લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીમાં રિશી સુનાકના અનુગામીની પસંદગીની સ્પર્ધા રોમાંચક બની રહી છે ત્યારે હાલમાં યોજાયલી પાર્ટીની કોન્ફરન્સમાં ઇમિગ્રેશનનો મુદ્દો કેન્દ્રવર્તી બનીને ઉભરી રહ્યો છે. પાર્ટીના નેતૃત્વમાં અગ્રેસર રહેલા બે ઉમેદવાર, પૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિક અને શેડો હાઉસિંગ સેક્રેટરી કેમી બેડનોકે ભારતીયોને જારી કરાતા વિઝાને નિશાના પર લીધાં છે. બંને નેતાએ ગેરકાયદેસર માઇગ્રેશન અને કલ્ચરલ ઇન્ટિગ્રેશન પર વધી રહેલી ચિંતાઓ મુદ્દે આકરી ઇમિગ્રેશન નીતિઓ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
ટોરી નેતૃત્વની રેસમાં અગ્રીમ રહેલા રોબર્ટ જેનરિકે માગ કરી છે કે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને પરત લેવાનો ઇનકાર કરતા ભારત અને અન્ય દેશોના નાગરિકોને વિઝા પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. પૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટરે એક વર્ષમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનેને દેશમાંથી દૂર કરવામાં પાંચ ગણો વધારો કરવા માટે પાંચ મુદ્દાની યોજના રજૂ કરી છે.
બર્મિંગહામમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સને સંબોધન કરતા જેનરિકે જણાવ્યું હતું કે, જે દેશો ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને પરત લેવામાં ઠાગાઠૈયા કરતા હોય તેમની સામે બ્રિટને કડક વલણ અપનાવવું જોઇએ. આ માટે જે તે દેશના નાગરિકોને યુકેમાં આવતા અટકાવવા તમામ પ્રકારના વિઝા રૂટ બંધ કરી દેવા જોઇએ.
ભારતનો ઉલ્લેખ કરતા જેનરિકે જણાવ્યું હતું કે, ગયા વર્ષે 2,50,000 ભારતીયોને યુકેના વિઝા અપાયા હતા. હાલ યુકેમાં એક લાખ જેટલા ભારતીય ગેરકાયદેસર રીતે રહેતા હોવાનો અંદાજ છે. તેમના દેશનિકાલ માટેની પ્રક્રિયા હજુ અટવાયેલી છે. સરકારે આપણી ઉદાર વિઝા નીતિનો ગેરલાભ લેતા દેશોના નાગરિકો પર વિઝા નિયંત્રણો લાદીને અટકાવવા જોઇએ. આ દેશોને અપાતી સહાય પર પણ નિયંત્રણ લાદવું જોઇએ. જે દેશ તેમના નાગરિકોને પરત લે તેમને જ વિદેશી સહાય ઉપલબ્ધ કરાવવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે યુકેમાં ગેરકાયદેસર વસતા ભારતીયોને દેશનિકાલ કરવા મુદ્દે મે 2021માં યુકે અને ભારત વચ્ચે એક કરાર કરાયો હતો. 2023માં યુકેમાંથી 22,807 ગેરકાયદેસર માઇગ્રન્ટને દેશનિકાલ કરાયાં હતાં જેમાં 3439 ભારતીયોનો સમાવેશ થતો હતો.
કેમી બેડનોકે પણ જેનરિકના પ્રસ્તાવોને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાંથી આવતા ઇમિગ્રન્ટ્સ પોતાની સાથે ત્યાંની સ્થાનિક સાંસ્કૃતિક સમસ્યાઓ પણ સાથે લઇને આવે છે. આ સમસ્યાઓને બ્રિટનમાં કોઇ સ્થાન નથી. બેડનોક સપ્ટેમ્બર 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ લેસ્ટરમાં થયેલા હિન્દુ-મુસ્લિમ રમખાણોનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં.