લંડનઃ આશરે દસ લાખ બ્રિટિશ મહિલાઓ મેનોપોઝ એટલે કે રજોનિવૃત્તિની અસરોનો સામનો કરવા હોર્મોન રીપ્લેસમેન્ટ થેરાપી (HRT) ઉપયોગમાં લે છે પરંતુ, કેલિફોર્નિયાના સેડાર્સ-સિનાઈ મેડિકલ સેન્ટરના સંશોધકો માને છે કે HRT હૃદયરોગ સામે રક્ષણ આપે છે અને તેથી આયુષ્યવર્ધક બની શકે છે. આશરે ૪,૨૦૦ સ્ત્રીઓ પરના અભ્યાસથી તેઓ આ તારણ પર પહોંચ્યા હતા.
સંશોધકો માને છે કે એસમટ્રોજેન હોર્મોન મુખ્ય ધમનીઓમાં બ્લોકિંગને અટકાવે છે. મેનોપોઝની અસરોનો સામનો કરવા માટે લેવાતી હોર્મોન રીપ્લેસમેન્ટ થેરાપી તેમના આયુષ્યને વધારી શકે છે કારણકે મોતના એક મુખ્ય કારણ હૃદયરોગ સામે આ થેરાપી રક્ષણ આપે છે. જોકે, કેન્સર રિસર્ચ યુકેના ડો. જાસ્મિન જસ્ટે જણાવ્યું હતું કે,‘મેનોપોઝના લક્ષણો માટે HRT અસરકારક સારવાર છે પરંતુ, તેનાથી ચોક્કસ પ્રકારના કેન્સરનું જોખમ પણ વધે છે.’
જીવનના પાંચમા અને છઠ્ઠા દાયકામાં HRT પિલ્સનો ઉપયોગ કરતી સ્ત્રીઓ પર આઠ વર્ષ દેખરેખ રખાઈ તે આઠ વર્ષમાં તેમના મૃત્યુના જોખમમાં ૩૦ ટકાનો ઘટાડો થયો હોવાનું સંશોધકોને જણાયું હતું. આ સ્ત્રીઓના હૃદયમાં હાર્ટ એટેકના જોખમ અને ધમનીઓના બ્લોકેજના ચાવીરુપ ઈન્ડિકેટર કેલ્શિયમની હાજરી ૩૬ ટકા ઓછી જણાઈ હતી.