લંડનઃ બ્રિટિશ શીખ લોર્ડ કુલવીર રેન્જર પર હાઉસ ઓફ લોર્ડ્સના બારમાં જવા પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાય તેવી સંભાવના છે. તેમને હાઉસ ઓફ લોર્ડ઼્સમાંથી 3 સપ્તાહ માટે સસ્પેન્ડ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. લોર્ડ કુલવીર રેન્જર પર પાર્લામેન્ટરી બાર ખાતે નશાની હાલતમાં બે મહિલાઓને પરેશાન કરવા અને ધમકી આપવાનો આરોપ મૂકાયો હતો. કમિટીની તપાસમાં તેમની સામેના આરોપો પૂરવાર થયાં છે.
હાઉસ ઓફ લોર્ડ્સની કન્ડક્ટ કમિટી દ્વારા લોર્ડ કુલવીર રેન્જરને દોષી ઠેરવાયા બાદ તેમણે ટોરી વ્હિપ પદેથી રાજીનામુ આપી દીધું છે. તેમને 2023માં આજીવન લોર્ડશિપની પદવી અપાઇ હતી. કમિટીએ લોર્ડ રેન્જરને હાઉસ ઓફ લોર્ડ્સની કામગીરીમાંથી 3 સપ્તાહ માટે સસ્પેન્ડ કરવા અને 12 મહિના સુધી સંસદના બારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. કમિટીએ હાઉસ ઓફ કોમન્સને પણ આવો જ પ્રતિબંધ મૂકવા ભલામણ કરી છે.
17 જાન્યુઆરી 2024ના રોજ હાઉસ ઓફ કોમન્સના સ્ટ્રેન્જર્સ બાર ખાતે લોર્ડ કુલવીર રેન્જર નશાની હાલતમાં એક ગ્રુપ પાસે પહોંચી ગયા હતા અને તે ગ્રુપની મહિલાઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું.