લંડનઃ છેલ્લા કેટલાક સપ્તાહોથી વધી રહેલા મોર્ગેજ દરો પર બ્રેક લાગી છે. 3 ધીરાણકર્તા કંપનીઓએ 100 કરતાં વધુ ડીલ પર મોર્ગેજ દરોમાં ઘટાડો કરતાં મકાન માલિકોને હવે સસ્તા મોર્ગેજ ઉપલબ્ધ બનશે. બાર્કલે, એચએસબીસી અને ટીએસબી ફિક્સ્ડ રેટ ડીલ્સમાં ઘટાડો કરી રહી છે જેના કારણે પરિવારોને વર્ષે સેંકડો પાઉન્ડની બચત થશે. બ્રોકરોના અંદાજ પ્રમાણે અન્ય લેન્ડરોને પણ મોર્ગેજ દરોમાં કાપ મૂકવાની ફરજ પડશે.
નાઇટ ફ્રેન્ક ફાઇનાન્સના હીના ધુપિયાએ જણાવ્યું હતું કે, એચએસબીસી ઘણી સસ્તી ડીલ ઓફર કરી રહી છે. અન્ય લેન્ડરો મોર્ગેજ દરોમાં કાપ ન મૂકે તો જ નવાઇ થશે. બાર્કલે દ્વારા પરચેઝ અને રિમોર્ગેજમાં ફિક્સ્ડ રેટમાં 0.45 ટકાનો ઘટાડો કરાયો છે. તેથી બે લાખ પાઉન્ડની 25 વર્ષની મુદતની લોન લેનારનો માસિક હપ્તો 1143 પાઉન્ડથી ઘટીને 1092 પાઉન્ડ થઇ જશે. એચએસબીસી 2,5 અને 10 વર્ષની ફિક્સ્ડ રેટ લોન માટેની 100 કરતાં વધુ ડીલ્સમાં વ્યાજદરોમાં ઘટાડો કરશે.
ગ્રોસરી પ્રાઇસ ઇન્ફ્લેશન 2.4 ટકા પર આવી ગયો
બ્રિટનમાં ખાદ્યપદાર્થોની કિંમતો સામાન્ય બની રહી છે. રિસર્ચ ફર્મ કાંતારના જણાવ્યા અનુસાર ગ્રોસરી પ્રાઇસ ઇન્ફ્લેશન ઓક્ટોબર 2021 પછીની સૌથી નીચી સપાટી 2.4 ટકા પર આવી ગયો છે. ફુગાવાના સત્તાવાર આંકડા બુધવારે જાહેર કરાશે, ભાવવધારામાં ઘટાડો થતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દજ્વારા વ્યાજદરમાં કાપ મૂકવાની અપેક્ષાઓ વધી રહી છે.