બર્મિંગહામઃ વેસ્ટ મિડલેન્ડ્સના બર્મિંગહામ અને બ્લેક કન્ટ્રીમાં સોમવારની રાત્રે ૩.૨ની તીવ્રતાના ધરતીકંપે મકાનોને હલબલાવી નાખ્યા હતા અને સમગ્ર વેસ્ટ મિડલેન્ડ્સમાં ધ્રૂજારી અનુભવાઈ હતી. જોકે, કોઈ જાનહાનિ નોંધાઈ નથી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ધરતીકંપનું એપીસેન્ટર બર્મિંગહામથી ઉત્તર-પશ્ચિમ ત્રણ માઈલના અંતરે વોલસોલ નજીક હતું.
ધરતીકંપથી ચોંકેલા બર્મિંગહામ અને બ્લેક કન્ટ્રીના રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણ કરી હતી. વુલ્વરહેમ્પ્ટન, ડડલી અને વેડનસબરીના રહેવાસીઓએ પણ ધ્રૂજારી અનુભવ્યાની માહિતી મૂકી હતી. બ્રિટનમાં એક સપ્તાહમાં ત્રણ વાવાઝોડાં અને વરસાદ પછી આ ધરતીકંપના આંચકાએ લોકો માટે આફત ઉભી કરી છે.
લોકોના જણાવ્યા મુજબ, રાત્રિના ૧૦.૫૯ વાગ્યાના સુમારે વોરવિક, સટન, કોલ્ડફિલ, વિલેનહોલ, હેલ્સોવેન, રગલી, પૂલ, ટિપ્ટોન સહિત સમગ્ર વેસ્ટ મિડલેન્ડ્સમાં ધ્રૂજારી અનુભવાઈ હતી.
યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અને યુરોપિયન-મેડિટેરેરિયન સિસ્મોલોજિકલ સેન્ટર અનુસાર ધરતીકંપનું કેન્દ્ર ૧૦ કિલોમીટરની ઊંડાઈએ અને ૩.૨ની તીવ્રતા સાથે હતું. બ્રિટિશ જિયોલોજિકલ સર્વે (BGS) મુજબ સાત કિલોમીટર (૪.૩૫ માઈલ)ની ઊંડાઈ અને ૨.૮ની તીવ્રતાના ભૂકંપથી વોલસાલને સૌથી ખરાબ અસર પહોંચી હતી. લોકો પથારીમાં સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ નજીકમાં કોઈ વિસ્ફોટ થયો હોય તેમ મકાનો ધણધણી ઉઠ્યાં હતાં. લોકો તત્કાળ ઘરની બહાર દોડી આવ્યા હતા.