લંડનઃ 12 જૂનના બુધવારે યોજાયેલી એક ટેલિવિઝન ઇવેન્ટમાં મતદારોએ વડાપ્રધાન રિશી સુનાક અને લેબર નેતા કેર સ્ટાર્મરને તેમના ભૂતકાળના નિર્ણયો પર ઘેર્યાં હતાં. મતદારોએ ડેન્ટિસ્ટ એપોઇન્ટમેન્ટ, એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ અને ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સના મુદ્દે વડાપ્રધાન સુનાકને આકરા સવાલો કર્યાં હતાં જયારે સ્ટાર્મર પર સવાલોની અવગણનાનો આરોપ મૂક્યો હતો.
વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, હું જાણું છું કે આપણે કપરા સમયમાંથી પસાર થયાં છીએ. પરંતુ આપણે તેમાંથી બહાર પણ આવી રહ્યાં છીએ. અમારી પાસે ભવિષ્યની નિશ્ચિત યોજના છે. હું મતદાન યોજાય ત્યાં સુધી મારી લડાઇ જારી રાખીશ.
લેબર નેતા કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, 2019માં અમે આપેલા વચનો મુદ્દે મેં મારા વલણમાં બદલાવ કર્યો છે. મને લાગે છે કે અમારી પાર્ટીએ હંમેશા દેશને પ્રથમ સ્થાન પર મૂકવો જોઇએ.
સાંસદ તરીકે પાંચ વર્ષ કામગીરી કરવા પ્રતિબદ્ધ છુઃ સુનાક
વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, સંસદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો પરાજય થશે તો પણ હું પાંચ વર્ષની સંપુર્ણ મુદત માટે સાંસદ તરીકે કામ કરવા પ્રતિબદ્ધ છું. ઇટાલીમાં પુગ્લિયા ખાતે પત્રકારો સાથે વાત કરતાં સુનાકે જણાવ્યું હતું કે, 4 જુલાઇએ ગમે તે પરિણામ આવે પરંતુ હું સંસદની સંપુર્ણ મુદત માટે કામ કરવાનો ઇરાદો રાખું છું. હું વિપક્ષના સાંસદ તરીકે કામ કરવા પણ તૈયાર છું