લંડનઃ સેવાભાવી અને કર્મઠ તેમજ બહુમુખી પ્રતિભા ધરાવતા માણેક અરદેશિર સોહરાબ દલાલ OBEનું લંડનની હોસ્પિટલમાં સોમવાર છઠ્ઠી માર્ચના દિવસે ૯૮ વર્ષની પાકટ વયે નિધન થયું હતું. તેઓ પોતાની પાછળ પત્ની કે અને પુત્રીઓ સુઝી અને કેરોલિનને વિલાપ કરતા છોડી ગયા છે. બ્રિટનમાં એર ઈન્ડિયાની સ્થાપના અને ભારતીય વિદ્યા ભવનના ચેરમેન તરીકે તેમની કામગીરી નોંધપાત્ર હતી. તેઓ ઈન્ડસ્ટ્રી અને સમગ્ર કોમ્યુનિટીમાં પોતાની અમીટ છાપ છોડી ગયા છે.
માણેક અરદેશિર સોહરાબ દલાલનો જન્મ પારસી પરિવારમાં ૧૪ ડિસેમ્બર ૧૯૧૮ના દિવસે થયો હતો. તેમણે ૧૯૪૬માં નવી દિલ્હીમાં ટાટા એરલાઈન્સના મેનેજર તરીકે કામગીરી આરંભી હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ટ્રિનિટી હોલમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવાન માણેક દલાલને ઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ ખુદ ૧૯૪૮માં લંડનમાં એર ઈન્ડિયાની ઓફિસ સ્થાપવા માટે પસંદ કર્યા હતા. એર ઈન્ડિયાની સફળતાના અગ્ર શિલ્પીઓમાં તેમની ગણતરી થાય છે. તેમને ૧૯૫૯માં એર ઈન્ડિયાના રીજિયોનલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ અપાઈ હતી અને ૧૯૭૭ સુધી આ કામગીરી સંભાળી હતી.
માણેક દલાલે ટાટા ગ્રૂપમાં અનેક ચાવીરુપ હોદ્દાઓ શોભાવ્યા હતા. તેઓ ૧૯૭૭થી ૧૯૮૮ સુધી ટાટા લિમિટેડ, લંડનના મેનેજિંગ ડિરેક્ટર, ૧૯૮૮થી ૧૯૮૯ તેના વાઈસ ચેરમેન રહ્યા હતા. તેમણે ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના બોર્ડમાં પણ સેવા આપી હતી.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલે દિવંગત માણેક દલાલને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, ‘માણેક દલાલ તેમના સાથીઓ અને સંપર્કમાં આવનારા બધા લોકો સાથે માનવીય અને સહૃદયી વ્યવહાર માટે જાણીતા હતા. તેમના હૃદયની વિશાળતા દર્શાવતી અનેક વાતો આજે પણ સાંભળવા મળે છે. તેઓ ટાટા ગ્રૂપ ઉપરાંત, ભારતીય વિદ્યા ભવન સાથે ૪૦ વર્ષ સુધી સંકળાયેલા રહ્યા હતા. કોમ્યુનિટી સેવા માટે તેમને ૨૦૧૦માં એશિયન એચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને આ એવોર્ડ અર્પણ કરવા બદલ ABPL ગ્રૂપને ગૌરવની લાગણી થઈ હતી.’
ભારતીય વિદ્યા ભવનના અગ્રણી ડો. નંદ કુમારે સંસ્થાના પૂર્વ ચેરમેનને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, ‘માણેક દલાલ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સીનિયર મેનેજમેન્ટના ક્ષેત્રે તેમના જ્ઞાન અને અનુભવની કોઈ સીમા ન હતી. તેમણે ભવનનું ચેરમેનપદ માત્ર એક વર્ષ સંભાળવાની સંમતિ માથુરજી (માથુર કૃષ્ણામૂર્તિ) ને આપી હતી પરંતુ, લગભગ ૪૦ વર્ષ તેમણે સંસ્થાની સેવામાં આપી દીધા હતા. ભારતીય હાઈ કમિશન અને ભારતીય YMCA સાથે પણ દલાલજીનો સંબંધ જાણીતો હતો. તેમનામાં અદ્ભૂત રમૂજવૃત્તિ હતી અને તેમના સંપર્કમાં આવનારા તમામ લોકો પર તેમની છાપ કાયમ થઈ જતી હતી. બધાને તેમની ખોટ અવશ્ય સાલશે.’