લંડન: આપણે બાળપણથી સાંભળીએ છીએ કે વૃક્ષ-છોડમાં જીવન હોય છે અને તેને પણ દર્દ થાય છે, પરંતુ પ્રથમવાર વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે મશરૂમ તો એકબીજા સાથે વાતચીત પણ કરે છે. અને તેની ડિક્શનરીમાં ૫૦ શબ્દ પણ છે. નિષ્ણાતો કહે છે કે તેઓ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ (વીજતરંગો)ના માધ્યમથી બે વ્યક્તિની માફક વાતચીત કરે છે. ક્યારેક પોતાનો ઉલ્લાસ તો ક્યારેક દર્દને પણ અરસપરસ વ્યક્ત કરે છે.
યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડના પ્રોફેસર એન્ડ્રયૂ એડમેટ્ઝકીએ આ સંશોધન હાથ ધર્યું હતું. ઇલેક્ટ્રિક એક્ટિવિટી પેટર્નનું વિશ્લેષણ કરીને રિસર્ચનું આ તારણ નીકળ્યું છે. એન્ડ્રયૂનો દાવો છે કે, ફૂગમાં મગજ અને ચેતના બંને હોય છે. ૫૦ શબ્દનો શબ્દકોશ હોવા છતાં તે ૧૫-૨૦ શબ્દોનો જ ઉપયોગ વધુ કરે છે. તેમના કહેવા પ્રમાણે, મશરૂમના વીજ તરંગો માનવીની ભાષા જેવા હોય છે અને તેની પાસે ડઝનેક શબ્દોનો ભંડાર છે. અભ્યાસમાં કહેવાયું છે કે મશરૂમ પરસ્પર મોસમ અને ભાવિ ખતરાને લગતી જાણકારીનું પણ આદાનપ્રદાન કરે છે.
રોયલ સોસાયટી ઓપન સાયન્સમાં છપાયેલા રિસર્ચમાં પ્રોફેસર એન્ડ્રયૂએ કહ્યું હતું કે, ફૂગની સ્પાઇકિંગ પેટર્ન અને વ્યક્તિની ભાષા વચ્ચે કોઇ સંબંધ છે કે નહીં, તે અંગે તો વધુ જાણકારી નથી, પરંતુ ફૂગ પરસ્પર વાતચીત કરી શકે છે.