લંડનઃ જાણીતા લેખિકા અને ભારતની રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિએ લંડનમાં ભારતીય વિદ્યા ભવન ખાતે આયોજિત વાર્ષિક દિવાળી સમારોહમાં શનિવારે સંબોધન કરતાં પોતાના જમાઇ અને પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકની ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી માટે પ્રશંસા કરી હતી.
દીકરી અક્ષતા મૂર્તિ અને જમાઇ રિશી સુનાક સાથે હાજર રહેલા સુધા મૂર્તિએ શિક્ષણની સાથે સાંસ્કૃતિ મૂલ્યોના જતનના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સારું શિક્ષણ તમને ઉડવા માટે પાંખ આપે છે પરંતુ સાંસ્કૃતિક મૂલ્યો તમને તમારા મૂળ સાથે જકડી રાખે છે. આ પ્રસંગે રિશી સુનાકના માતા ઉષા અને પિતા યશવીર સુનાક પણ હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે ભવન યુકેના વિદ્યા4થીઓએ પરંપરાગત ભારતીય સંગીત અને નૃત્યો રજૂ કર્યાં હતાં. સુધા મૂર્તિએ રિશી સુનાકનો મજબૂત ભારતીય સાંસ્કૃતિક વારસા સાથે ઉછેર કરવા માટે ઉષા સુનાકની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રિશી સુનાક ભારતીય વારસાના મૂલ્યો ધરાવતા બ્રિટિશ નાગરિક છે. આ પ્રસંગે હાજર રહેલા ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ દિવાળીના વૈવિધ્યપૂર્ણ પાસાઓ પર પ્રતિબિંબ પાડ્યું હતું.
સુધા મૂર્તિએ ભારતીય કલા અને સંસ્કૃતિની જાળવણી માટે ભવન યુકે દ્વારા કરાતા પ્રયાસોમાં સહકાર આપવા બ્રિટિશ ભારતીય સમુદાયને અપીલ કરી હતી.
રિશી સુનાક બેક બેન્ચર તરીકે હાઉસ ઓફ કોમન્સમાં પરત ફર્યા
પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક હવે હાઉસ ઓફ કોમન્સમાં બેક બેન્ચર તરીકે પાછા ફર્યા છે. જુલાઇ મહિનામાં યોજાયેલી સંસદની ચૂંટણીમાં કારમો પરાજય થયા બાદ રિશી સુનાકે 5 જુલાઇના રોજ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદેથી રાજીનામુ આપી દીધું હતું. તેઓ નોર્થ યોર્કશાયરમાં રિચમન્ડ એન્ડ નોર્થએલર્ટન બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. સુનાકે અફવાઓને રદિયો આપતા જણાવ્યું હતું કે, મને એ વાતની ખુશી છે કે હું હવે આ પૃથ્વી પરના સૌથી મહાન અને રમણીય સ્થળમાં વધુ સમય વીતાવી શકીશ. હું યોર્કશાયરમાં જ રહેવાનો છું.