લંડનઃ બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશને દાવો કર્યો છે કે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની ભાણી અને બ્રિટિશ રાજકીય નેતા તુલિપ સિદ્દિકે ઢાકાના પુર્બાચલ ન્યૂ ટાઉન પ્રોજેક્ટમાં પોતાના અને પરિવાર માટે સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણી માટે પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. એજન્સીએ આરોપ મૂક્યો છે કે તુલિપે તેની બહેન માટે અલગ ફ્લેટ ટ્રાન્સફર કરવા બનાવટી નોટરીનો ઉપયોગ કર્યો હતો.
એન્ટી કરપ્શન કમિશન હવે તુલિપ સિદ્દિક સામેના આરોપો અદાલત સમક્ષ રજૂ કરશે. બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ તુલિપ સિદ્દિકને જાન્યુઆરી 2025માં સ્ટાર્મર સરકારના મંત્રીપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. તેમના પર આરોપ છે કે શેખ હસીનાની પાર્ટી અવામી લીગ સાથે સંકળાયેલી પ્રોપર્ટીમાંથી તુલિપને લાભ થયાં છે. જોકે તુલિપ તેમના પર મૂકાયેલા આરોપને ધરાર ફગાવતા રહ્યા છે.
કમિશને જણાવ્યું હતું કે, તેમણે તુલિપ સિદ્દિક સહિત શેખ હસીનાના પરિવારના સંખ્યાબંધ સભ્યો સામે આરોપ તૈયાર કરી લીધાં છે. શેખ હસીના અને તેમના પરિવારના સભ્યોએ નિયમો અને ફાળવણી પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને સરકારી જમીનો હાંસલ કરી હતી.