લંડનઃ ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર પાકિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલા દેખાવો દરમિયાન હિંસાની ઘટનાઓ સંદર્ભે ભારતે યુકે સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. લંડનના મેયર સાદિક ખાને આ હિંસાને વખોડી કાઢી હતી, પરંતુ બ્રિટનની ફોરેન ઓફિસે આ દેખાવોને ‘અભૂતપૂર્વ શાંતિપૂર્ણ’ ગણાવતું નિવેદન કર્યું હતું. ફોરેન ઓફિસના આ નરમ અભિગમ સામે ભારતીય સમુદાયમાં નારાજગી સાથે આક્રોશની લાગણી પ્રવર્તતી હતી. જોકે મંગળવારે મળતા અહેવાલ અનુસાર, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ હિંસક વિરોધ પ્રદર્શન સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દિલગીરી વ્યક્ત કરી છે. મોદીએ મંગળવારે જ્હોન્સનને ફોન કરીને લંડનમાં ભારતીય સમુદાય સામે આચરાયેલી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ગયા ગુરુવારે ભારતીય હાઈ કમિશન બહાર એકત્ર થયેલા લગભગ ૫,૦૦૦ પાકિસ્તાની સમર્થકોએ દેખાવો કરતાં હિંસક અથડામણો સર્જાઈ હતી. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ અને ૩૫એ નાબૂદ કરવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા આ લોકો એકત્ર થયા હતા. ઘણાં દેખાવકારો પાકિસ્તાની અને આઝાદ કાશ્મીરના ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા.
ઘટનાને નજરે જોનારા લોકોએ દાવો કર્યો હતો કે પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા હાજર રહેલા ભારતીય ડાયસ્પોરા અને પોલીસ પર બોટલો અને ઈંડા ફેંકવામાં આવ્યા હતા. શીખ અને કાશ્મીરી અલગતાવાદી સંસ્થાઓમાં પાકિસ્તાની જૂથો દ્વારા ભારતવિરોધી દેખાવોનું આયોજન કરાયું હતું.
ઈન્ડિયા હાઉસની બહાર મેટલ બેરિયર્સ થકી તેઓને ભારત સમર્થક દેખાવકારોથી અલગ કરાયા હતા. યુકેમાં લૂટન, બ્રેડફોર્ડ, બર્મિંગહામ જેવા પાકિસ્તાની ડાયસ્પોરાની મોટી વસ્તી ધરાવતા શહેરોમાંથી પાકિસ્તાની મૂળના દેખાવકારોને લંડનના ભારતીય હાઈ કમિશન બહાર દેખાવો કરવા ચાર્ટર્ડ બસોમાં લવાયા હતા. પાકિસ્તાનનમા વડા પ્રધાન ઈમરાન ખાનના ગાઢ મિત્રોમાંનો એક ઝુલ્ફી બુખારી તો દેખાવકારોની ઉશ્કેરણી કરવા ખાસ લંડન પહોંચ્યો હોવાનું કહેવાય છે.
સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર ગુરુવારે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પર સુઆયોજીત દેખાવો અને તેની સામે વિરોધ દેખાવો કરવા માટે એકઠા થયેલા દેખાવકારો પૈકી ચારની ધરપકડ કરાઇ હતી.
પાકિસ્તાની જૂથો અને શીખ તથા કાશ્મીરી અલગતાવાદી સંગઠનો દ્વારા ભારતવિરોધી દેખાવો કરાયા હતા. તેમની અને ઈન્ડિયા હાઉસ બહાર ભારતતરફી દેખાવો કરી રહેલા લોકો વચ્ચે મેટલની રેલિંગો રાખવામાં આવી હતી. તે સમયે પ્લેકાર્ડ સાથે ધસી આવેલા લોકોના ટોળાએ ટ્રાફિક ખોરવી નાખ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. દિવસ દરમિયાન અથડામણો વધતાં પથ્થરમારાના અને બોટલો ફેંકવાના બનાવો પણ બન્યા હતા. ફરજ પરના સ્કોટલેન્ડ યાર્ડ ઓફિસરો કેટલાંક દેખાવકારોને અંકુશમાં લેવાનો પ્રયાસ કરતા જણાયા હતા.
એક વ્યક્તિને ઈજા પહોંચી હતી તેવા આ દેખાવોને મેટ્રોપોલીટન પોલીસે મોટા ભાગે શાંતિપૂર્ણ ગણાવ્યા હતા, જેમાં ઓછી સંખ્યામાં ઘટનાઓ જોવા મળી હતી. મેટ્રોપોલીટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘દેખાવો મોટા ભાગે શાંત હતા પરંતુ, ઓફિસરોએ પ્રતિક્રિયા આપી નાની ઘટનાઓ સાથે કામ પાર પાડવું પડ્યું હતું. પબ્લિક ઓર્ડર એક્ટના સેક્શન-૪, રમખાણ, પોલીસને અવરોધ અને આક્રમક હથિયાર ધરાવવા બદલ કુલ ચારની ધરપકડ કરાઈ હતી. જાહેર વ્યવસ્થા માટે તાલીમબદ્ધ ઓફિસરો યોજનાપૂર્ણ કામગીરીના ભાગરૂપે આ દેખાવો પર નજર રાખી રહ્યા હતા. દેખાવો દરમિયાન એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.’
મેટ્રોપોલીટન પોલીસે અગાઉ તેઓ દેખાવો અંગે માહિતગાર હોવાની તથા તે અનુસાર યોગ્ય વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું હતું. વ્યવસ્થામાં મોટી સંખ્યામાં પગપાળા તેમજ અશ્વસવાર અધિકારીઓનો સમાવેશ કરાયો હતો.
ભારતવિરોધી દેખાવકારોએ કરેલા સૂત્રોચ્ચાર સામે ભારતના તરફદારોએ ત્રિરંગો ફરકાવ્યો હતો. ભારતવિરોધી દેખાવકારોમાં ખાલિસ્તાનતરફી રેફરન્ડમ ૨૦૨૦ ગ્રૂપનો સમાવેશ થતો હતો, જેઓ વર્ષોથી સ્વાતંત્ર્ય દિને ઈન્ડિયા હાઉસ સામે કરાતા દેખાવોમાં નિયમિત હાજર રહે છે. જોકે, આ વર્ષે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાના ભારત સરકારના પગલાના લીધે દેખાવકારોની સંખ્યા વધુ હોવાની ધારણા હતી.
દેખાવકારોએ બધી તરફથી હાઈ કમિશનને ઘેરી લીધું હતું, વાહનવ્યવહાર બ્લોક કરી દીધો અને ભારતીય સમર્થકોની આસપાસ ઘેરી વળ્યા હતા. જે થઈ રહ્યું હતું તેના માટે પોલીસ અને વહીવટી તંત્ર પણ તૈયાર ન હતું. અશ્વારોહી પોલીસ ટુકડીએ દેખાવકારોને ભારત સમર્થક ઉજવણીકારો અને હાઈ કમિશનના બિલ્ડિંગથી દૂર રાખવા ભારે પ્રયાસ કર્યો હતો.
ભારતીય હાઈ કમિશનર સહિત કેટલાક મહાનુભાવો દ્વારા વાતચીત તેમ જ ચિંતાતુર પેરન્ટ્સ દ્વારા ૯૯૯ને મદદના સંખ્યાબંધ કોલ્સના આશરે ત્રણ કલાક પછી પોલીસ કૂમક આવી હતી. હાઈ કમિશનના પાછલા દ્વારેથી બાળકો અને સ્ત્રીઓને સહીસલામત બહાર કાઢી શકાય તે રીતે દેખાવકારોને દૂર કરાયા હતા.
પાકિસ્તાનમાં પ્રતિબંધિત હિઝ્બ ઉત-તહરિરની યુકે શાખાએ ૧૭ ઓગસ્ટે પણ – ભારતીય હાઈ કમિશન બહાર ઘોંઘાટપૂર્ણ દેખાવોનું આયોજન કર્યું હતું. બ્રિટન દ્વારા આવા જૂથોને અપાતી સુવિધા બાબતે ભારતીય સત્તાવાળાઓમાં ચિંતા પ્રવર્તે છે.
હાજર લોકોએ હુમલાઓને વખોડી કાઢ્યા
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના ૭૩ વર્ષીય પૂર્વ વૃદ્ધ ચેરમેન પ્રવીણભાઈ પટેલને માથામાં મિનરલ વોટર ભરેલી બોટલ વાગતા કપાળે ઈજા થઈ હતી. તેમણે કહ્યું કે ‘વડા પ્રધાન તરીકે મોદીને અમે આવકારીએ છીએ’ લખેલાં તેમના પ્લેકાર્ડને છીનવી લેવાયું હતું અને પછી તેમના પર બોટલ ફેંકાઇ હતી. આ ગુના માટે કોઈની ધરપકડ કરાઈ ન હતી.
ઘટનાસ્થળે હાજર ઈન્ડિયન્સ ઈન લંડન ગ્રૂપના મિનલ જયસ્વાલે લંડનના મેયર સાદિક ખાનને ઉદ્દેશી સંદેશામાં જણાવ્યું હતું કે, ‘અમે જ્યારે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન તરફ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે હજારો ‘શાંતિપૂર્ણ’ દેખાવકારો ઈંડા સાથે આવતા જણાયા હતા. બાળકોની સલામતીની ચિંતા હોવાથી અમારા ઘણા કોમ્યુનિટી સભ્યો પાછાં જવા માગતા હતા. શું લંડન ખરેખર સલામત છે ખરું? માતૃભૂમિ માટે ઉત્સાહ દર્શાવવો સારો છે પરંતુ, કેટલાકે પોતાની સંસ્કૃતિ વિસરીને સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કર્યો તેનાથી હું નિરાશ છું. મેં પોલીસને જણાવ્યું ત્યારે તેઓ ઘણી ઓછી સંખ્યામાં હોવાથી ભયભીત હતા. કેટલાક તો માનવતા ખાતર અહીં આવ્યાનો દાવો કરતા હતા, પરંતુ સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો સામે બોટલ્સ, સ્ટીક્સ ફેંકવામાં તેમની માનવતા ક્યાં ગઈ હતી?’
જમ્મુ એન્ડ કાશ્મીર સ્ટુડન્ટ સેન્ટરના કોમ્યુનિટી એક્ટિવિસ્ટ વિનોદ ટિકુએ તે દિવસે આચરાયેલા ગુના સંબંધે ૧૧૦ વ્યક્તિની સહીઓ સાથે લખેલા પત્રમાં લંડનના મેયર અને મેટ પોલીસને ૧૫ ઓગસ્ટે ભારતીય હાઈ કમિશનની બહાર ગેરકાયદે દેખાવોને પરવાનગી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળતા બાબતે તપાસ કરવાનો અનુરોધ કર્યો હતો. આટલા નાના વિસ્તારમાં ૫૦૦૦ લોકોને એકઠા થવાની અને ઈંડા, બટાકા, એવોકાડોઝ, નાના બોલ્સ, પાણી ભરેલી બોટલ્સ, લાકડીઓ લાવવાની કેવી રીતે છૂટ અપાઈ? સલામતીના ધોરણોનું પાલન કરાયું હતું? મોટા પાયે દેખાવો થવાની આગોતરી માહિતી હોવાં છતાં નાના બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો સાથે જે વ્યવહાર કરાયો તેને અટકાવવાની જવાબદારી નિભાવાઈ નથી. પોલીસ દ્વારા દેખાવકારોને કોઈ ચેતવણી પણ અપાઈ ન હોવાનો આક્ષેપ પત્રમાં કરાયો હતો.
એએનઆઈના રિપોર્ટર પૂનમ જોશીએ બહાદૂરીપૂર્વક આગળ ધસી જઈને દેખાવકારોના હાથમાંથી ભારતીય ધ્વજ છીનવી લીધો હતો. દેખાવકારોએ તે ધ્વજ ફાડી નાંખ્યો હતો અને તેના પર પગ મૂક્યા હતા. તેમના આ હિંમતભર્યા આ કૃત્યની પોતાના દેશની ‘ગરિમા’નું રક્ષણ કરવાની ભાવનાની કોમ્યુનિટીએ પ્રશંસા કરી હતી.
લોર્ડ જિતેશ ગઢિયાએ ‘ડેઈલી ટેલીગ્રાફ’માં સીઆઈએના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ડેવિડ પેટ્રિયસ સાથે સંયુક્ત લેખ લખ્યો હતો. તેમણે કરેલું વિશ્લેષણ આમ તો કડક પણ પાકિસ્તાન અને ભારત બન્નેને રચનાત્મક સંદેશ આપનારું હતું.
તેમણે લખ્યું, ‘ઈસ્લામાબાદ સ્થાનિક ધોરણે મળેલી નિષ્ફળતાઓથી અન્યત્ર ધ્યાન વાળવા માટે કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણનો પ્રયાસ કરી રહ્યું છે. વડા પ્રધાન ઈમરાન ખાનને સલાહ આપવી જોઈએ કે તે અતિ મૂલ્યવાન રાજદ્વારી અને આર્થિક મૂડીને કાશ્મીર મુદ્દા પાછળ ખર્ચવાને બદલે આઈએમએફની મદદ જરૂર છે તેવા નાદારીના કિનારે ઉભેલા પોતાના દેશના વિકાસ પર ધ્યાન આપે.
પાકિસ્તાનને ભારત તરફથી ખતરો નથી તેને તો વિકાસની અપૂરતી આર્થિક તકો સાથે આંતરિક અંતિમવાદીઓ તરફથી ખતરો છે. ૧૯૪૭માં આઝાદી પછી ભારતે દરેક આર્થિક અને સામાજિક માપદંડોમાં પાકિસ્તાનને પાછળ પાડી દીધું છે. પાકિસ્તાનની માથાદીઠ આવક પણ ઓછી છે. ભારત કરતાં પાકિસ્તાનમાં બાળમૃત્યુનો દર વધારે છે. સાક્ષરતાનો દર પણ પાકિસ્તાનમાં ખૂબ ઓછો છે.
હિંદુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તિ પટેલે હેટ ક્રાઈમ અને ભારતવિરોધી દેખાવકારોની ટોળકીઓની સમાજવિરોધી વર્તણુંક વિશે હોમ સેક્રેટરીને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું, ‘સ્વાતંત્ર્ય દિવસના વિરોધની પોલીસને અગાઉથી જાણ હતી.’ તેમણે આ દિવસને ‘કાળો દિવસ’ ગણાવ્યો હતો. લોર્ડ નઝીર એહમદ આ દેખાવોના આયોજકો પૈકી એક હતા તેમણે ભારતીય કોમ્યુનિટી સામે તિરસ્કારભર્યુ અને દ્વેષભાવયુક્ત ભાષણ આપ્યું હતું.
યુકેની પાકિસ્તાની દર્શકો માટેની ચેનલોએ આ કાર્યક્રમના એક અઠવાડિયા અગાઉથી માસ હિસ્ટિરીયા જેવું વાતાવરણ ઉભું કર્યું હતું. હાઈ કમિશન ઓફ ઈન્ડિયા ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે સમગ્ર યુકેમાંથી પાકિસ્તાની લોકો આવશે એ વાતની પોલીસને ચોક્કસપણે માહિતી હશે.
તેમણે લખ્યું, ‘હોમ સેક્રેટરી, બધી બાજુએથી હિંસક ટોળાથી ઘેરાઈ ગયેલા ભારતીય પુરુષો, મહિલાઓ અને બાળકો કેટલી દહેશતમાં હશે, તેમને કેટલો ડર લાગ્યો હશે તેની તમે સારી રીતે કલ્પના કરી શકશો. પોલીસ પણ સંપૂર્ણપણે સજ્જ ન હતી અને વધારાની પોલીસ ટુકડીને બોલાવવાની બાબતે ખૂબ ધીમી કાર્યવાહી કરતી હતી. ખેદપૂર્વક જણાવવાનું કે મેયર ઓફ લંડન દ્વારા પણ કાર્યક્રમ માટે અપૂરતી વ્યવસ્થા હતી.’
તેમણે ઉમેર્યું હતું કે હું આ બાબતે વહેલી તકે પ્રતિનિધિમંડળને લઈને આપની સાથે ચર્ચા કરવા માટે મળવા માગું છું. આ ખામીઓની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.’