લંડનઃ ભારતીય રેસ્ટોરન્ટ મેનેજર વિજ્ઞેશ પટ્ટાભિરામનની 14 ફેબ્રુઆરી 2024ના રોજ હત્યા કરવા માટે દોષી ઠરેલા પાકિસ્તાની મૂળના શાઝેદ ખાલિદને આજીવન કેદ ફટાકરવામાં આવી છે. તેણે લઘુત્તમ 21 વર્ષ જેલમાં વીતાવવા પડશે. રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા વિજ્ઞેશની હત્યામાં મદદ કરવા માટે સોઇહીમ હુસેનને 4 વર્ષ કેદની સજા કરાઇ છે.
જ્યુરીને જણાવવામાં આવ્યું હતું કે, સોઇહીમ હુસેને વિજ્ઞેશની હત્યા માટે ખાલિદને રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ વતી 2000 પાઉન્ડની સોપારી અપાવી હતી. વિજ્ઞેશ ભારતના કોઇમ્બતુરના મરુધમલાઇનો વતની હતો. રીડિંગના સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં નોકરી પરથી છૂટીને સાઇકલ પર તે ઘેર પરત જઇ રહ્યો હતો ત્યારે ખાલિદે કારની ટક્કર મારીને વિજ્ઞેશની હત્યા કરી સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. રેસ્ટોરન્ટ ખાતે વિજ્ઞેશની નોકરીનો છેલ્લો દિવસ હતો અને બીજા દિવસથી તે ચર્ચિલ ખાતેની હયાત રિજન્સી ખાતે નોકરીમાં જોડાવાનો હતો.
2007માં પાકિસ્તાનથી યુકે આવેલા ખાલિદે કોર્ટને જણાવ્યું હતું કે, તેને વિજ્ઞેશને ડરાવવા ધમકાવવા માટે નાણા અપાયાં હતાં. વિજ્ઞેશ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર કામદારોને નોકરી પર રખાતા હોવાની જાણ હોમ ઓફિસને કરવાનો હતો તેથી રેસ્ટોરન્ટના માલિક અથવા તો મેનેજર દ્વારા તેને ડરાવવા ધમકાવવા ખાલિદને કામ સોંપાયું હતું.
વિજ્ઞેશ ડિસેમ્બર 2022માં સ્કીલ્ડ વર્કર વિઝા પર પત્ની સાથે યુકે આવ્યો હતો.