લંડનઃ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર મધ્ય-વયના લોકોમાં ઘૂંટણના નુકસાન માટે કસરત પણ સર્જરીની જેટલી જ અસરકારક હોવાનું જણાવાયું છે. અભ્યાસના તારણો કહે છે કે વર્ષે હજારો લોકો બિનજરૂરી ઓપરેશન્સમાંથી પસાર થાય છે. સંશોધકોએ અવસ્થાના કારણે સ્નાયુઓના ઘસારાથી ઘૂંટણમાં પીડા અનુભવતા પ્રૌઢ પેશન્ટ્સ માટે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કસરત થેરાપીના વિકલ્પની હિમાયત કરી છે.
સંશોધકોએ ડેનમાર્ક અને નોર્વેની હોસ્પિટલોમાં ૧૪૦ પેશન્ટનો બે વર્ષ માટે અભ્યાસ કર્યો હતો. અડધા પેશન્ટે ૧૨ સપ્તાહની કસરત થેરાપી લીધી હતી, જેમાં સપ્તાહમાં કસરતના બે-ત્રણ સેશન લેવાયાં હતાં. જનરલ એનેસ્થેટિક્સ હેઠળ સર્જરી કરાવનારા અડધા પેશન્ટને ઘરમાં સાદી કસરત કરાવાઈ હતી. તેમને તપાસમાં જણાયું હતું કે સર્જરીના બદલે જે પેશન્ટોએ કસરત થેરાપીનો લાભ લીધો હતો, તેમનામાં સાથળના સ્નાયુની તાકાત, પીડાનું પ્રમાણ, સ્પોર્ટ્સ અને આનંદપ્રમોદમાં કામગીરી અને ઘૂંટણની કામગીરી આર્થ્રોસ્કોપિક ની (Knee) સર્જરી કરાવનાર પેશન્ટના જેટલી જ હતી. ત્રણ મહિના કસરત થેરાપી લેનારાના સ્નાયુઓની તાકાત વધુ સારી હતી.
બ્રિટનમાં ની આર્થ્રોસ્કોપી થેરાપી ઘૂંટણની સર્જરીનો સૌથી સામાન્ય પ્રકાર છે. આ થેરાપીમાં કેમેરા દૂરબીન સાથે ધાતુની પાતળી ટ્યુબ ઘૂંટણના સાંધામાં દાખલ કરવામાં આવે છે. સંશોધને તેના બહોળા ઉપયોગ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. અભ્યાસે કહ્યું છે કે અવસ્થાજન્ય સ્નાયુ ઘસારામાં તથા ઓસ્ટિઓઆર્થ્રાઈટિસ ન હોય તેવાં દર્દીઓમાં કસરત થેરાપીની સલાહ અપાવી જોઈએ.