લંડનઃ આપણે કહેવત તો સાંભળી જ છે કે મન હોય તો માળવે જવાય. આવી જ રીતે કહી શકાય કે લગન હોય તો 95 વર્ષેય ગ્રેજ્યુએટ થવાય. જો તમારા ઇરાદા મજબૂત હોય તો તેમાં ઉંમરનો કોઈ અવરોધ આવતો નથી. સરેના વેબ્રિજના 95 વર્ષીય નિવાસી ડેવિડ માર્જોટ આનું જીવંત ઉદાહરણ છે જેમણે કિંગ્સ્ટન યુનિવર્સિટીના સૌથી વયોવૃદ્ધ ગ્રેજ્યુએટ હોવાનું સન્માન પ્રાપ્ત કર્યું છે. આમ તો, તેઓ અગાઉ ગ્રેજ્યુએટ થયેલા જ છે. નિવૃત સાઈકીઆટ્રિસ્ટ માર્જોટે હાલમાં જ મોર્ડન યુરોપિયન ફિલોસોફી વિષયમાં MAની ડીગ્રી પ્રાપ્ત કરી છે. એટલું જ નહિ, હવે તેઓ સાઈકીઆટ્રી વિશે બુક લખવા પણ માગે છે અને પાર્ટટાઈમ ડોક્ટરેટ કરવા ઈચ્છે છે જે પૂર્ણ થશે ત્યારે તેમની વય 102 વર્ષની હશે.
રસપ્રદ હકીકત એ છે કે ડેવિડ માર્જોટે ડોક્ટરની ડીગ્રી હાંસલ કર્યાના 72 વર્ષ પછી ફીલોસોફીમાં આ નવો અભ્યાસ પૂરો કર્યો છે. એક સમયે રોયલ નેવી અને NHS માં કાર્યરત ડો. ડેવિડ માર્જોટે 1952માં મેડિસીનની ડીગ્રી મેળવી હતી. ગત થોડાં વર્ષોમાં યુકેમાં સાઈકોથેરાપી ઈન્ડસ્ટ્રીમાં આવેલાં પરિવર્તનોએ ડો. માર્જોટને ફિલોસોફીને બરાબર સમજવા અને આધુનિક બિઝનેસમાં કેવી રીતે લાગુ કરી શકાય તેનો વિચાર આવવાથી તેમણે પુનઃ અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.
ડો. માર્જોટ પોતાનો અનુભવ શેર કરતા કહે છે કે તેમની પાસે સમય ઓછો હોવાની જાણ હતી ત્યારે તેમણે કિંગ્સ્ટન યુનિવર્સિટીના એવા કોર્સની જાહેરાત જોઈ ત્યારે તેમણે અરજી કરવાનો નિર્ણય કર્યો હતો. કિંગ્સ્ટન યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓની પણ સારી મદદ મળી હતી. તેઓ કહે છે કે, ‘મારી યાદશક્તિ પણ પહેલા જેવી ન હતી પરંતુ, હું ભાગ્યશાળી હતો કે મને સારા વિશ્વસ્તરીય શિક્ષકો મળ્યા અને આ ઘણો સકારાત્મક અનુભવ રહ્યો હતો. મને લાગે છે કે વય વધવા છતાં, પોતાને પડકાર આપતા રહેવાનું હંમેશાં મહત્ત્વપૂર્ણ છે.’
અભ્યાસથી દાયકાઓ દૂર રહ્યા પછી અને 30 વર્ષ પેન્શન લીધા પછી અભ્યાસમાં પુનઃ પ્રવેશ લેનારા ડો. માર્જોટ લોકોને સલાહ આપતા કહે છે કે, ‘આ થોડા ઘણા અંશે જુગાર જ છે પરંતુ, જો તમને રુચિ હોય તો અવશ્ય રમી લેજો. નવું શીખવાની કોઈ ઉંમર હોતી નથી.’ તેઓ પોતાના પુત્ર અને જમાઈ સાથે કિંગ્સ્ટન યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પાસેથી ડીગ્રીનું સર્ટિફિકેટ લેવા ગયા ત્યારે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાયા હતા.
યુકેના સૌથી વયોવૃદ્ધ ગ્રેજ્યુએટ્સમાં એક
જ્યારે ડો. માર્જોટ રિટાયરમેન્ટમાં પ્રવેશ્યા હતા ત્યારે તેમના મોટા ભાગના સાથી વિદ્યાર્થીઓનો જન્મ પણ થયો ન હતો. કિંગ્સ્ટન યુનિવર્સિટીએ આપેલી માહિતીમાં જણાવાયું હતું કે 65 વર્ષના લગ્નજીવન પછી ડો. માર્જોટની પત્નીનું કોવિડ મહામારીમાં અવસાન થયું હતુ અને પોતાના દિમાગને વ્યસ્ત રાખવા માટે આ કોર્સ તેમના માટે મહત્ત્વપૂર્ણ હતો. તેઓ 95 વર્ષની વયે યુકેના સૌથી વયોવૃદ્ધ ગ્રેજ્યુએટ્સમાં એક છે. જોકે, 2021માં 96 વર્ષની વયે બ્રાઈટન યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલા નિવૃત્ત સોલિસિટર આર્ચી વ્હાઈટ વર્તમાન રેકોર્ડ હોલ્ડર છે.