લંડનઃ યુનિવર્સિટી કોલેજ લંડનમાં અભ્યાસ કરતો ભારતીય વિદ્યાર્થી વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે તેવા જીવંત માઇક્રોઓર્ગેનિઝમની મદદથી નવા પ્રકારનું કન્સ્ટ્રક્શન બાયોમટિરિયલ તૈયાર કરી રહ્યો છે. આ મટિરિયલના વ્યાપક ઉપયોગથી મોટાપાયે કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો કરી શકાશે અને બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ તેને વ્યાપક સ્વીકૃતિ પ્રાપ્ત થશે.
બાયોકેમિકલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક સ્તરનો અભ્યાસ કરતા પ્રાન્તર તામુલીએ તાજેતરમાં સ્કોટલેન્ડના સેન્ટ એન્ડ્રુ બોટનિક ગાર્ડન ખાતે આ મટિરિયલની જાહેરાત કરી હતી. આ મટિરિયલમાં રહેલી પેનલ્સમાં સાયનોબેક્ટેરિયા સામેલ કરાયાં છે. આ પેનલોને ઇમારતોની દિવાલોમાં ફીટ કરાશે અને તેમાં રહેલા માઇક્રોઓગેનિઝમ પ્રકાશ સંશ્વેષણની મદદથી હવામાંના કાર્બન ડાયોક્સાઇડને શોષી લેશે.
તામુલીએ જણાવ્યું હતું કે, હું ભાવિ માનવ વસાહતોના નિર્માણમાં ધરમૂળથી બદલાવના લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યો છું. પ્રોફેસર માર્કોસ ક્રુઝે જણાવ્યું હતું કે, આ પ્રકારના બાયોમટિરિયલની શોધ અદ્દભૂત છે. જો તેનું મોટાપાયે ઉત્પાદન કરી વ્યાપક સ્વીકૃતિ મળે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવામાં મોટી સફળતા હાંસલ કરી શકાશે.