ભારતીય કવિતા સંઘવી ગ્લોબલ ટીચર પ્રાઈઝના ૫૦ દાવેદારની યાદીમાં

Monday 19th December 2016 06:47 EST
 
 

લંડનઃ પ્રખ્યાત ગ્લોબલ ટીચર પ્રાઈઝની સ્પર્ધામાં પ્રથમ ૫૦ નામમાં ફીઝિક્સ વિષયની ભારતીય શિક્ષિકા કવિતા સંઘવીની પસંદગી કરવામાં આવી છે. આ સ્પર્ધામાં તેઓ એક માત્ર ભારતીય છે. કવિતા સંઘવી મુંબઈની ઋષિકુલ વિદ્યાલયના પ્રિન્સિપાલ છે અને ફીઝિક્સ વિષય શીખવવાની નવીન પદ્ધતિઓના ઉપયોગ બદલ આ ગ્લોબલ એવોર્ડની યાદીમાં તેમનો સમાવેશ કરાયો છે. યુકેસ્થિત વાર્કે ફાઉન્ડેશન દ્વારા એવોર્ડના વિજેતાને ૧૦ લાખ અમેરિકી ડોલર (આશરે ૬.૭૨ કરોડ રુપિયા) ઈનામમાં મળશે.

ગ્લોબલ ટીચર પ્રાઈઝની સ્પર્ધાના પ્રથમ ૫૦ નામની યાદીમાં સમાવેશ કરાયાથી ખુશખુશાલ કવિતાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે,‘ટોપ-૫૦માં આવીને હું ઘણી ખુશ છું. આ મારી ક્ષમતા અને શક્તિઓને વધુ ખીલવવામાં મદદ કરશે. તમામ ફાઈનલિસ્ટોને અભિનંદન આપવા ઈચ્છું છું.’ કવિતા બાળકોને તમામ પાઠનો અભ્યાસ જીવન સાથે સાંકળીને કરાવે છે અને પોતાના બ્લોગ પર અવારનવાર અભ્યાસ કરાવવાની પદ્ધતિઓ પણ જણાવતી રહે છે.

ઉલ્લેખનીય છે કે શિક્ષણક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન તેમજ સમાજમાં શિક્ષકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા ભારતીય મૂળના એન્ટ્રેપ્રીન્યોર સન્ની વાર્કે દ્વારા આરંભાયેલા ગ્લોબલ ટીચર પ્રાઈઝનું આ ત્રીજું વર્ષ છે. આ એવોર્ડ માટે ૧૭૯ દેશમાંથી ૨૦,૦૦૦થી વધુ અરજી આવી હતી, જેમાંથી ૫૦ ટોપ દાવેદારની પ્રથમ યાદી પ્રસિદ્ધ કરાઈ છે. આ યાદીમાંથી આખરી ૧૦ દાવેદારની યાદી ફેબ્રુઆરી ૨૦૧૭માં જાહેર કરાશે. આ ૧૦ દાવેદારોને ૧૯ માર્ચે દુબઈમાં આયોજિત થનારા ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્કિલ્સ ફોરમના વાર્ષિક સમારંભમાં બોલાવાશે અને સ્પર્ધાના વિજેતાની જાહેરાત કરાશે.

કવિતા સંઘવીએ ટોરોન્ટોમાં ફીઝિક્સનો અભ્યાસ કર્યો છે. બ્રિટિશ કાઉન્સિલે તેના ગ્લોબલ ટીચર્સ એક્રેડિશન પ્રોગ્રામના હિસ્સા તરીકે તેમની પસંદગી કરી હતી, જેનો ઉપયોગ તેમણે ફીઝિક્સના પ્રયોગાત્મક અભ્યાસ વિશે સંશોધન કરવામાં કર્યો હતો. તેમણે માત્ર ફીઝિક્સ માટે જ નહિ, શાળામાં પર્યાવરણીય પ્રોજેક્ટ્સ સહિત વિવિધ એવોર્ડ્ઝ મેળવ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter