ભારતીયો માટે ટ્રાન્ઝિટ વિઝા વિના EU એરલાઈનમાં યુકેનો પ્રવાસ મુશ્કેલ

Wednesday 20th April 2022 02:56 EDT
 

નવીદિલ્હી, લંડનઃ કોરોના નિયંત્રણો હળવાં થવાં સાથે જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનાં નિયમિત ઉડ્ડયનો શરૂ કરી દેવાયાં છે. જોકે, બ્રિટન જઈ રહેલા ભારતીય પ્રવાસીઓ માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. યુરોપિયન યુનિયનની એર ફ્રાન્સ, લુફ્થાન્સા અને કેએલમ જેવી એરલાઈન્સ બ્રિટન જવા માટે ટ્રાન્ઝિટ કે નિયમિત વિઝા નહિ ધરાવતા ભારતીય પ્રવાસીઓને ફ્લાઇટમાં ચઢવા દેવાનો ઈનકાર કરે છે.

ઈયુમાંથી યુકેના બહાર નીકળવાની બ્રેક્ઝિટ પછીની આ અસર છે. ઈયુ દેશોની એર ફ્રાન્સ, લુફ્થાન્સા અને કેએલમ જેવી એરલાઈન્સ તેમની ટ્રાન્ઝિટ ફ્લાઇટની મદદથી બ્રિટન જવા ઇચ્છતા પ્રવાસી પાસે ટ્રાન્ઝિટ વિઝાનો આગ્રહ રાખીને બ્રિટનને દંડિત કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે સ્વિટ્ઝર્લેન્ડ યુરોપિયન યુનિયનનો હિસ્સો નથી અને તેણે પોતાની સ્વિસ એરલાઇનને ઈયુના આ નવા નિયમથી બાકાત રાખી છે. આના પરિણામે, ભારતથી વન સ્ટોપ ફ્લાઇટની મદદથી બ્રિટન પહોંચવા માંગતા પ્રવાસી અખાતી દેશોમાંથી પસાર થઈને અથવા સ્વિટ્ઝર્લેન્ડ ટ્રાન્ઝિટ વિઝા વિના બ્રિટન સુધીનો પ્રવાસ ખેડી શકે છે. બીજો વિકલ્પ એર ઇન્ડિયા, વિસ્તારા, બ્રિટિશ એરવેઝ અને વર્જિન એટલાન્ટિસની નોન- સ્ટોપ ફ્લાઇટ રહે છે.

યુરોપિયન યુનિયનની એરલાઇન્સ સત્તાવાળાના જણાવ્યા અનુસાર મહામારી દરમિયાન 1 જાન્યુઆરી, 2021થી જ નવો નિયમ અમલી બનાવાયો હતો. જોકે, તે સમયે ભારત આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી માટે કડક શરતો સાથેની બબલ સિસ્ટમ સાથે સંકળાયેલું હતું. બબલ સિસ્ટમ એક દેશથી બીજા દેશના એક પોઇન્ટ સુધીના પ્રવાસ માટે બની હતી. આ સમયે બ્રિટન સુધીનો પ્રવાસ મોટા ભાગે ડાયરેક્ટ ફ્લાઇટ મારફત જ અથવા તો અખાતી દેશો થઈને જ થતો હતો. અખાતી દેશોની એરલાઇન્સ દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે નોન-ટ્રાન્ઝિટ નિયમનો કડકપણે અમલ કરાતો ન હતો. પરંતુ હવે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થતાં બદલાયેલા નિયમથી અજાણ અને લુફ્થાન્સા, એર ફ્રાન્સ કે કેએલએમ એરલાઇન જેવી યુરોપીય એરલાઇનમાં બુકિંગ કરાવી ચૂકેલા કેટલાક પ્રવાસીઓને ભારતમાં જ ફ્લાઇટમાં ચઢતાં અટકાવાઈ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter