લંડનઃ અભ્યાસ માટે યુકે આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચાર વર્ષમાં અડધી થઈ છે અને હજારો વિદ્યાર્થી હવે યુએસ અથવા અન્ય યુરોપિયન દેશોમાં જવાનું પસંદ કરતા હોવાનું હાયર એજ્યુકેશન સ્ટેટેસ્ટિક્સ એજન્સીના સર્વેમાં સ્પષ્ટ થયું છે. સર્વેના ડેટા અનુસાર ૨૦૦૯-૧૦માં ૩૧,૨૦૦ ભારતીય વિદ્યાર્થી ડીગ્રી કોર્સીસમાં જોડાયા હતા તેની સરખામણીએ ૨૦૧૩-૧૪માં આ સંખ્યા ૧૬,૫૦૦ની હતી. બ્રિટનમાં ગયા વર્ષે દરિયાપારના વિદ્યાર્થીઓમાં ભારતીયો છ ટકા હતા, જે ૨૦૧૦માં ૧૪ ટકા હતા.
જોકે, મિનિસ્ટર્સનો દાવો એ છે કે પૂરતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિના જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી ‘ફર્ધર એજ્યુકેશન’ સેક્ટરની ૮૦૦ જેટલી બોગસ કોલેજો બંધ કરી દેવાયાથી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટેલી જણાય છે. ઘણા ભારતીય અને બિન-ઈયુ દેશોના વિદ્યાર્થી આવી કોલેજોમાં જોડાઈ અભ્યાસના બદલે નોકરીઓ કરતા હોવાનું ધ્યાનમાં આવતાં હોમ ઓફિસે ૨૦૧૦થી આવી કોલેજો બંધ કરાવી દીધી છે. મિનિસ્ટર્સે પાર્લામેન્ટમાં જણાવ્યું છે કે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વાસ્તવમાં વધી છે. ઈમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ ગુડવિલે એક ચર્ચામાં જણાવ્યું હતું કે યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓ ૨૦૧૦માં ૫૦ ટકા હતા, જે ૨૦૧૫ સુધીમાં વધીને ૯૦ ટકા થયા હતા. જોકે, હાઉસ ઓફ લોર્ડ્સની અન્ય ચર્ચામાં લોર્ડ કરન બિલિમોરિયાએ સ્ટુડન્ટ વિઝાની ખરાબ નીતિથી સફળ એક્સપોર્ટ સેક્ટરને વિપરીત અસર વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
વિદેશ અભ્યાસ માટે તૈયારી કરતા ભારતીય વિદ્યાર્થી આશિષ જૈને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ભારતીયો ઉચ્ચ અભ્યાસાર્થે યુકે જવાનું પસંદ કરે છે, પરંતુ યુકે સરકાર અમારા ઈરાદા અંગે શંકાશીલ છે આથી, અમે ઓસ્ટ્રેલિયા, યુએસ, ફ્રાન્સ, અને જર્મની જવાનું પસંદ કરીએ છીએ. યુકે જતા ભારતીય વિદ્યાર્થીની સંખ્યા ઘટવાનું મુખ્ય કારણ ૨૦૧૨થી બંધ કરાયેલા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા છે, જે અભ્યાસ માટે નાણા રળવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીમાં લોકપ્રિય હતા. જો મોટા બાગે બેન્ક લોન થકી તમે ૩૦,૦૦૦ પાઉન્ડની જંગી ફી ભરતા હો તો અનુભવ ઉપરાંત, તમારો ખર્ચ કાઢવા માટે પણ યુકેમાં કામ કરવાનું ઈચ્છશો.’ બ્રિટિશ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર ૨૦૨૫ સુધીમાં સમગ્ર વિશ્વમાં ૧૮-૨૨ વયજૂથની સૌથી વધુ વસ્તી ભારતમાં હશે.
યુએસ વિદેશ ખાતાની ભાગીદારીમાં ‘ઓપન ડોર્સ’ના રિપોર્ટ અનુસાર યુએસ અર્થતંત્રમાં ભારતીય વિદ્યાર્થીઓનો ફાળો પાંચ બિલિયન ડોલર (ચાર બિલિયન પાઉન્ડ)નો છે અને ચીનના ફાળા પછી બીજા ક્રમે છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાયા પછી ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ તરફ વળે તેવી શંકા પણ રિપોર્ટમાં દર્શાવાઈ છે.
કેનેડાની ભારતીય વિદ્યાર્થીઓ પર નજર
કેનેડાએ તાજેતરમાં જ નવા ઈમિગ્રેશન નિયમો જાહેર કર્યા છે, જે ત્યાં ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લાભકારી બની રહેવાની શક્યતા છે. કેનેડિયન શિક્ષણસંસ્થાઓમાંથી ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓ અને ઉચ્ચતમ કુશળ ઈમિગ્રન્ટ્સને પરમેનન્ટ રેસિડેન્સી આપવાની પ્રક્રિયાને વિસ્તારતા એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામમાં ફેરફારની રુપરેખા જાહેર થઈ છે, જેનો અમલ ૧૮ નવેમ્બરથી શરુ કરી દેવાયો છે.
ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા યુકેની સ્કોલરશિપ્સ
યુકે સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા ૨૦૧૭માં એક મિલિયન પાઉન્ડની સ્કોલરશિપ્સ ઓફર કરી છે. બ્રિટિશ કાઉન્સિલ ઈસ્ટ ઈન્ડિયાના ડિરેક્ટર દેબાંજન ચક્રબર્તીએ જણાવ્યું હતું કે નવી ૧૯૮ સ્કોલરશિપ્સ ‘Great’ કેમ્પેઈન હેઠળ ઓફર કરાશે, જેના વિષયોમાં આર્ટ અને ડિઝાઈનથી માંડી ઈજનેરી, કાયદા અને મેનેજમેન્ટનો સમાવેસ થાય છે. યુકેની ૪૦ યુનિવર્સિટી આ પ્રોગ્રામમાં ભાગ લઈ રહી છે.