યારે ફાર્માસ્યુટિકલ્સ બિઝનેસ સર્વિસીસ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, એન્જિનીઅરીંગ અને એનર્જી સેક્ટર્સની અસર પણ વધી રહી છે.’
ફોટોલાઈનઃ CII ગ્રાન્ટ થોર્નટન ઈન્ડિયા ટ્રેકર રિપોર્ટના લોન્ચિંગ વેળાએ (ડાબેથી) અનુજ ચંદે, યુકેસ્થિત ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયક અને શુચિતા સોનાલિકા