ઇસ્તંબુલઃ આ બ્રિટિશ દાદીમાની ઉંમર છે ૭૩ વર્ષ, પણ તેમનો જુસ્સો જુવાનિયાઓને શરમાવે તેવો છે. રોઝી સ્વેલ પોપ નામના આ વૃદ્ધાં દોડતાં દોડતાં ઇંગ્લેન્ડથી નેપાળ જઇ રહ્યાં છે. તેઓ ચેરિટી રનના માધ્યમથી નેપાળના ભૂકંપગ્રસ્તોને મદદરૂપ થવા ઇચ્છે છે. આ લાંબી દોડ દરમિયાન એકત્ર થનાર ભંડોળમાંથી વિનાશક ભૂકંપનો ભોગ બનેલા પીડિતોને મદદ કરશે.
યુકેના બ્રાઇટનથી રવાના થયેલા રોઝીદાદી ૬૦૦૦ માઇલનું અંતર દોડીને નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચશે. ૨૦૧૫માં વિનાશક ભૂકંપે નેપાળને તબાહ કરી નાંખ્યું હતું. આ ભૂકંપમાં ૯૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. નાના-મોટા નગરો તબાહ થઇ ગયા હતા. હજારો મકાનો નાશ પામતા લાખો લોકો બેઘર બન્યા છે. કુદરતની ક્રૂર થપાટનો ભોગ બનેલું નેપાળ આજેય બેઠું થઇ શક્યું નથી.
તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં પહોંચેલા રોઝીએ જણાવ્યું કે તેમણે રન રોઝી રન કેમ્પેઇન હેઠળ ગયા વર્ષથી આ ચેરિટી દોડ શરૂ કરી છે. અત્યાર સુધીમાં તેઓ ૧૨ દેશ પાર કરી ચૂક્યાં છે. તેઓ દરરોજ આશરે ૨૦ કિલોમીટર દોડે છે અને લોકો પાસે મદદ માગે છે. તેઓ એક પટ્ટા વડે કમર પર ટ્રોલી બાંધીને દોડે છે. આ ટ્રોલીમાં તેમની જરૂરિયાતનો તમામ સામાન હોય છે.
ઉલ્લેખનીય છે કે રોઝીદાદીની આ કંઇ પહેલી ચેરિટી રન નથી. આ અગાઉ ૨૦૧૫માં તેઓ દોડતાં દોડતાં ન્યૂ યોર્કથી સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા હતા અને કેન્સરના દર્દીઓ માટે ભંડોળ એકત્ર કર્યું હતું. કેન્સરનો ભોગ બનેલા પતિની સ્મૃતિમાં આ દોડ યોજનાર રોઝી પોપનો તે સમયે મુખ્ય ઉદ્દેશ હતો કેન્સરની બીમારી પ્રત્યે જાગૃતિ આણવાનો.