લંડનઃ રાજનીતિ અને કાઉન્સિલ વર્કને પોતાનું જીવન સમર્પિત કરનારા ભુપેન દવે લેસ્ટરના નવા લોર્ડ મેયર નિયુક્ત થયાં છે. રૂશે મિડ વોર્ડના કાઉન્સિલર એવા દવે મે 2025 સુધી લોર્ડ મેયર તરીકે કામગીરી કરશે. યુગાન્ડામાં જન્મેલા ભુપેન દવે આફ્રિકન દેશમાં સરમુખત્યાર ઇદી અમીન દ્વારા ભારતીયોને દેશનિકાલ કરાતાં 1970ના દાયકાના પ્રારંભે લેસ્ટરમાં આવીને સ્થાયી થયેલા ઘણા એશિયનો પૈકીના એક છે. બ્રિસ્ટોલ અને સાઉધમ્પ્ટન યુનિવર્સિટીઓમાં અભ્યાસ બાદ દવેએ લેસ્ટર સિટી કાઉન્સિલમાં સોશિયલ વર્કર તરીકે કામગીરી શરૂ કરી હતી. તેઓ કોમ્યુનિટી કેરના ડિરેક્ટર તરીકે પણ કામગીરી બજાવી ચૂક્યા છે.
ભુપેન દવે સૌથી પહેલાં 1983માં હાઇફિલ્ડ્સમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ત્યારબાદ તેઓ બેલગ્રેવ વોર્ડસમાંથી પણ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તેમણે સિટી કાઉન્સિલમાં ડેપ્યુટી લીડર તરીકે વર્ષો સુધી સેવાઓ આપી હતી. 2012થી 2019 વચ્ચે તેમણે ઓડબી એન્ડ વિગ્સટન બરો કાઉન્સિલમાં સ્થાનિક કાઉન્સિલર તરીકે સેવા આપી હતી.
ભુપેન દવે મે 2023માં લેસ્ટર સિટી કાઉન્સિલમાં ફરી એકવાર ચૂંટાઇ આવ્યા હતા. તેઓ પોતાને જનતાના વ્યક્તિ તરીકે ઓળખાવે છે. લેસ્ટરમાં ઘણા કોમ્યુનિટી અને બિઝનેસ પ્રોજેક્ટમાં તેમનું યોગદાન રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, લેસ્ટરના લોર્ડ મેયર તરીકે સેવા કરવાનું સન્માન મને પ્રાપ્ત થયું છે. મેં આજીવન સમુદાયો વચ્ચે ભાઇચારાને પ્રોત્સાહન આપ્યું છે અને દરેક સમુદાય સાથે સમાનતાથી વ્યવહાર કર્યો છે.
સલીમ ચૌધરી હેરોના પ્રથમ બાંગ્લાદેશી મેયર
કાઉન્સિલર સલીમ ચૌધરી હેરોના મેયરપદે ચૂંટાઇ આવ્યા છે. 16 મે ગુરુવારના રોજ તેમને સત્તાવાર હોદ્દો સોંપાયો હતો. પૂર્વ મેયર રામજી ચૌહાણે સલીમ ચૌધરીને મેયરલ રોબ અને ચેઇન સુપરત કર્યાં હતાં. સલીમ ચૌધરી હેરોના પ્રથમ બ્રિટિશ બાંગ્લાદેશી મેયર નિયુક્ત થયાં છે.
બ્રાઇટન એન્ડ હોવમાં પહેલીવાર સાઉથ એશિયન મુસ્લિમ મેયરપદે ચૂંટાયા
બ્રાઇટન એન્ડ હોવના મેયરપદે પહેલીવાર સાઉથ એશિયન મુસ્લિમ સમુદાયના મોહમ્મદ અસદુઝમાન ચૂંટાઇ આવ્યાં છે. શહેરના કાઉન્સિલરોએ અસદુઝમાનની મેયરપદે સર્વાનુમતે પસંદગી કરી હતી. પરંપરાગત રીતે ઘણા વર્ષોની સેવાઓ બાદ મેયર તરીકે ચૂંટાતા હોય છે પરંતુ 63 વર્ષીય અસદુઝમાન હજુ ગયા મે મહિનામાં જ સિટી કાઉન્સિલમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા.