લંડનઃ માર્ચ 2023માં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે ખાલિસ્તાની સંગઠનો દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનના કેસ સાથે સંકળાયેલા ઇન્દરપાલ સિંહ ગાબાની અપીલ દિલ્હી હાઇકોર્ટે નકારી કાઢી છે. ગાબાએ તેની ધરપકડ અને તેમની સામેના કેસને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો.
યુકેના હૌન્સલોના વતની એવા ઇન્દરપાલ સિંહ ગાબાની 25 એપ્રિલ 2024ના રોજ ભારતના પંજાબની અટ્ટારી સરહદેથી ભારતમાં પ્રવેશ કરતા સમયે ભારતની તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ધરપકડ કરાઇ હતી. એનઆઇએ દ્વારા ગાબા સામે યુએપીએ સહિતના અન્ય કાયદાઓ અંતર્ગત કેસ નોંધાયો છે. ગાબાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી કે મને મારી સામે નોંધાયેલી એફઆઇઆર આપવામાં આવતી નથી તેથી મારી ધરપકડ ગેરકાયદેસર છે.
19 માર્ચ 2023ના રોજ લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતેના ખાલિસ્તાનીઓના હિંસક દેખાવોમાં ગાબા પણ સામેલ હતો. તે અન્યો સાથે મળીને ભારત વિરોધી નારા લગાવી રહ્યો હતો. ગયા વર્ષે એનઆઇએ દ્વારા ગાબા સામે લૂક આઉટ નોટિસ જારી કરાઇ હતી. અટ્ટારી ખાતેના ઇમિગ્રેશન અધિકારીઓએ ગાબાની અટકાયત કરીને પાસપોર્ટ જપ્ત કરી એનઆઇએને સોંપી દીધો હતો.