લંડનઃ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને નીસડન મંદિરના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ શનિવાર, ૧૩ ઓગસ્ટની સાંજે ગુજરાતના સાળંગપુર મંદિરસ્થાને ૯૫ વર્ષની વયે અક્ષરનિવાસી થતાં હરિભક્તોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી. તેઓ ભગવાન સ્વામીનારાયણની ગુરુ પરંપરામાં પાંચમા આધ્યાત્મિક વારસદાર હતા. સમગ્ર વિશ્વમાં BAPS મંદિરોમાં તેમના સ્મરણમાં પ્રાર્થના અને હરિધૂન કરવામાં આવી હતી.
બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેએ સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુ પ્રમુખ સ્વામીના નિધન અંગે બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટી પ્રતિ શોકસંવેદના વ્યક્ત કરી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે, ‘પ્રમુખ સ્વામી મહારાજે તેમના શક્તિશાળી સિદ્ધાંત ‘અન્યના કલ્યાણમાં જ આપણુ કલ્યાણ’ થકી લાખો લોકોને પ્રેરણા આપી હતી. નિઃસ્વાર્થ સેવાનો તેમનો વારસો માનવજાતને લાંબા સમય સુધી લાભાન્વિત કરતો રહેશે. ઈન્ટરનેશનલ વિમેન્ડ ડેએ BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં હોમ સેક્રેટરી તરીકે માર્ચ ૨૦૧૩માં નીસડન મંદિરની મુલાકાત મને યાદ છે. પ્રમુખ સ્વામી મહારાજ યુનાઈટેડ કિંગ્ડમને વિશ્વની સૌથી સફળ બહુસાંસ્કૃતિક અને બહુધાર્મિક લોકશાહીઓમાં એક તરીકે સ્થાપિત કરવામાં બ્રિટિશ હિન્દુઓના મૂલ્યોએ જે મદદ કરી છે તેનું મૂર્તિમંત સ્વરુપ હતા.’
એશિયન મૂળના સાંસદ કિથ વાઝે સ્વામીનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજ અક્ષરનિવાસી થવા અંગે શોકસંદેશામાં જણાવ્યું હતું કે,‘આપણા આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજ આ વિશ્વમાંથી પ્રયાણ કરી ગયાના સમાચારથી મને ભારે દુઃખ થયું છે. યુકે, ભારત અને સમગ્ર વિશ્વમાં હિન્દુ સમુદાય અને ખાસ કરીને સ્વામીનારાયણ સંપ્રદાયના ભાવિકો પ્રતિ હૃદયપૂર્વક મારી શોકસંવેદના વ્યક્ત કરું છું. તેઓ વિલક્ષણ વ્યક્તિ હતા અને તમામ ક્ષેત્રના લોકોને તેમની ખોટ ભારે સાલશે.
તેઓ નીસડનમાં જૂના મંદિરની મુલાકાત માટે હીથ્રો એરપોર્ટ આવી પહોંચ્યા ત્યારે તેમની સાથે પ્રથમ મુલાકાત મને યાદ યાદ છે. સમગ્ર વિશ્વમાં નિર્માર્ણ કરાયેલાં મંદિરોમાં તેમની પ્રેરણા આપણને જોવાં મળે છે. લગભગ ૨૫ વર્ષ અગાઉ મારી અક્ષરધામની મુલાકાત યાદ આવે છે અને મંદિરનું જે રીતે નિર્માણ થયું છે તેનાથી આજે પણ હું આશ્ચર્યચકિત છું.
લેસ્ટરમાં જૂના મંદિરમાં તેમના ખોળામાં મારા નવજાત બાળક લ્યુકને બેસાડ્યો હતો તે દિવસ પણ મને યાદ છે. તેમનું સ્મિત મનમોહક હતું. આપણા માટે તેમનો પ્રેમ અગાધ હતો. તેઓ મહાન હતા અને તેઓ સદાકાળ આપણા હૃદયમાં વસતા રહેશે.
જય સ્વામીનારાયણ’
લોર્ડ ડોલર પોપટે શોકસંદેશામાં જણાવ્યું હતું કે,‘આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજના નિધનના સમાચારથી મને ભારે દુઃખ થયું છે. તેઓ મહાન સંત અને વિદ્વાન હતા, જેમણે આધ્યાત્મિકતા અર્થે પોતાનું જીવન વીતાવ્યું હતું અને વિશ્વભરના હિન્દુઓ માટે તેઓ અમૂલ્ય વારસો મૂકતા ગયા છે.
તેઓ માત્ર ૨૮ વર્ષની કુમળી વયે મે ૧૯૫૦માં પ્રમુખપદે નિયુક્ત કરાયા હતા અને તેમના વડપણ હેઠળ દસ લાખ કરતા વધુ અનુયાયીઓ સાથે BAPS વિશ્વપ્રસિદ્ધ સંસ્થા બની શકી છે. તેમણે આપણને વધુ સારા માનવી બનવા, આપણા પડોશીને પ્રેમ કરવા અને કલ્યાણ માટેનું બળ બની રહેવા સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યા છે.
સમગ્ર હિન્દુ કોમ્યુનિટી માટે આ મોટી ખોટ અવશ્ય છે, પરંતુ તેમના ગુણગાન ગાવા, યુરોપના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર-નીસડન ટેમ્પલના નિર્માણ સહિત તેમના વારસાને સલામી આપવી અને તેમણે કરેલા તમામ મહાન કાર્યો બદલ તેમના પ્રતિ આભાર વ્યક્ત કરવાની તક પણ છે. તેઓ અતિ દુર્લભ વ્યક્તિત્વ, આપણી વચ્ચે રહેલા મહાન સંત હતા.
સાંસદ પ્રીતિબહેન પટેલે શોકસંદેશામાં જણાવ્યું હતું કે,‘પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તેમનું સમગ્ર જીવન અન્યોના કલ્યાણ, તથા પ્રેમ, શાંતિ, સુમેળ, સત્યપ્રિયતા, ઈશ્વરમાં શ્રદ્ધાના સંવર્ધન અને કોમ્યુનિટીની સેવામાં સમર્પિત કર્યું હતું. માનવજાત પ્રતિ તેમની કરુણા અને સમસ્યાઓને નાબૂદ કરવાના સભાન પ્રયાસોએ સમગ્ર વિશ્વના કરોડો લોકોને મહાન પ્રેરણા પૂરી પાડી છે. વિશ્વના અનેક ધાર્મિક અને રાષ્ટ્રીય નેતાઓને તેમની વિનમ્રતા, ડહાપણ અને આધ્યાત્મિકતા સ્પર્શી ગઈ છે અને હિન્દુ સિદ્ધાંતોથી માર્ગદર્શિત જીવન ગાળવા લાખો લોકોને પ્રેરણા સાંપડી છે. પ્રમુખ સ્વામી મહારાજ હિન્દુત્વના મહાન આધ્યાત્મિક ગુરુવર્યોમાં એક તરીકે સન્માનિત છે. તેઓ જીવંત કરુણામૂર્તિ હતા અને આપણે તેમને તેમના ડહાપણ, જ્ઞાન અને માનવદર્શન માટે સદાકાળ યાદ કરતા રહીશું. પ્રમુખ સ્વામી મહારાજના અંગત આશીર્વાદ પ્રાપ્ત કરવાની મહિમાનો અનુભવ મેળવ્યો છે તેવા આપણે તમામ આપણા શ્રદ્ધેય ગુરુજીના અક્ષરનિવાસથી શોકસંતપ્ત જ રહીશું.’
