નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇની બ્રિટિશ પાસપોર્ટધારક પત્ની એલિઝાબેથ કોલબર્ન પર પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇ સાથે સંબંધ હોવાનો આરોપ મૂકતાં ખળભળાટ મચી ગયો હતો.
સરમાએ સીધું નામ લઇને કોઇ આરોપ મૂક્યા નહોતા પરંતુ ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગૌરવ ગોગોઇની પત્ની વિદેશી નાગરિક છે અને અમેરિકન બિલિયોનર જ્યોર્જ સોરોસ દ્વારા ફંડ મેળવતા સંગઠન માટે કામ કરે છે. શું ગૌરવ ગોગોઇ અને તેમની પત્ની પાકિસ્તાન અને આઇએસઆઇ સાથે મળીને કામ કરી રહ્યાં છે.
સરમાએ એલિઝાબેથની નાગરિકતા પર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, ગોગોઇ સાથે લગ્નના 12 વર્ષ બાદ પણ તેમણે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી નથી. ભાજપ એલિઝાબેથને પાકિસ્તાનના અલી તૌકીર શેખ સાથે સંબંધ હોવાના આરોપ મૂકી રહ્યો છે. સરમા અનુસાર એલિઝાબેથ તેમના ઇસ્લામાબાદ ખાતેના કાર્યકાળ દરમિયાન લીડ પાકિસ્તાન નામના સંગઠન સાથે કામ કરતા હતા. તેમણે લગ્ન પહેલાં પાકિસ્તાન સાથે અત્યંત નિકટતા ધરાવતા એક અમેરિકન સેનેટર માટે પણ કામ કર્યું હતું. તેમણે પાકિસ્તાનમાં આઇએસઆઇનું મહોરુ ગણાતા એક સંગઠનમાં પણ કામ કર્યું હતું. બની શકે કે ગૌરવ ગોગોઇને ભારત વિરોધી કોઇ કાવતરા અંતર્ગત ફસાવવામાં આવ્યા હોય.
એલિઝાબેથનો જન્મ બ્રિટનમાં થયો હતો અને તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી. તેમણે 2013માં ગોગોઇ સાથે લગ્ન કર્યાં હતાં. સરમાના આરોપને નકારતા ગૌરવ ગોગોઇએ જણાવ્યું હતું કે, ભાજપ મારા પરિવારને બદનામ કરવા તમામ હદ વટાવી શકે છે. અમે યોગ્ય કાનૂની કાર્યવાહી કરીશું.