લોર્ડ કરન બિલિમોરિયા CBE DLએ ગુરુવર્ય પ્રમુખ સ્વામી મહારાજના નિધનના દુઃખદ સમાચારથી શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,‘નાના પરિવારમાંથી આવતા પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામીનારાયણની ગુરુ પરંપરામાં પાંચમા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામીનારાયણ સંસ્થાનના વડાપદે પહોંચ્યા હતા. પોતાના ધર્મમાં આસ્થા તેમને મળનારા તમામ માટે પ્રેરણારુપ હતી. તેમના માનવતાવાદી અને આંતરધર્મીય કાર્યો માત્ર હિન્દુઓ જ નહિ, વિશ્વના તમામ ધર્મોના લોકોને સ્પર્શતા હતા. પ્રમુખ સ્વામીજી જ્યાં જાય ત્યાં આનંદ પ્રસરાવનાર મહાનુભાવ તરીકે યાદ રહેશે. તેમની પ્રેરણા શાશ્વત રહેશે અને તેમના કાર્યો કદી ભુલાશે નહિ.
લોર્ડ ભીખુ પારેખે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ વિલક્ષણ વ્યક્તિ હતા. હું આશરે ૨૦ વર્ષ પહેલા તેમને સૌપ્રથમ વખત મળ્યો ત્યારે તેમના શાંત ગૌરવ અને પવિત્ર હાજરીથી હું અભિભૂત થઈ ગયો હતો. તેમણે અતિ કુશળતા શાણપણ અને લોકો તેમની પાસે શું અપેક્ષિત છે તે સમજી જાય તેવી ચોક્સાઈ સાથે તેમણે BAPS સ્વામિનારાયણ સંસ્થાનું માર્ગદર્શન કર્યું હતું. તેમણે પોતાના પુરોગામીઓ કરતાં ઘણા વધુ મંદિરોનું નિર્માણ કર્યું અને તેઓ માત્ર ધાર્મિક સ્થળો બની ન રહે પરંતુ સાંસ્કૃતિક પ્રવૃત્તિના ચેતનવંતા કેન્દ્રો બને તેની પણ ચોક્સાઈ રાખી હતી. કચ્છ અને ભુજમાં ધરતીકંપ પછી લોકોના પુર્નવસન બાબતે આપણે જોયું તેમ તેમણે ભારે પ્રતિબદ્ધતા અને સમર્પણની ભાવના લોકોમાં ઉત્પન્ન કરી હતી.
તેઓ વિશાળ હૃદયી હતા અને ધાર્મિક સહિષ્ણુતાની હિમાયત કરતા હતા. નિસ્ડનમાં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરમાં એક મુસ્લિમ સ્વ. લોર્ડ ગુલામ નૂન સાથે અડધો ડઝન મૂળ સલાહકારોમાં મારો સમાવેશ કરાયો ત્યારે મને જરા પણ આશ્ચર્ય થયું નહોતું. પ્રમુખસ્વામીજીએ યુવાન નેતાઓની સમગ્ર પેઢીને તાલીમ આપી હતી. આપણને તેમની ખોટ સાલશે. હું સન્માન અને શ્રદ્ધા સાથે તેમની સ્મૃતિને સલામી આપું છું.
વિશ્વ હિન્દુ પરિષદ (યુકે)એ શોકસંદેશામાં જણાવ્યું હતું કે,‘પરમ પૂજ્ય બ્રહ્મલીન સ્વામીબાપાને અમારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. ભક્તિ, અનાસક્તિ, જીવદયા અને આત્મસમર્પણને આવરી લેતા આધ્યાત્મિક જીવનના દિવ્ય ધ્યેય સાથે આ મૃત્યુલોકમાં તેમનું આગમન થયું હતું. આ દિવ્ય ધ્યેય પરિપૂર્ણ કર્યા પછી તેઓ હવે સ્વધામ પરત થયા છે. તેમના થકી સમગ્ર માનવજાતને પ્રાપ્ત આધ્યાત્મિક વારસો જ્ઞાનોદયનો અવિનાશી સ્રોત બની રહે તેવી જ આશા. બ્રહ્મલીન સ્વામીબાપા અને તેમના તમામ ભક્તજનોને અમારા નમ્ર પાયલાગણ અને વંદન.